ગુજરાત

gujarat

ચીખલી કસ્ટોડિયલ ડેથમાં પોલીસ ઇન્સ્પેકટરના જામીન નામંજૂર

By

Published : Sep 2, 2021, 2:12 PM IST

ચીખલી કસ્ટોડિયલ ડેથમાં પોલીસ ઇન્સ્પેકટરના જામીન નામંજૂર
ચીખલી કસ્ટોડિયલ ડેથમાં પોલીસ ઇન્સ્પેકટરના જામીન નામંજૂર

સવા મહિના અગાઉ ચીખલી પોલીસ મથકમાં 2 શકમંદ આદિવાસી યુવાનોના હત્યારોપી અને ચીખલી પોલીસ મથકના PI એ. આર. વાળાની બીજી વખત મુકાયેલી જામીન અરજીને નવસારી જિલ્લા અને સત્ર ન્યાયાલયે નામંજૂર કરી.

  • નવસારી સેશન્સ કોર્ટે PI એ. આર. વાળાએ ધરપકડથી બચવા કરી હતી આગોતરા જામીન અરજી
  • અગાઉ કરેલી આગોતરા જામીન અરજી PI અને પોલીસ કર્મીઓએ પાછી ખેંચી હતી
  • સરકારી વકીલની ધારદાર દલીલ, પોલીસ અધિકારી હોવા છતાં ધરપકડથી ભાગે છે

નવસારી: સવા મહિના અગાઉ ચીખલી પોલીસ મથકમાં 2 શકમંદ આદિવાસી યુવાનોના હત્યારોપી અને ચીખલી પોલીસ મથકના PI એ. આર. વાળાની બીજી વખત મુકાયેલી જામીન અરજી સામે સરકારી વકીલે પોલીસ અધિકારી હોવા છતાં ધરપકડથી બચવા આગોતરા જામીન માંગતા હોવાની રજૂઆત સાથે જામીન આપવાથી કેસને અસર પહોંચાડી શકેની ધારદાર દલીલને ધ્યાને લઈ નવસારી જિલ્લા અને સત્ર ન્યાયાલયે નામંજૂર કરી છે.

શકમંદ યુવાનોની હત્યાનો ગુનો નોંધાયા બાદ હજી સુધી ફરાર છે હત્યારોપીઓ

ચીખલીમાં PI એ. આર. વાળા સહિત 6 પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો

નવસારીના ચીખલી પોલીસ મથકમાં ગત 21 જુલાઈની વહેલી સવારે બાઈક ચોરીની શંકામાં લાવવામાં આવેલા 2 આદિવાસી યુવાનોએ એક જ વાયરના બે છેડાથી આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી હતી, જેમાં શરૂઆતથી જ પોલીસ કર્મીઓ સામે શંકાની સોય ઉઠી હતી. જેથી આદિવાસી આગેવાનો સાથે વાંસદાના કૉંગી ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી સંગઠનોએ તટસ્થ તપાસની માંગ કરી હતી. બાદમાં ડાંગ ભાજપે બાજી સંભાળી નવસારી પોલીસ અધિક્ષક સાથે બેઠક કર્યા બાદ સમગ્ર પ્રકરણમાં ચીખલીમાં PI એ. આર. વાળા સહિત 6 પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં હત્યા સાથે જ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાવાને કારણે તપાસ નાયબ પોલીસ અધિક્ષકને સોંપવામાં આવી હતી. જોકે ગુનો નોંધાયા બાદ 6 પોલીસ કર્મીઓને પકડવામાં જિલ્લા પોલીસ નાકામ રહી છે અને તમામ હત્યારોપીઓ હજી ફરાર છે.

PI સહિત 2 પોલીસ કર્મીઓએ અગાઉ મૂકી હતી આગોતરા જામીન અરજી

PI એ. આર. વાળા સહિત HC શક્તિસિંહ ઝાલા, PC રામજી યાદવે અગાઉ ધરપકડથી બચવા માટે નવસારી જિલ્લા અને સત્ર ન્યાયાયલમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ જામીન અરજી મુકાયાની વાત આદિવાસી સંગઠનોને થતા ઉગ્ર વિરોધ થયો હતો. ત્યારબાદ ત્રણેય હત્યારોપીઓએ આગોતરા અરજી પાછી ખેંચી લીધી હતી. જોકે જેના થોડા જ દિવસોમાં PI એ. આર. વાળાએ ફરી જિલ્લા સત્ર ન્યાયાલય સમક્ષ આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેની સુનાવણી આજે નવસારી જિલ્લા અને સત્ર ન્યાયાલયમાં થઈ હતી, જેમાં સરકારી વકીલ તુષાર સુળેએ દલીલ કરી હતી કે, આરોપી પોલીસ અધિકારી હોવાથી ફરિયાદ પક્ષના પુરાવાઓ મેળવવાની કામગીરીમાં અડચણ ઉભી કરી શકે છે અથવા તપાસને પ્રભાવિત કરી શકે છે, જ્યારે એટ્રોસિટી એક્ટની કલમ 18 મુજબ જામીન મળી શકે એમ નથી. સાથે જ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના અગાઉના ચુકાદાઓ પણ રજૂ કર્યા હતા. જેને કોર્ટે ધ્યાને લઇ હત્યારોપી PI અજીતસિંહ રાયસિંગ વાળાની આગોતરા જામીન અરજીને જિલ્લા અને સત્ર ન્યાયાલયે નામંજૂર કરતો આદેશ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details