ગુજરાત

gujarat

Ambaji Bhadarvi Poonam Melo : અંબાજીમાં યોજાયેલા ભાદરવી પૂનમના મહામેળાનું ભક્તિમય માહોલમાં સમાપન

By ETV Bharat Gujarati Team

Published : Sep 29, 2023, 10:34 PM IST

મા અંબાના ધામમાં સાત દિવસ માટે યોજાયેલ મહામેળાનું આજે સમાપન થયું છે. આ મેળા દરમિયાન કુલ 45 લાખ જેટલા માઈ ભક્તોએ માના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારે આજે મેળાનું સમાપન થતા તંત્ર દ્વારા મા અંબાને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

Ambaji Bhadarvi Poonam Melo
Ambaji Bhadarvi Poonam Melo

અંબાજીમાં યોજાયેલા ભાદરવી પૂનમનો મહામેળાનું ભક્તિમય માહોલમાં સમાપન

બનાસકાંઠા :અરવલ્લી ગિરિમાળામાં આવેલા મા અંબાના ધામમાં 23 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી મહામેળો યોજાયો હતો. આ દરમિયાન લાખો ભક્તોએ માના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. આજે મેળાનું સમાપન થતા તંત્ર દ્વારા મા અંબાને ધ્વજારોહણ કરવામાં આવું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ સહિત તાલુકાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાદરવી પૂનમનો મેળો : શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર ગણાતા મા અંબાના ધામમાં દેશ-વિદેશથી માઈ ભક્તો આવી આશીર્વાદ મેળવતા હોય છે. આ વર્ષે ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખો ભક્તો પગપાળા ચાલીને અંબાજી આવ્યા હતા. ત્યારે દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી. આ તમામ સુવિધાઓનો પગપાળા યાત્રિકોએ લાભ લીધો અને આજે સુખ શાંતિથી મેળો સંપન્ન થયો છે.

45 લાખથી વધુ માઈ ભક્ત : આ વર્ષે 23 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેળાના પ્રથમ દિવસે 2,75,450 યાત્રાળુ, બીજા દિવસે 4,68,286, ત્રીજા દિવસે 5,88,296, ચોથા દિવસે 7,02,300, પાંચમાં દિવસે 10,12,700, છઠ્ઠા દિવસે 8,89,000 અને સાતમા દિવસે 6,18,073 શ્રદ્ધાળુએ માઁ અંબાના દર્શન કર્યા હતા. આમ આ મેળામાં કુલ 45,54,105 માઇ ભક્તોએ માઁના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા છે.

ભક્તોની સેવા જ સાચા આશીર્વાદ : સાત દિવસમાં અંબાના મેળામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. જેમાં 3,73,161 માઇ ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો. આ મેળા દરમિયાન કુલ 18,41,481 પેકેટ પ્રસાદ અને 7,1,452 ચીકીનો પ્રસાદ લીધો હતો. ઉપરાંત 8,72,783 શ્રદ્ધાળુઓએ સરકાર તરફથી વ્યવસ્થા કરેલ બસ સેવાનો લાભ લીધો છે. આ ઉપરાંત 5,06,319 શ્રદ્ધાળુઓએ ઉડનખટોલામાં બેસીને માઁ દર્શન કર્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા 11,5,381 પગપાળા ચાલતા શ્રદ્ધાળુઓને સેવા પૂરી પાડવામાં આવી હતી.

મેળામાં લાખો ભક્તો આવતા હોય અને તેમના માટે કોઈ વ્યવસ્થા કરવી હોય ત્યારે કોઈ એક સંસ્થા કે એક-બે વ્યક્તિ ન કરી શકે. ત્યારે તમામ સંસ્થાઓએ સહભાગી થઈને ખભેથી ખભો મિલાવીને સાત દિવસ સહકાર આપ્યો તેથી આજે સુખ-શાંતિથી આ મેળો અહીં સંપન્ન થયો છે. હું જિલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. -- અરુણ બરનવાલ (બનાસકાંઠા જિલ્લા કલેકટર)

માઁ અંબાને ધ્વજારોહણ : અંબાજી ખાતે દૂર દૂરથી માઈ ભક્તો પોતાની શ્રદ્ધા સાથે આવતા હોય છે. ત્યારે ઘણા શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ થવા માટે ધ્વજા ચડાવવાની માનતા રાખતા હોય છે. આવા ભક્તો દ્વારા પગપાળા ચાલી વાજતે ગાજતે દર વર્ષે ધ્વજારોહણ કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે માઁ અંબાને 3,377 ધજા ચડાવવામાં આવી છે.

6 કરોડનું રોકડ દાન :માઁ અંબાની કૃપાથી દર વર્ષે કરોડો રૂપિયાનું સોનું અને રોકડ રૂપિયા મંદિરમાં દાન આપવામાં આવે છે. તેમજ દૂર દૂરથી પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુઓ દ્વારા માઁના ચરણોમાં શક્તિ એવી ભક્તિના સ્વરૂપે દાન અર્પણ કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે મેળા દરમિયાન 520 ગ્રામ સોનાની આવક થઈ છે. ઉપરાંત રૂપિયા 6,89,72,556 માઁના ચરણોમાં દાન આવ્યું છે છે.

પોલીસ તંત્રની કામગીરી ઉડીને આંખે વળગી :અંબાજી મેળામાં લાખો યાત્રાળુઓ માઁ અંબાના દર્શનાર્થે આવતા હોય છે. આ યાત્રિકોની સુખ-સુવિધા અને સલામતી માટે પોલીસ તંત્રએ રાત-દિવસ ખડે પગે કામગીરી કરી હતી. યાત્રિકોની સલામતી સાથે સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ સજ્જ બન્યું હતું. મેળામાં યાત્રિકોની સઘન સુરક્ષા માટે 6,500 પોલીસ જવાનો ખડે પગે સેવા આપી હતી. આ ઉપરાંત મેળામાં ચારસો જેટલા સીસીટીવી કેમેરાથી યાત્રાળુઓની સલામતી માટે બાજ-નજર રાખવામાં આવી હતી.

માનવ સેવા એ પ્રભુ સેવા : ભાદરવી પૂનમના મેળામાં આ સાત દિવસ દરમિયાન પોલીસ તંત્રની કામગીરી ઉડીને આંખે વળગે તેવી રહી છે. અંબાજી ભાદરવી પૂનમના મેળામાં 6500 પોલીસ જવાનોએ ફરજ બજાવી હતી. અંબાજી મેળા દરમિયાન 20 નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી, 54 પોલીસ ઈન્સ્પેક્ટર, 150 પોલીસ સબ ઇન્સ્પેકટર સહિત પોલીસ જવાનોએ વિવિધ સ્થળોએ તેમના સોંપેલ પોઇન્ટ પર ફરજ બજાવી હતી. આ ઉપરાંત સાત બીડીએસ ટીમ અને ક્યુઆર ટીમે ખડેપગે સેવા આપી હતી.

મેળાનું સમાપન : સાત દિવસનો મેળો પૂર્ણ થતા ધ્વજારોહણ બાદ જિલ્લા કલેકટર અરુણ બરનવાલે જણાવ્યું હતું કે, જ્યારે અમારા દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે અમને ખબર હતી કે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવશે. પરંતુ અમારી અપેક્ષા કરતાં પણ વધારે ભક્તોએ માઁના દર્શન કર્યા અને પરંપરા મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

  1. Ambaji Bhadarvi Punam Melo : અંબાજીમાં ત્રણ દિવસમાં 13 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યાં, પદયાત્રીઓના ઉત્સાહની તસવીરો
  2. Bhadarvi Poonam Melo : અંબાજી મેળામાં બે દિવસમાં 7 લાખ માઇ ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું

ABOUT THE AUTHOR

...view details