ગુજરાત

gujarat

કમલા હૅરિસ બનશે અમેરિકાના પ્રથમ મહિલા વાઇસ પ્રેસિડન્ટ

By

Published : Jan 20, 2021, 12:10 PM IST

Updated : Jan 20, 2021, 1:46 PM IST

કમલા હૅરિસ 20 જાન્યુઆરીએ એકથી વધુ ઇતિહાસ અમેરિકાના રાજકારણમાં રચી દેવાના છે. તેઓ સૌ પ્રથમ મહિલા વાઇસ પ્રેસિડન્ટ બન્યા છે. એટલું જ નહિ તેઓ પ્રથમ અશ્વેત અને ઇન્ડિયન અમેરિકન મહિલા તરીકે આટલા ઊંચા હોદ્દે પહોંચ્યા છે. અત્યાર સુધી અમેરિકાના રાજકારણમાં પુરુષો જ દબદબો રહ્યો છે, ત્યારે તામિલનાડુના શ્યામલા ગોપાલનની આ દીકરીએ ઇતિહાસ રચી દીધો છે.

Harris
Harris

વૉશિંગ્ટન: કેલિફોર્નિયામાંથી સેનેટર તરીકે રહી ચૂકેલા 56 વર્ષના કમલા હૅરિસ ભારતીય મૂળ ધરાવે છે, પણ તેમની ઓળખ અશ્વેત નારી તરીકની મુખ્ય છે, કેમ કે તેમના પિતા જમૈકાના હતા. ઇન્ડિયન અમેરિકન માતાના પુત્રી તરીકે તેમને એશિયન અમેરિકન સમુદાયમાં પણ ગણવામાં આવે છે. અને ખાસ કરીને નારી તરીકે તેઓ અમેરિકાના બે સદીના રાજકારણમાં આટલી ઊંચાઈએ પહોંચ્યા છે.

હિલેરી ક્લિન્ટન અમેરિકાના પ્રથમ મહિલા પ્રમુખ બનવા માટે ચૂંટણી લડ્યા હતા, પણ ડોનાલ્ડ ટ્રમ્પ સામે હારી ગયા. તેની જગ્યાએ આખરે આજે કમલા હૅરિસ વ્હાઇટ હાઉસની આટલી નજીક પહોંચી શક્યા છે.

તામિલનાડુથી અભ્યાસ માટે અમેરિકા ગયેલા શ્યામલા ગોપાલન ત્યાંની સામાજિક ન્યાય માટેની લડતમાં ભાગ લેતા રહ્યા હતા. આ દરમિયાન જ યુનિવર્સિટીમાં તેમને જમૈકાથી ભણવા આવેલા હૅરિસ સાથે પરિચય થયો હતો અને તેમણે લગ્ન કર્યા હતા. શ્યામલાએ કમલા તથા બીજી દીકરી માયાને અશ્વેત પરિવારો વચ્ચે બાદમાં એકલે હાથે ઉછેરી હતી.

કમલા હૅરિસ બનશે અમેરિકાના પ્રથમ મહિલા વાઇસ પ્રેસિડન્ટ
કાયદાશાસ્ત્રનું ભણેલા કમલા હૅરિસ ન્યાયતંત્રમાં મહત્ત્વની કામગીરી બજાવતા રહ્યા છે. તેઓ કેલિફોર્નિયામાં કાનૂની હોદ્દા પર સર્વોચ્ચ સ્થાને પહોંચેલા પ્રથમ સ્ત્રી હતા. સેનેટરમાં કામગીરી દરમિયાન ટ્રમ્પ તરફથી જેમની નિમણૂક કરવામાં આવી હોય તેમની પૂછપરછ કરવાની હોય ત્યારે કમલા હૅરિસ તેમને ભારે ભીંસમાં લેતા હતા. પ્રમુખપદના દાવેદાર તરીકે તેઓ પણ સ્પર્ધામાં હતા, પણ આખરે બાઇડન આગળ નીકળી ગયા. તે પછી બાઇડને તેમની વાઇસ પ્રેસિડન્ટના ઉમેદવાર તરીકે પસંદ કરી. તે સાથે જ ડેમોક્રેટિક પાર્ટીમાં ઉત્સાહનો માહોલ હતો, કેમ કે ટ્રમ્પની આડોડાઇને કારણે અમેરિકામાં ઊભા થયેલા રંગભેદી માહોલ વચ્ચે લઘુમતીઓ, અશ્વેતો અને ઇન્ડિયન તથા એશિયન અમેરિકન સહિતની લઘુમતીમાં આશા જાગી હતી.
બાઇડન મોટી ઉંમરે સ્પર્ધામાં હતા, પણ તેમના સાથી તરીકે કમલાની પસંદગી સાથે અશ્વેત અને લઘુમતી યુવાનોમાં તથા ઉદારવાદી યુવા ડેમોક્રેટિક સમર્થકોમાં ઉત્સાહ જાગ્યો હતો. તેમણે પોતાના પ્રચાર દરમિયાન અસરકારક રીતે પોતાની ઓળખ ઊભી કરી હતી. તેમણે પોતાને અશ્વેત નારી તરીકે આગળ કર્યા હતા ખરા, પણ સાથોસાથ પોતાની માતા શ્યામલાને યાદ કરીને ઇન્ડિયન અને એશિયન અમેરિકનોમાં પણ આશા પ્રેરતા રહ્યા હતા.
તેઓ અંગત સંઘર્ષ કરીને કેવી રીતે અમેરિકન સપનું પૂરું કરી શક્યા છે તેની લાગણીસભર અપિલ કરતા હતા. "મારી માતા શ્યામલાએ મને અને મારી બહેનને શીખવ્યું હતું કે તમારી સામે સમસ્યા આવે ત્યારે તેની ફરિયાદ નથી કરવાની હોતી: તમારે એ સમસ્યાના ઉકેલ માટે મથવાનું હોય છે. મારી માતાને કારણે હું વિશ્વાસ રાખી શકી કે મહેનત કરીને પરિવર્તન લાવી શકાય છે."શ્યામલા ગોપાલન માત્ર 19 વર્ષની વયે વિદ્યાર્થિની તરીકે બર્કલે યુનિવર્સિટીમાં ભણવા પહોંચ્યા હતા. તે વખતે નાગરિક અધિકારો માટેની લડત ચાલતી હતી. શ્યામલા તેમાં જોડાયા હતા અને તે દરમિયાન જ જમૈકાથી આવેલા ડોનાલ્ડ હૅરિસ સાથે તેમનો પરિચય થયો હતો.
હૅરિસ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે જમૈકાથી અમેરિકા આવ્યા હતા. તેમની સાથે લગ્નથી શ્યામલાને બે દીકરીઓ કમલા અને માયા થઈ હતી. બાદમાં શ્યામલાએ એકલે હાથે બંને દિકરીઓનો ઉછેર કર્યો હતો. આ સંઘર્ષમય જીવનને કમલા વારંવાર યાદ કરાવતા રહ્યા હતા અને મધર ઇન્ડિયા તરીકેની માતાની ઇમેજને યાદ કરીને મહિલાઓ, યુવાનોને આકર્ષતા રહ્યા હતા.ડોનાલ્ડ ટ્રમ્પ અને માઇક પેન્સ અને તેમની સામે બાઇડન અને હૅરિસ - આ ચારેય ઉમેદવારોમાં કમલા હૅરિસ સૌથી નાના 55 વર્ષના છે. બાઇડન સૌથી મોટી ઉંમરે, 78 વર્ષે પ્રમુખ બન્યા છે. તેના કારણે એક શક્યતા એ પણ વ્યક્ત થઈ રહી છે કે તેઓ કદાચ બીજી મુદત માટે ચૂંટણી નહિ લડે. તે સંજોગોમાં કમલા હૅરિસ આવતી ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર બની શકે છે. હિલેરી ક્લિન્ટન અમેરિકાના પ્રથમ મહિલા પ્રમુખ બનવાની સ્પર્ધામાં આવ્યા પણ જીતી શક્યા નહિ, ત્યારે શું કમલા હૅરિસ આ ઇતિહાસ રચી શકશે ખરા?
Last Updated :Jan 20, 2021, 1:46 PM IST

ABOUT THE AUTHOR

...view details