ગુજરાત

gujarat

Ahmedabad Transplant Surgery : 7 મહિનાના બાળકનું લિવર ટ્રાન્સપ્લાન્ટ સફળ બન્યું, અમદાવાદની ખાનગી હોસ્પિટલની સિદ્ધિ

By ETV Bharat Gujarati Team

Published : Oct 10, 2023, 9:03 PM IST

પિડિયાટ્રિક લીવર ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રે અમદાવાદની ખાનગી હોસ્પિટલની સિદ્ધિ સામે આવી છે. જેમાં સાત મહિનાના અને સાવ ઓછું વજન ધરાવતા બાળકની સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે.

Ahmedabad Transplant Surgery : 7 મહિનાના બાળકનું લિવર ટ્રાન્સપ્લાન્ટ સફળ બન્યું, અમદાવાદની ખાનગી હોસ્પિટલની સિદ્ધિ
Ahmedabad Transplant Surgery : 7 મહિનાના બાળકનું લિવર ટ્રાન્સપ્લાન્ટ સફળ બન્યું, અમદાવાદની ખાનગી હોસ્પિટલની સિદ્ધિ

સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી

અમદાવાદ : અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં માત્ર 5.5 કિલો વજન ધરાવતા 7 મહિનાના નવજાતનું સફળતાપૂર્વક લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. આ સિદ્ધિ ગુજરાતમાં એક વર્ષથી ઓછી ઉંમરના શિશુ માટે પ્રથમ વખતનું લીવર ટ્રાન્સપ્લાન્ટ છે, જે રાજ્યમાં પિડિયાટ્રિક લીવર ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રે નોંધપાત્ર સફળતા છે.

નિષ્ણાત ડોક્ટરોની ટીમ :હેલ્થકેર નિષ્ણાતોની એક અનુભવી ટીમે આ ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. જેમાં ડો. ડેરિયસ મિર્ઝા પણ સામેલ હતા, જેઓ સમગ્ર વિશ્વમાં 6,000થી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરનારી બર્મિંગહામ ટીમનું નેતૃત્વ કરે છે. ડો. મિર્ઝા સાથે ડો. ચિરાગ દેસાઈ, ડો. પથિક પરીખ, ડો. પુષ્કર શ્રીવાસ્તવ જોડાયાં હતાં.

આનુવંશિક રોગને કારણે નુકસાન : દર્દી બેટ દ્વારકાનું બાળક છે. બાળકને તેના જન્મના થોડા અઠવાડિયામાં કમળાની શરૂઆત સાથે મુશ્કેલી શરૂ થઇ હતી. બીમારી ઝડપથી આગળ વધી રહી હતી, જે પ્રોગ્રેસિવ ફેમિલીયલ ઇન્ટ્રાહેપેટિક કોલેસ્ટેસિસ (PFIC) તરીકે ઓળખાતી આનુવંશિક રોગને કારણે લીવરને ભારે નુકસાન કરી રહી હતી.

જ્યારે અમે બાળકનું PFIC હોવાનું નિદાન કર્યું ત્યારે અમને ખબર હતી કે અન્ય મહત્વપૂર્ણ અંગોને વધુ નુકસાન ન થાય તે માટે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. બાળકના માતાપિતા, જેઓ યુવાન પણ છે, તેમણે બાળકની સ્થિતિની ગંભીરતાને જોતાં સર્જરી માટે સંમતિ આપી હતી...ડો. પથિક પરીખ (લિવર ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન )

માતાએ લીવરનો ભાગ આપ્યો :આટલા નાના બાળકને લીવર મળવાની શક્યતા ઘણી ઓછી હોવાથી માતાએ તેના લીવરનો એક ભાગ ટ્રાન્સપ્લાન્ટ માટે દાનમાં આપ્યો હતો. હોસ્પિટલની ટીમે સર્જરીમાં પડકાર હોવાના કારણે સર્જરી પહેલાં દરમિયાન અને પછી અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. સૌથી મોટો પડકાર એ બાળકનું શરીર અત્યંત નાનું હતું. 8-10-કલાકની સર્જરીને સહન કરવા માટે બાળક પોષણક્ષમ થાય તેની ખાતરી કરવા માટે ઝીણવટભરી સર્જિકલ પ્લાનિંગ જરૂરી હતું. બીજી બાજુ નાણાકીય ભીડના કારણે પીએમ અને સીએમ રાહત ફંડ અને એનજીઓ સહિત વિવિધ સ્ત્રોતો પાસેથી ઓપરેશન માટે રૂ. 16 લાખ એકત્ર કરવામાં આવ્યા હતાં.

સર્જરીમાં પડકારો :આટલી નાની ઉંમરના બાળકોમાં અનોખો પડકાર જોવા મળે છે. તેમની રક્તવાહિનીઓ ખૂબ નાની હોય છે, 1-2 mm કદની હોય છે, જ્યારે ટ્રાન્સપ્લાન્ટ બાદ આખા અંગને સપ્લાય કરવાનો હોય છે, ત્યારે ઓપરેશન બાદ વધુ પડતા રક્તસ્રાવના જોખમને દૂર કરવા લોહીને પાતળુ થતુ અટકાવવા અત્યંત ઝીણવટપૂર્વક બ્લોકેજ કરવાનું હોય છે. નાના બાળકો સહેજ પણ લોહીની ઉણપ સહન કરી શકતા નથી. જે બાળકોમાં સ્વાભાવિક રીતે ચેપનું જોખમ વધુ હોય છે તેમને ટ્રાન્સપ્લાન્ટ રિજેક્શનથી બચાવવા રોગપ્રતિકારક સપ્રેસન દવા આપવી પડે છે. વધુમાં બાળકના હૃદયના ધબકારાને જાળવવા પણ મોટો પડકાર હતો. રાજ્યમાં પ્રથમ વખત અન્ય લીવર ટ્રાન્સપ્લાન્ટ યુનિટની તુલનાએ અલગ જ રીતે ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. અત્યંત નાની નસોમાં ટાંકા લેવા અને લોહીનો પ્રવાહ ચાલુ રહે તેની ખાતરી કરવી અત્યંત પડકારજનક છે, જે સર્જરીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. આ પ્રક્રિયા કરતી વખતે સૌથી અનુભવી સર્જન્સ પણ ગોથા ખાઈ શકે છે. 25 સપ્ટેમ્બરે બાળકનું સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું અને હવે તે સાજો થઈ રહ્યો છે.

15 દિવસ બાદ રજા અપાઈ : અપોલો હોસ્પિટલ અમદાવાદના વેસ્ટર્ન રિજન લીડ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન પ્રોફેસર ડો. ડેરિયસ મિર્ઝાએ જણાવ્યું હતું કે, હવે બાળક સામાન્ય રીતે જમી રહ્યો છે. તેનો કમળો પણ દૂર થયો છે. અમારી ટીમ સર્જરી પછીના પડકારોનું સંચાલન કરી રહી છે, જેમાં રોગપ્રતિકારક સુપ્રેશન અને પૂરતા પોષણની સંભાળનો સમાવેશ થાય છે. હજુ શરૂઆતના દિવસો છે અને અમે બાળકની સ્થિતિમાં સુધારો જારી રહેશે તેવી અપેક્ષા રાખીએ છીએ. સફળ ટ્રાન્સપ્લાન્ટના પંદર દિવસ બાદ મંગળવારે બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જે તેના જીવનમાં એક નવા અને સ્વસ્થ જીવનની શરૂઆત દર્શાવે છે.

  1. Bone Marrow Transplant : અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અને સેલ્યુલર થેરાપી યુનિટ લોન્ચ, ઉપયોગિતા જાણો
  2. Liver Transplant : પિડિયાટ્રિક લીવર ટ્રાન્સપ્લાન્ટની મહત્ત્વની પ્રક્રિયાઓ માટે વિશ્વના નિષ્ણાતો સાથે કામ કરશે લીવર કેર પ્રોગ્રામ
  3. હૈદરાબાદમાં 23 દિવસના બાળક પર લીવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરવામાં આવ્યું

ABOUT THE AUTHOR

...view details