ગુજરાત

gujarat

બોર્ડની રીપીટર પરીક્ષામાં 30 વિદ્યાર્થીઓ ઝડપાયા કોપી કેસમાં

By

Published : Sep 23, 2021, 5:49 PM IST

કોપી કેસમાં ઝડપાયેલા વિદ્યાર્થીઓની DEO કચેરીમાં સુનવણી થઇ
કોપી કેસમાં ઝડપાયેલા વિદ્યાર્થીઓની DEO કચેરીમાં સુનવણી થઇ ()

કોરોનાના કારણે ગુજરાત બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી હતી, પરંતુ રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ જ લેવામાં આવી હતી, ત્યારે પરીક્ષા દરમિયાન અને પરીક્ષા બાદ 30 વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા છે. જે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે અમદાવાદ DEO કચેરીમાં સુનવણી થઇ હતી.

  • વિદ્યાર્થીઓએ કોપી કર્યાની કબુલાત કરી હતી
  • 1 પરીક્ષાના પરિણામ રદ થવાથી લઈને 2 વર્ષ સુધી પરીક્ષામાં ના બેસવા દેવા સુધીની સજા થઈ શકશે
  • 5 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા

અમદાવાદ: રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 1 સામાન્ય પ્રવાહની 1 વિદ્યાર્થીની, 1 વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહમાં,ધોરણ 10માં 2 વિદ્યાર્થી એમ કુલ 5 અને અમદાવાદ ગ્રામ્યમાં સામાન્ય પ્રવાહમાં 11 વિદ્યાર્થી, 4 વિદ્યાથીની અને ધોરણ 10માં 7 વિદ્યાર્થી અને 2 વિદ્યાર્થીની એમ કુલ 25 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. અમદાવાદ ગ્રામ્ય અને શહેરના 30 વિદ્યાર્થીઓ સામે કોપી કેસ કરવામાં આવ્યો છે. જેમાંથી 1 વિદ્યાર્થી સામે 2 કોપી કેસ કરવામાં આવ્યા છે.

એક વિદ્યાર્થી સતત ત્રણવાર પકડાયો હતો

પરીક્ષા દરમિયાન પરીક્ષા ખંડમાં લાગેલા કેમેરા પરીક્ષા બાદ તપાસતા કેટલાક વિદ્યાર્થીઓ સાહિત્ય, મોબાઈલ અને માઈક્રો ઝેરોક્ષમાંથી લખતા નજરે પડ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન વર્ગખંડમાં જ ખંડ નિરીક્ષકે કોપી કરતા પકડ્યા હતા અને બાદમાં કોપી કેસ કર્યો હતો. એક પરીક્ષામાં એક વિદ્યાર્થી સતત ત્રણવાર પકડાયા બાદ તેની સામે કોપી કેસ કરવામાં આવ્યો હતો.

કોપી કેસમાં ઝડપાયેલા વિદ્યાર્થીઓની DEO કચેરીમાં સુનવણી થઇ

જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીએ ગ્રામ્યમાંથી 22 અને જિલ્લામાંથી 3 વિદ્યાર્થીઓ હાજર રહ્યા

જે તે સમયે પકડાયેલા વિદ્યાર્થીઓના કોપી કેસ બોર્ડમાં ગયા હતા. દર વર્ષે કોપી કેસમાં પકડાયેલા વિદ્યાર્થીઓને બોર્ડની કચેરીમાં વાલી સાથે સુનવણી માટે બોલાવવામાં આવે છે, પરંતુ કોરોનાના કારણે આ વર્ષે વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણધિકારીની કચેરીએ બોલાવવામાં આવ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય અને જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીએ ગ્રામ્યમાંથી 22 અને જિલ્લામાંથી 3 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. DEO, DPO, તાલીમ ભવનના પ્રાચાર્ય, સ્થળ નિરીક્ષક, ખંડ નિરીક્ષકની હાજરીમાં વિદ્યાર્થી અને તેના વાલીને બોલાવીને સુનવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ કોપી કર્યા હોવાની કબુલાત કરી હતી.

વિદ્યાર્થીઓેએ જે પરીક્ષામાં કોપી કરી હોય તે મુજબ સજા આપવામાં આવશે

કોપી કર્યાની કબુલાત બાદ હવે DEO દ્વારા જજમેન્ટ લખીને બોર્ડને મોકલવામાં આવશે અને બોર્ડની મંજૂરી બાદ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ત્યારે કોપી કેસમાં સામાન્ય રીતે વિદ્યાર્થીઓેએ જે પરીક્ષામાં કોપી કરી હોય તે પરીક્ષા મુજબ સજા આપવામાં આવશે. જેમાં એક પરીક્ષાનું પરિણામ રદ, બે પરીક્ષાના પરિણામ રદ, તમામ પરીક્ષાના પરિણામ રદ, 2 વર્ષ સુધી પરીક્ષા આપવા દેવામાં નહિ આવે, પોલીસ કેસ સુધીની સજા કરવામાં આવી શકે છે. ખંડ નિરીક્ષક કોપી કરવામાં વિદ્યાર્થીને મદદ કરતો જણાય કે પછી વિદ્યાર્થી કોપી કરતો હોય અને આંખ આડા કાન કરતો દેખાય તો તેમની સામે પણ કાર્યવાહી થઇ શકે છે.

આ પણ વાંચો- કચ્છમાં બોર્ડની પરીક્ષામાં 50 કોપી કેસ, CCTV ફુટેજ સામે આવ્યા

આ પણ વાંચો-પોરબંદર જિલ્લામાં 6 કોપી કેસ સાથે બોર્ડની પરીક્ષા પૂર્ણ

ABOUT THE AUTHOR

...view details