ગુજરાત

gujarat

અમૂલને કોરોનાકાળ ફળ્યો, વાર્ષિક ટર્નઓવર 9.04 ટકા વધીને 8586 કરોડને પાર

By

Published : May 6, 2021, 10:07 PM IST

કોરોના મહામારીમાં ધંધા રોજગારો પડી ભાંગ્યા છે. ત્યારે એશિયાની સૌથી મોટી અમૂલ ડેરીને કોરોનાકાળ ફળ્યો છે. વર્ષ 2019-20માં અમૂલનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા 7874 કરોડ હતું. જેમાં 9.04 ટકાના વધારા સાથે વર્ષ 2020-21માં અમૂલનું વાર્ષિક ટર્નઓવર વધીને 8586 કરોડને પાર પહોંચ્યું છે.

અમૂલને કોરોનાકાળ ફળ્યો, વાર્ષિક ટર્નઓવર 9.04 ટકા વધીને 8586 કરોડને પાર
અમૂલને કોરોનાકાળ ફળ્યો, વાર્ષિક ટર્નઓવર 9.04 ટકા વધીને 8586 કરોડને પાર

  • કોરોનાકાળમાં પણ અમૂલના વાર્ષિક ટર્નઓવરમાં વધારો નોંધાયો
  • રાજ્ય અને બહારથી સંપાદન કરાતા દૂધમાં 17 ટકાનો વધારો
  • અમૂલે વર્ષ દરમિયાન પશુપાલકોને દૂધના ભાવ પણ વધારે આપ્યા

આણંદ: કોરોના મહામારી દરમિયાન અમૂલ દ્વારા અવનવી પેદાશો જેવી કે, તુલસી, હલ્દી, જીંજરના કૂકીઝ(બિસ્કિટ્સ) તેમજ દૂધમાંથી બનતા નવા પીણાં માર્કેટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેને સારો પ્રતિસાદ મળતા વર્ષ 2019-20ની સરખામણીએ વર્ષ 2020-21માં અમૂલનું વાર્ષિક ટર્નઓવર 9.04 ટકા વધીને 8586 કરોડને પાર પહોંચ્યું છે. આ સાથે અમૂલ પશુપાલકોને દૂધના સારા એવા ભાવ આપી શકી છે.

દૂધ ખરીદીનો ભાવ 17 મહિના સુધી જાળવી રાખ્યો

અમૂલ દ્વારા વર્ષ 2019-20માં સભાસદો એટલે કે વિવિધ દૂધમંડળીઓમાં દૂધ જમા કરાવતા પશુપાલકોને પ્રતિકિલો ફેટ દીઠ 710 રૂપિયા ચૂકવી રહ્યું હતું. જે 17 મહિના સુધી જાળવી રાખવામાં આવ્યો હતો. આ ભાવ અન્ય સંઘોની સરખામણીએ સૌથી વધારે છે. આ ઉપરાંત ગુજરાત અને ગુજરાત બહારથી સંપાદન કરવામાં આવતા દૂધના જથ્થામાં ગત વર્ષની સરખામણીએ 17 ટકાનો વધારો પણ નોંઘાયો છે.

પશુપાલકોને પ્રતિ લિટર 1.54 રૂપિયા વધારે ચૂકવાયા

અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષે દૂધ ખરીદીનો અંતિમ ભાવ પ્રતિકિલો ફેટ દીઠ 811 રૂપિયા ચૂકવવામાં આવતો હતો. જે વર્ષ 2020-21માં વધારીને 835.51 રૂપિયા કરવામાં આવ્યો હતો. સામાન્ય ભાષામાં દૂધ ખરીદીનો ભાવ પ્રતિ લિટર 40.51 રૂપિયા હતો. જે વધીને 42.75 રૂપિયા થયો હતો. આમ, સભાસદોને પ્રતિ લિટર 1.54 રૂપિયા વધારે ચૂકવવામાં આવ્યા હતા.

મહામારીની શરૂઆતમાં પડી હતી વિપરિત અસર

કોરોના મહામારીની શરૂઆતમાં અમૂલને પણ તેની વિપરિત અસરનો સામનો કરવો પડ્યો હતો. જોકે, અમૂલે તેને ગંભીરતાથી લઈને પોતાની પ્રોડક્ટ રેન્જમાં કોરોના દરમિયાન ઉપયોગી રહે તેવા પ્રોડક્ટ્સ ઉમેરતા મંદી વધારે સમય સુધી નડી હતી નહીં. જૂન મહિના બાદ આવેલી તેજીના પગલે જ અમૂલ પોતાના વાર્ષિક ટર્નઓવરમાં વધારો કરી શકી છે.

ABOUT THE AUTHOR

...view details