ગુજરાત

gujarat

રાજસ્થાનમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ, જાણો મુખ્યપ્રધાન ભજનલાલ શર્મા અને બે નાયબ મુખ્યપ્રધાનો વિશે...

By ETV Bharat Gujarati Team

Published : Dec 15, 2023, 7:13 AM IST

Updated : Dec 15, 2023, 12:51 PM IST

રાજસ્થાનમાં ભાજપને બહુમતી મળ્યા બાદ હવે આજે નવી સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી અને ડૉ. પ્રેમચંદ બૈરવા આજે ઐતિહાસિક આલ્બર્ટ હોલની સામે શપથ લઈ રહ્યાં છે. ત્યારે અહીં જાણો મુખ્યપ્રધાન ભજનલાલ શર્મા અને બે નાયબ મુખ્યપ્રધાનો વિશે..

રાજસ્થાનમાં આજથી નવી સરકાર
રાજસ્થાનમાં આજથી નવી સરકાર

જયપુર: રાજસ્થાનના નવા મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા અને નાયબ મુખ્ય પ્રધાન દિયા કુમારી અને ડૉ. પ્રેમચંદ બૈરવા આજે શપથ લેવા જઈ રહ્યા છે. પિંક સિટીના રામનિવાસ બાગમાં ઐતિહાસિક આલ્બર્ટ હોલની સામે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન, ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનો અને અન્ય ઘણી રાજકીય હસ્તીઓ ભાગ લઈ રહી છે. રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પહેલા સરપંચ બન્યા, ત્યારબાદ સંગઠનમાં લાંબા સમય સુધી કામ કર્યા બાદ તેઓ રાજ્યમાં સત્તાની સર્વોચ્ચ ખુરશી સુધી પહોંચ્યા છે. જ્યારે દિયા કુમારી જયપુરના પૂર્વ શાહી પરિવારના સભ્ય છે અને આ વખતે તે સૌથી વધુ મતોથી ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચ્યાં છે. બીજા નાયબ મુખ્યમંત્રી ડો.પ્રેમચંદ બૈરવા બીજી વખત ધારાસભ્ય બન્યા છે. તેમણે અશોક ગેહલોતના સલાહકાર બાબુલાલ નાગરને હરાવ્યા છે.

રાજસ્થાનના નવા મુખ્યમંત્રી પદે ભજનલાલ શર્મા

CM ભજન લાલ શર્માઃ ભરતપુરના નદબઈના રહેવાસી ભજન લાલ શર્મા જયપુરની સાંગાનેર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના પુષ્પેન્દ્ર ભારદ્વાજને લગભગ 48 હજાર મતોથી હરાવીને પહેલીવાર વિધાનસભામાં પહોંચ્યા છે. 56 વર્ષના ભજનલાલે સરપંચની ચૂંટણી જીતીને રાજકીય સફરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેઓ 2003 માં અપક્ષ ઉમેદવાર તરીકે નદબઈથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા. તેઓ લાંબા સમય સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે પણ જોડાયેલા રહ્યાં છે. તેમણે ભાજપના ચાર પ્રદેશ પ્રમુખો સાથે મહાસચિવ તરીકે કામ કર્યું છે. આ ઉપરાંત તેઓ રાજ્યમાં ભાજપની ચૂંટણી પ્રબંધન ટીમનો પણ એક ભાગ હતા. તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નજીકના માનવામાં આવે છે.

રાજસ્થાનના નવા નાયબ મુખ્યમંત્રી પદે દિયા કુમારી

નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીઃ આ વખતે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ મતો મેળવીને જીતવાનો રેકોર્ડ બનાવનાર દિયા કુમારી જયપુરના પૂર્વ રાજવી પરિવારના સભ્ય છે. તેઓ અત્યાર સુધીમાં ત્રણ વખત ચૂંટણી લડ્યા છે અને જીત્યા છે. તેઓ બે વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ બન્યા છે. તેઓ 10 સપ્ટેમ્બર 2013ના રોજ ઔપચારિક રીતે ભાજપમાં જોડાયા હતા. ત્યારે તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી વસુંધરા રાજેએ જયપુરમાં એક રેલી દરમિયાન તેમને ભાજપનું સભ્યપદ અપાવ્યું. ત્યાર બાદ તેઓ સવાઈ માધોપુરથી ચૂંટણી લડી અને ધારાસભ્ય બન્યાં. ત્યાર બાદ ભાજપે તેમને 2019માં રાજસમંદથી લોકસભાની ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા અને તઓ જીતી ગયા. પાર્ટીએ આ વખતે દીયા કુમારીને જયપુરની વિદ્યાધર નગર વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. દિયા કુમારી કોંગ્રેસના ઉમેદવાર સીતારામ અગ્રવાલને રેકોર્ડ 71,368 મતોથી હરાવીને વિધાનસભામાં પહોંચ્યાં છે.

રાજસ્થાનના નવા નાયબ મુખ્યમંત્રી પદે ડૉ. પ્રેમચંદ બૈરવા

નાયબ મુખ્યમંત્રી ડૉ.પ્રેમચંદ બૈરવાઃ જયપુર જિલ્લાની દૂદૂ વિધાનસભા બેઠક પરથી બીજી વખત ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચેલા ડૉ.પ્રેમચંદ બૈરવાને પણ નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા છે. ડો. પ્રેમચંદ બૈરવા એસસી કેટેગરીમાંથી આવે છે. તે મૌજમાબાદ તાલુકાના શ્રીનિવાસ પુરમના રહેવાસી છે અને દલિત પરિવારમાંથી આવે છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે દૂદૂથી વિધાનસભા ચૂંટણી 2023 લડ્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. 54 વર્ષના પ્રેમચંદ બૈરવાની શૈક્ષણિક લાયકાત ડોક્ટરેટ છે. અગાઉ ડૉ. પ્રેમચંદ બૈરવાએ 2013ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હજારી લાલ નાગરને દૂદૂથી 33,720 મતોના માર્જિનથી હરાવ્યા હતા. ત્યાર બાદ તેઓ વર્ષ 2018 માં બાબુલાલ નાગર (અપક્ષ) સામે વિધાનસભા ચૂંટણી હારી ગયા. આ વખતે પાર્ટીએ ફરી એકવાર તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેમણે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા સીએમના સલાહકાર બાબુલાલ નાગરને હરાવીને ચૂંટણી જીતી.

  1. સંસદની સુરક્ષામાં ભંગના માસ્ટરમાઇન્ડ લલિત ઝાનું કોલકાતા કનેક્શન! પોલીસ તપાસમાં લાગી
  2. CM મોહન યાદવે ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં માંસના વેચાણ અને લાઉડસ્પીકર પર પ્રતિબંધ મુક્યો
Last Updated :Dec 15, 2023, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details