ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ જૂન- જુલાઈ અને ઓગસ્ટમાં નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ કાબુ કરવા રાજ્ય સરકાર સફળ નીવડી હતી પણ હવે રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. આજે 6 ઓક્ટોબરે પણ સમગ્ર રાજ્યમાં 3 કોર્પોરેશન જેવા કે, અમદાવાદ, વડોદરા અને સુરત કોર્પોરેશનમાં કેસ નોંધાયા છે. 33 જિલ્લામાંથી ફક્ત 5 જેવા કે વલસાડ, સુરત, ખેડા, મહેસાણા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 21 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
- છેલ્લા 24 કલાકમાં 21 પોઝિટિવ કેસ નોંધાયા
- 18 દર્દીઓ કોરોનાને માત આપી
- સમગ્ર રાજ્યમાં ફક્ત 4 કોર્પોરેશન અને 4 જિલ્લામાં કેસ
- અમદાવાદ- 6, વડોદરા- 12, સુરત- 4 અને રાજકોટ 00 કેસ
ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 4 કોર્પોરેશન જેવા કે સુરત, વડોદરા, અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ વધી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. 7 દર્દીને રજા આપવામાં આવી છે, જ્યારે વલસાડ જિલ્લામાં એક મૃત્યુ નીપજ્યું છે.
આજે 3,33,309 નાગરીકો વેક્સિન અપાઈ
6 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કુલ 3,33,309 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે. 18 વર્ષથી વધુ વયના 90,644 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 1,50,086 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 6,28,55,962 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં એક્ટિવ કેસ 180 ની બહાર
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 182 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 3 વેન્ટિલેટર પર અને 179 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,084 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,794 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.