ગુજરાત

gujarat

નવા મુખ્યપ્રધાન અને નવા પ્રધાનમંડળને ગાંધીનગરની જનતાએ સ્વીકારીને ખોબલેખોબલે મત આપ્યા

By

Published : Oct 5, 2021, 5:44 PM IST

Updated : Oct 5, 2021, 6:54 PM IST

ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar Municipal Corporation)ની ચૂંટણીના પરિણામો (Election Result) જાહેર થઈ ચૂંક્યા છે, ગાંધીનગરના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર બની છે. નવા મુખ્યપ્રધાન અને નવા પ્રધાનમંડળને ગાંધીનગરની જનતાએ સ્વીકાર્યા છે, ત્યારે તેમજ ફરીથી ‘પાટીલ એક બ્રાન્ડ હૈ’ ગબ્બર ઈઝ બેકનો ડાયલોગ સાબિત થયો છે. ગાંધીનગરની જનતાએ ભાજપ પર સંપૂર્ણ વિશ્વાસ મુકીને ખોબલેખોબલે મત આપ્યા છે. એવું તો શું થયું કે, ભાજપને ભવ્ય વિજય મળ્યો ? ETV Bharatનો વિશેષ અહેવાલ…
bjp win in gandhinagar municipal corporation election
ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણીમાં ભાજપની જીત

  • ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય
  • મનપાની 44માંથી 41 બેઠક પર ભાજપની જીત
  • વિરોધ પક્ષ જેવું કાંઈ રહેવા જ ન દીધું

અમદાવાદ : ગાંધીનગર મનપા(Gandhinagar Municipal Corporation) 2010માં અસ્તિત્વમાં આવી હતી, ત્યાર પછીની આ ત્રીજી ચૂંટણી હતી. અગાઉ ગાંધીનગર મનપાના 8 વોર્ડ અને 32 બેઠકો હતી. 2011માં ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસને 18 બેઠક મળી હતી, અને ભાજપને 15 બેઠક મળી હતી. 2016માં ચૂંટણી થઈ ત્યારે ભાજપને 16 અને કોંગ્રેસને 16 બેઠક સાથે ટાઈ પડી હતી, હવે જ્યારે નવા સીમાંકન બાદ 11 વોર્ડ થયા અને 44 બેઠકો થઈ છે. આજે મંગળવારે ચૂંટણી પરિણામ (Election Result)આવ્યા તેમાં ભાજપને 41 બેઠક, કોંગ્રેસને 2 અને આપને 1 બેઠક મળી છે. આમ, ભાજપનો ભવ્ય વિજય થયો છે.

વિકાસ પર વિશ્વાસ મુકતી ગાંધીનગરની જનતા

ગાંધીનગર મહાનગરપાલિકાના ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે, ભાજપની જંગી બહુમતીવાળી સરકાર આવી છે. ભાજપે ઐતિહાસિક વિજયના વધામણા કર્યા છે. આ સામે આમ આદમી પાર્ટીએ ખૂબ જોરશોરની પ્રચાર કર્યો હતો, અને એમ મનાતું હતું કે ગાંધીનગર મનપામાં ‘આપ’ની જોરદાર રીતે એન્ટ્રી થશે, પણ ગાંધીનગરની પ્રજાએ ‘આપ’ને મત તો આપ્યા છે, પરંતુ સામે ભાજપને મત આપનારાઓની સંખ્યા વધારે રહી છે. આમ આદમી પાર્ટીની એક જ બેઠક પર જીત થઈ છે. કોંગ્રેસ જેવી દેશની સૌથી મોટી પાર્ટી અને દેશ પર વર્ષો સુધી શાસન કરનારી પાર્ટીને માત્ર બે જ બેઠકો મળી છે અને કોંગ્રેસનો કરુણ રકાસ થયો છે. ગાંધીનગરની જનતાએ ભાજપના વિકાસ પર વિશ્વાસ મુક્યો છે, બીજી છ મહાનગરપાલિકાની ચૂંટણીના જે પરિણામમાં ભાજપને જીત મળી હતી, તે રીતે જ ગાંધીનગર મનપા પણ ભાજપ પાસે આવી છે. આજની જીતથી ભાજપ ગેલમાં આવી ગયું છે.

ગુજરાતમાં ત્રીજી પાર્ટીની કોઈ જગ્યા જ નથી

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પુછ્યું હતું કે, આ 3 બેઠક ઓછી કેમ આવી ? જે ખૂબ ગાજ્યા હતા, તે વરસ્યા નથી, આવું કહીને પાટીલે આડકતરી રીતે આમ આદમી પાર્ટી પર કટાક્ષ કર્યો હતો. કોરોનામાં સારી કામગીરી કરનાર ભાજપની સાથે ગાંધીનગરની જનતા રહી છે. ગાંધીનગરનો વિકાસ થશે, તેની હું ખાતરી આપું છું. તેમ કહીને ભાજપની ભવ્ય જીત બદલ કાર્યકરો અને સીનીયર નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસામાને અભિનંદન આપ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સીનીયર પ્રધાનોને યાદ કરીને તેમને પણ ક્રેડિટ આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં ત્રીજી પાર્ટીની કોઈ જગ્યા જ નથી.

કોંગ્રેસે હારનું ઠીકરું EVM પર જ ફોડ્યું

બીજી તરફ કોંગ્રેસના સી જે ચાવડાએ હારનું ઠીકરું EVM પર ફોડ્યું અને કહ્યું હતું કે આપ એ ભાજપની બી ટીમ છે, જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, આ અમારો પહેલો અનુભવ હતો, અમે તોય એક બેઠક જીત્યા છીએ અને હજી વધુ મહેનત કરીશું. ગાંધીનગરની જનતાએ અને કાર્યકરોએ આપ પર વિશ્વાસ મુકીને મત આપ્યા છે, પરંતુ પનો ટૂંકો પડ્યો છે.

સીનીયર પ્રધાનો બેક સાઈડ જતા રહ્યા

11 સપ્ટેમ્બરે વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું અને તેમની સાથે આખા પ્રધાનમંડળે રાજીનામું આપી દીધું હતું, ત્યાર પછી હાઈકમાન્ડના આદેશ અનુસાર મુખ્યપ્રધાન તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની વરણી થઈ, શપથ લીધા અને તમામ નવા જૂનીયર ધારાસભ્યોને પ્રધાનમંડળમાં સ્થાન અપાયું. સીનીયર પ્રધાનોને માથે હવે પછી ચૂંટણી જીતાડવાની જવાબદારી સોંપવામાં આવી છે.

નવા મુખ્યપ્રધાન અને નવા પ્રધાનમંડળનો પ્રચાર

નવા મુખ્યપ્રધાન અને નવા જ પ્રધાનમંડળે ગાંધીનગર મનપા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો, તેમજ ભૂપેન્દ્રસિંહ ચૂડાસ્માની આગેવાની હેઠળ કાર્યકરોને માર્ગદર્શન હેઠળ ચૂંટણી લડાવી અને ભાજપે જીત મેળવી છે, એટલે કહી શકાય કે નવી મુખ્યપ્રધાન અને નવા પ્રધાનમંડળને ગાંધીનગરની જનતાએ સ્વીકારીને આર્શિવાદ આપ્યા છે.

કોંગ્રેસના મત આમ આદમી પાર્ટીએ તોડ્યા છેઃ હરેશ ઝાલા

રાજકીય વિશ્લેષક હરેશ ઝાલાએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર મનપાના પરિણામ પર ત્રણ વાત સ્પષ્ટ થાય છે. ભાજપે જબરજસ્ત હોમવર્ક કર્યું હતું. કોંગ્રેસ તેમાં ખૂબ કાચી પડી છે, જ્યારે ત્રીજી વાત આમ આદમી પાર્ટીએ ખૂબ જોર લગાવીને પ્રચાર કર્યો છે, અને મારી દ્રષ્ટીએ આમ આદમી પાર્ટીને મત પણ મળ્યા છે. કોંગ્રેસના મત 100 ટકા આમ આદમીએ તોડ્યા છે, તેવું હું કહી શકું. પરંતુ આ ભાજપની સ્ટ્રેટેજી હતી કે કોંગ્રેસના મત આપ તોડે અને તેનો ફાયદો સીધો ભાજપ લઈ જાય, અને તેમાં ભાજપ સંપૂર્ણરીતે સફળ રહ્યું છે. આપણી સામે ચૂંટણીના પરિણામ આવી ગયા છે.

ભરત પંચાલ બ્યૂરો ચીફ, ઈ ટીવી ભારત, ગુજરાત..

Last Updated :Oct 5, 2021, 6:54 PM IST

ABOUT THE AUTHOR

...view details