ગુજરાત

gujarat

Ahmedabad Crime : જમાલપુરમાં મિત્રતા નિભાવવા માટે હત્યાનો ખુલાસો, પોલીસે 5ની કરી ધરપકડ

By

Published : Feb 11, 2023, 6:05 PM IST

અમદાવાદના જમાલપુર દરવાજા પાસે આવેલા જગન્નાથ મંદિરની બહાર થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. આ મામલે ગુનામાં સામેલ 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓની પ્રાથમિક તપાસમાં હત્યા પાછળનું કારણ જાણીને પોલીસ પણ દંગ રહી ગઈ હતી.

Ahmedabad Crime : જમાલપુરમાં મિત્રતા નિભાવવા માટે હત્યાનો ખુલાસો, પોલીસે 5ની કરી ધરપકડ
Ahmedabad Crime : જમાલપુરમાં મિત્રતા નિભાવવા માટે હત્યાનો ખુલાસો, પોલીસે 5ની કરી ધરપકડ

જમાલપુરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

અમદાવાદ : શહેરમાં વર્ષ 2023માં હત્યા જેવી ગંભીર ઘટનાઓનો આંકડો માત્ર દોઢ મહિનામાં ડબલ ડિજિટમાં પહોંચી ગયો છે. જમાલપુર દરવાજા પાસે 9મી ફેબ્રુઆરીએ એક યુવકનો મૃતદેહ પોલીસને મળ્યો હતો. જેમાં તપાસમાં હત્યા થઈ હોવાનું ખુલતાં અલગ અલગ ટીમો કામે લાગી હતી. મૃતક પાસેથી મળી આવેલા ફોનમાંથી પોલીસને તેની ઓળખ થઈ હતી. મૂળ મહેસાણાનો અને તેનું નામ ભરત પરમાર હોવાનું ખુલ્યું હતું. પોલીસે તેના પરિવારનો સંપર્ક કરતા તે છેલ્લા 4 વર્ષથી ઘરેથી અમદાવાદ આવી ગયો હોવાનું સામે આવ્યું હતું.

આરોપીને પકડવા માટે કવાયત : આ મામલે ઘટનાની જાણ થતાં ગાયકવાડ હવેલી પોલીસની સાથે ACP અને ક્રાઈમ બ્રાન્ચ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ આરોપીને પકડવા માટે કવાયત હાથ ધરી હતી. પોલીસને આશંકા હતી કે મૃતક પર અન્ય જગ્યાએ હુમલો થયો હોય અને તે ઇજાગ્રસ્ત હાલતમાં અહીંયા આવીને ઢળી પડ્યો છે. જોકે બાદમાં આસપાસના CCTV તપાસ કરતા અંતે ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

કેવી રીતે ધરપકડ કરી : આખી રાત પોલીસે વિસ્તારના CCTV તપાસ કરતા એક CCTVમાં શંકાસ્પદ 6 આરોપીઓ 3 એક્ટિવા ઘટના સ્થળે આવતા નજરે પડ્યા હતા. જોકે તેમાંથી એક એક્ટિવા ચાલક એકલો જતા નજરે પડ્યો હતો. ઝોન 3 LCB અને ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે ટીમો કામે લગાડી ગુનામાં સામેલ 5 આરોપીઓ જેમાં કમલેશ ઉર્ફે ભુરીયો વાઘેલા, પ્રીતમ પ્રજાપતિ, રતિલાલ વાઘેલા, સત્યન સોલંકી અને બંસી ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :Ahmedabad Crime: અમદાવાદ થયું રક્તરંજિત, અત્યાર સુધીમાં 4 હત્યા

તીક્ષ્ણ હથિયારનો ઘા માર્યા : પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક ભરત પરમારને અયુબખાન પઠાણ સાથે ઝઘડો થયો હતો. જે દરમિયાન ભરત પરમારે અયુબખાનને ધક્કો મારતા તે નીચે પડતા તેને ફ્રેક્ચર થયું હતું. અયુબ પોતાના મિત્ર કમલેશ ઉર્ફે ભુરિયાને આ બાબતની જાણ કરતા કમલેશે પોતાના મિત્રને ધક્કો મારવા મામલે બદલો લેવાનું નક્કી કર્યું. એક્ટિવા પર બેસી મંદિર બહાર હાજર ભરત પરમારને તીક્ષ્ણ હથિયારનો ઘા માર્યા હતા. જોકે તે દરમિયાન અન્ય આરોપીએ પણ ભરત પરમાર પર પાઈપથી હુમલો કરવા જતાં તે કમલેશને વાગતા તેને પગમાં ઈજાઓ થઈ હતી. બાદમાં પોલીસ તેને પકડવા ગઈ ત્યારે તેને પહેલે માળેથી ઝંપલાવી ભાગવાનો પ્રયાસ કરતા પગમાં ફ્રેક્ચર થયું હતું.

આ પણ વાંચો :Ahmedabad Crime : શહેરમાં 9 દિવસમાં ચોથી હત્યા, જમાલપુર દરવાજા બહાર મહેસાણાના યુવકની હત્યા

કમલેશ હિસ્ટ્રી શીટર : આ મામલે પકડાયેલો આરોપી કમલેશ હિસ્ટ્રી શીટર હોવાનું ખુલ્યું છે. જેમાં તેની સામે પ્રોહિબિશનના 22 અને શરીર સંબંધી 7 ગુના એમ કુલ 30 ગુનામાં અગાઉ સામેલ હોવાનું ખુલ્યું છે. તેમજ 8 વખત તે પાસા પણ ભોગવી ચુક્યો છે. હાલ તો આ મામલે ઝડપાયેલા આરોપીઓને ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. આ અંગે ઝોન 3 ના DCP સુશીલકુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, ગુનામાં સામેલ તમામ આરોપીઓને ઝોન 3 LCB અને સ્થાનિક પોલીસે મળીને ઝડપી લીધા છે. આરોપીઓની વધુ તપાસ પોલીસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details