ગુજરાત

gujarat

Ahmedabad Crime News: ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહી કાંડના મુખ્ય આરોપી ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે બે માસ્ટર માઈન્ડની ધરપકડ કરી

By ETV Bharat Gujarati Team

Published : Sep 23, 2023, 9:25 PM IST

Updated : Sep 23, 2023, 9:30 PM IST

ગુજરાત યુનિવર્સિટી ખાતે નર્સિંગ તથા ફિઝિયોથેરાપીની ઉત્તરવહી ગાયબ થવાના કૌભાંડમાં સામેલ બે માસ્ટર માઈન્ડ ઝડપાયા છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આ ગુનાના બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓ દ્વારા પૈસા કમાવા માટે આ કૌભાંડ આચર્યું હોવાની હકીકત સામે આવી છે. વાંચો ઉત્તરવહી કાંડને ઉકેલવામાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે કરેલ કાર્યવાહી વિશે વિગતવાર

ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહી કાંડના 2 માસ્ટરમાઈન્ડ ઝડપાયા
ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહી કાંડના 2 માસ્ટરમાઈન્ડ ઝડપાયા

ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહી કાંડના મુખ્ય આરોપી ઝડપાયા

અમદાવાદઃ ગત જુલાઈ માસમાં ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગના સ્ટ્રોંગ રૂમનું લોક ખોલી નર્સિંગના ચોથા વર્ષની પરીક્ષાની અમુક ઉત્તરવહીઓ ચોરાઈ હતી. જે મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ત્યારે આ ગુનાના કામે અગાઉ એક આરોપીની યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી હતી. જેની ઉલટ તપાસમાં અન્ય આરોપીઓના નામ સામે આવ્યા હતા. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે આ ગુનામાં સામેલ મુખ્ય બે આરોપીઓની ધરપકડ કરી છે.

આ બંને આરોપીઓ વિદ્યાર્થીઓ છે અને છેલ્લા 3 વર્ષથી આ રીતે અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓને સંપર્ક કરી 20 થી 50 હજારમાં આ રીતે ગોઠવણ કરી પાસ કરાવવાનું કૌભાંડ આચરતા હતા. હાલ આરોપીની વધુ તપાસ માટે યુનિવર્સિટી પોલીસને સોંપવામાં આવ્યા છે. - ચૈતન્ય મંડલીક, DCP, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ

પરપ્રાંતિય છે બે માસ્ટર માઈન્ડઃ મૂળ બગાહી(બિહાર)ના સન્ની મુકેશભાઈ ચૌધરી તેમજ મૂળ ઉત્તર પ્રદેશના રાયબરેલીના અમિત સુરેશભાઈ સિંગ નામના બે યુવકોની ધરપકડ કરી છે. આ બંને આરોપી યુવકો અમદાવાદના નવા વાડજ ખાતે રહેતા હતા. બંને આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે બંને આરોપીઓ પૈકી અમિત સિંહ ગુજરાત યુનિવર્સિટીમાં બોટની વિભાગમાં પટાવાળા તરીકે કામ કરતા સંજય ડામોરના સંપર્કમાં હતો. આ ઈસમની અગાઉ પોલીસે ધરપકડ કરી લીધી હતી. સંજય ડામોરની સ્ટ્રોંગ રૂમમાં પટાવાળા તરીકે નોકરી હતી. ગુજરાત યુનિવર્સિટીના અલગ અલગ વિભાગોના પેપર અને ઉત્તરવહી અહીં રાખવામાં આવતા હતા. જેથી બંને આરોપીઓએ નાપાસ થાય તેમ હોય તેવા વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં ચેડા કરાવી પાસ કરાવવાનું કૌભાંડ આચરતા હતા.

મોડસ ઓપરન્ડીઃ અભ્યાસમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓને સન્ની ચૌધરી પોતાના ઈન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરતો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ પાસે કામ પેટે એક પેપર દીઠ 50,000 રકમ નક્કી કરતો હતો. જે વિદ્યાર્થીઓ પૈસા આપવા તૈયાર થાય તેવા વિદ્યાર્થીઓ પાસેથી અમુક રકમ એડવાન્સ પેટે લઈને તેની હોલ ટિકિટની ઝેરોક્ષ સંજય ડામોરને મોકલતો હતો અને ત્યારબાદ આવા વિદ્યાર્થીઓની ઉત્તરવહી ઉપર સંજય ડામોર લખવા માટેના કોડ આપતો હતો. જે કોડ બંને આરોપીઓ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતા હતા.

ગુપ્ત સ્થળે વિદ્યાર્થીને ઉત્તરવહી અપાતી હતીઃ આવા વિદ્યાર્થીઓ પોતાની ઉત્તરવહી સાથે કોરી પુરવણી બાંધી તેમાં કોડ લખતા જેથી સંજય ડામોરને જાણ થઈ શકે અને પરીક્ષા પૂર્ણ થયા બાદ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેલ ઉત્તરવહીઓને રાત્રે સંજય ડામોર નક્કી કરેલા કોડના આધારે શોધી બંને આરોપીઓને આપતો હતો. ત્યારબાદ ઉત્તરવહીઓમાં જવાબો લખાવવા માટે આરોપીઓ વિદ્યાર્થીઓને અમિત સિંગની વાડજ ભીમજીપુરા ખાતે આવેલી દુકાનમાં અને કેટલાક વિદ્યાર્થીઓને અમિતસિંહ પોતાના ઘરે લઈ જતો હતો. તેમજ વિદ્યાર્થીઓને ઘરે પણ લખવા માટે ઉત્તરવહીઓ આપતા હતા. જે ઉત્તરવહીઓ રાતોરાત લખાવી બંને આરોપીઓ વહેલી સવારના સંજય ડામોર પાસે પરત જમા કરાવતા હતા. સંજય ડામોર આવી ઉત્તરવહીઓ જે તે જગ્યાએ સ્ટ્રોંગ રૂમમાં ગોઠવી દેતો.

કુલ 59 વિદ્યાર્થીઓ શિકાર બન્યાઃ આરોપીઓએ આ રીતે વર્ષ 2021 - 2022 અને 2023 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલા કોલેજોની નર્સિંગ અને ફિઝિયોથેરાપીની અલગ અલગ સેમેસ્ટરની અલગ અલગ પરીક્ષામાં કૌભાંડ કર્યું છે. કુલ 59 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી પૈસા મેળવી નકલ કરાવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની વધુ તપાસ માટે ગુજરાત યુનિવર્સિટી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

  1. Ahmedabad Murder: અમદાવાદ શહેરમાં ફરી એકવાર જાહેરમાં હત્યાની ઘટના, કારણ જાણીને ચોંકી જશો
  2. Drugs Crime : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક કરોડથી વધુના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપ્યાં, પાલનપુર અને રાજસ્થાન કનેક્શન ખુલ્યું
Last Updated : Sep 23, 2023, 9:30 PM IST

ABOUT THE AUTHOR

...view details