ગુજરાત

gujarat

સરકારનો મહત્વનો નિર્ણય, 5 લાખ હેક્ટર જમીનને મળશે સિંચાઈનો લાભ

By

Published : Aug 10, 2021, 8:52 PM IST

5 લાખ હેક્ટર જમીનને મળશે સિંચાઈનો લાભ

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ખેતીના પાક માટેની સિંચાઈને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી વરસાદ ખેંચાવાને કારણે થતી મુશ્કેલી સામે લડવા માટે શક્તિ મળી શકશે. મુખ્યપ્રધાને આ અગાઉ જૂલાઈ મહિનામાં ખેડૂતોને 8ને બદલે 10 કલાક વીજળી આપવાનો પણ નિર્ણય લીધો હતો.

  • વરસાદ ખેંચાવાને કારણે સરકારનો નિર્ણય
  • ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે અપાશે સિંચાઇનું પાણી
  • 5 લાખ હેક્ટર જમીનને મળશે સિંચાઇનો લાભ

ન્યૂઝ ડેસ્ક : રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા ખેડૂતોના હિતમાં આજે મંગળવારે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વરસાદ ખેંચાવાની પ્રવર્તમાન સ્થિતીમાં ખેડૂતોના ઊભા પાકને નૂકસાનથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મુખ્યપ્રધાન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:"પાંચ વર્ષ નારી ગૌરવના'' : મુખ્યપ્રધાન દ્વારા મહિલા ઉત્કર્ષલક્ષી વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ

30 સપ્ટેમ્બર સુધીનો પાણીનો જથ્થો અનામત

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જળસંપત્તિ વિભાગને આદેશ આપ્યો હતો કે, રાજ્યના જળાશયોમાં આગામી 30 સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો અનામત રાખીને બાકી રહેતો પાણીનો જથ્થો ખેડૂતોના પાકને બચાવવા સિંચાઇ માટે તાત્કાલિક અસરથી છોડવામાં આવે. આ નિર્ણયથી સમગ્ર રાજ્યના 5 લાખ હેક્ટર જમીન વિસ્તારને લાભ મળશે.

કઈ ડેમમાંથી કેટલું પાણી

મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા લેવામાં આવેલા નિર્ણયમાં સૌરાષ્ટ્રના 141 ડેમ પૈકી 88 જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી અપાતા વિસ્તારની 60,000 હેક્ટર જમીનને તેમજ ઉત્તર ગુજરાતમાં ધરોઇ ડેમનું પાણી 15,000 હેક્ટર, આ ઉપરાંત મધ્ય ગુજરાતના કડાણા જળાશયમાંથી મહિ કમાન્ડને 6,000 ક્યૂસેક પાણી સિંચાઇ માટે પૂરૂં પાડવામાં આવશે, આ સાથે પાનમ સહિતના 11 જળાશયોમાંથી 2.10 લાખ હેક્ટરને સિંચાઇ માટે પાણી આપવામાં આવશે.

આ પણ વાંચો:Celebration Of 5 Years: સુરતમાં રાજ્યકક્ષાનો Employment Day કાર્યક્રમ, સરકાર દ્વારા 50,000 નિમણૂકપત્ર એનાયત કરાશે

ખેડૂતોને 8ને બદલે 10 કલાક વીજળી

દક્ષિણ ગુજરાત વિસ્તારના 6 જળાશયોમાંથી 1.90 લાખ હેક્ટર જમીનને સિંચાઇની સવલતનો ફાયદો થશે. આ અગાઉ રાજ્ય સરકાર દ્વારા જૂલાઇ મહિનામાં ખેડૂતોને 8 ને બદલે 10 કલાક વીજળી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details