ગુજરાત

gujarat

શિયાળો બેસે તે પહેલાં લદ્દાખમાં લશ્કરી સરંજામ પહોંચાડવાનો પડકાર

By

Published : Sep 2, 2020, 1:18 PM IST

પૂર્વ લદ્દાખ સરહદે 100 કરતાંય વધુ સમયથી ઘર્ષણ ચાલી રહ્યું છે, તે પછી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ચીનનો બદઇરાદો અડ્ડો જમાવી રાખવાનો છે. ભારતે પૂર્વવત્ સ્થિતિની માગણી કરી છે, પણ ચીની સેનાની દાનત ઘૂસણખોરી કરેલા વિસ્તારમાંથી પાછી હટવાની લાગતી નથી. આ સ્થિતિ સેનાના વડા તરફથી સંસદની પબ્લિક એકાઉન્ટ્સ કમિટિ સમક્ષ આપવામાં આવેલા નિવેદન પરથી પણ સ્પષ્ટ થાય છે. સમિતીને જણાવાયું છે કે આખરા શિયાળા દરમિયાન પણ વાસ્તવિક અંકુશ રેખા પર ભારતીય દળોની ટુકડીઓને જાળવી રાખીને કોઈ પણ સ્થિતિને પહોંચી વળવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે.

indian-army
શિયાળો બેસે તે પહેલાં લદ્દાખમાં લશ્કરી સરંજામ પહોંચાડવાનો પડકાર

લદ્દાખમાં શિયાળામાં ચોકીપહેરો કરવાની વાત આવે એટલે તરત જ હાડ થીજાવતી ઠંડીમાં, ઊંચા પહાડો પર હાંફતા સૈનિકોનું દૃશ્ય આંખ સામે આવે છે. સપાટ ભૂમિ પર આપણને જેટલો ઓક્સિજન મળે તેનાથી અડધા ઓક્સિજનમાં પર્વતમાળા પર સૈનિકોએ ચોકી કરવાની હોય છે. ચારે બાજુ બરફ હોય ત્યારે પાણી પણ ના મળે. શિયાળાના પાંચથી છ મહિના લદ્દાખ દેશના બાકીના વિસ્તારોથી વિખૂટો પડી ગયેલો હોય તેવું લાગે. લદ્દાખ સુધી પહોંચવા માટેના બે માર્ગ વાયા રોહતાંગ અને ઝોજી લા બંને બરફથી ઢંકાઈ ગયા હોય છે.

શિયાળામાં સરહદે ચોકીપહેરો સૈનિકો માટે આકરો હોય છે, પણ તેનાથીય મોટો પડકાર લદ્દાખમાં રસ્તો બંધ થઈ જાય તે દરમિયાન સ્થિતિને સંભાળવાનો છે. દર વર્ષે સેના તેની તૈયારી માટે એડવાન્સ વિન્ટર સ્ટોકિંગની કામગીરી કરે છે. એટલે કે શિયાળા દરમિયાનનો સાધન સરંજામ લદ્દાખમાં પહોંચાડી દેવાય છે. સૈનિકો માટે જરૂરી તમામ સાધન સામગ્રી એકઠી કરીને તેને પહોંચાડી દેવાય છે, જેથી છ મહિના સુધી રસ્તો બંધ હોય તો પણ પુરવઠો ખૂટે નહિ. તે માટેની તૈયારીઓ મહિનાઓ અગાઉથી થઈ જતી હોય છે. ટૂથબ્રશથી માંડીને વસ્ત્રો, કેનમાં પેક કરેલા ભોજન, બળતણ, દવાઓ, શસ્ત્રો, દારૂગોળો, સિમેન્ટ, છાપરાં એમ નાની નાની દરેક વસ્તુની યાદી કરીને જરૂરિયાત પ્રમાણેનો જથ્થો પહોંચાડી દેવાનો હોય છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન લદ્દાખ સુધીના બે માર્ગો પરથી બરફ હટાવવાની કામગીરી શરૂ કરે ત્યારથી જ સામગ્રી પઠાણકોટ અને જમ્મુ પહોંચી ગઈ હોય છે. મે મહિનામાં માર્ગ ખુલ્લો કરવામાં આવે કે તરત સામગ્રી ભરેલા વાહનો લદ્દાખ તરફ રવાના થઈ જાય છે.

ટ્રક દ્વારા સામાન પહોંચાડવા માટે ઝોજી લા માર્ગે 10 દિવસે લેહ પહોંચી શકાય છે, જ્યારે રોહતાંગ થઈને લેહ જવામાં 14 દિવસ લાગે છે. આ બંને મુખ્ય માર્ગો પર વચ્ચે ટ્રાન્સિઝટ કૅમ્પ ગોઠવેલા હોય છે, જ્યાં ડ્રાઇવર રાત્રે આરામ કરી શકે. બે અઠવાડિયાની ટ્રીપ દરમિયાન ડ્રાઇવર વચ્ચે રાત્રે આવી છાવણીમાં આરામ કરતા હોય છે. લેહ પહોંચ્યા પછી બે દિવસના આરામ બાદ વળતી મુસાફરી શરૂ થાય. છ મહિના સુધી આ રીતે સામાન પહોંચાડવાની કામગીરી ચાલતી રહે છે. સામાન્ય રીતે એક ડ્રાઇવર આ મુશ્કેલી પહાડી રસ્તા પર છ મહિનામાં લગભગ 10,000 કિમી વાહન ચલાવતો હોય છે. લશ્કરી વાહનો ઉપરાંત જરૂર પ્રમાણે ખાનગી ટ્રકો અને ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશનના ટેન્કરો પણ ભાડે લેવામાં આવતા હોય છે.

લદ્દાખમાં સામાન પહોંચાડી દેવામાં આવે તે સાથે કંઈ કામ પૂરું થઈ જતું નથી. હવે જ વધુ મુશ્કેલ કામ શરૂ થાય છે. લેહથી હવે સરહદે આવેલી ચોકીઓ સુધી સામાન પહોંચાડવાનો હોય છે. વાસ્તવિક અંકુશ રેખા પર કારગીલ સેક્ટર અને સિયાચેન સેક્ટરમાં બધી જ ચોકીઓ સુધી પાકો રસ્તો પણ નથી. વિશાળ જથ્થામાં પહોંચેલી સામગ્રીને નાના નાના જથ્થામાં વહેંચવી પડે. ટેન્કરથી પેટ્રોલ ડિઝલ અને કેરોસીન પહોંચ્યા હોય તેને 20 20 લીટરના કેનમાં ભરીને દરેક ચોકીએ પહોંચાડવાના હોય. આ કામ માટે હજારો પોર્ટરો અને ખચ્ચરોને કામે લગાવવામાં આવે છે. તેમને વેતન આપીને દરેકેદરેક ચોકી સુધી સામાન પહોંચતો કરવાનો હોય છે. આ કામ કરનારા મજૂરો પણ ખરેખર સૈનિકો માટે જીવાદોરી સમાન હોય છે. લશ્કરના પોતાના ખચ્ચરો પણ હોય છે, જેને એનિમલ ટ્રાન્સપોર્ટ કહેવામાં આવે છે તેનો પણ ઉપયોગ થાય છે. આવા ખચ્ચરો એક સિઝનમાં દુનિયાના સૌથી આકરા પર્વતોમાં સામાન્ય રીતે 1000 કિલોમિટર ચાલતા હોય છે.

ઉનાળા દરમિયાન સૈનિકોના રહેઠાણ માટેનું બાંધકામ પણ કરી લેવામાં આવે છે. શિયાળામાં કોઈ જાતનું બાંધકામ કરવું મુશ્કેલ હોય છે. આ વખતે આ કામ સૌથી વધુ આકરું બનવાનું છે, કેમ કે સ્થિતિને ધ્યાનમાં લઈને આ વખતે વધારે લશ્કરી ટુકડીઓ લદ્દાખ મોકલવામાં આવી છે. શૂન્યથી પણ નીચે જતા તાપમાનમાં સૈનિકો રહી શકે તેવી પ્રિફેબ્રિકેટેડ કેબીનો તૈયાર કરીને ચોકી પર પહોંચતી કરવી પડશે. સાધન સામગ્રી ઉપરાંત ચોકી સુધી સૈનિકોને પણ પહોંચાડવાના હોય છે. ઉનાળામાં લગભગ 200,000 સૈનિકો લદ્દાખથી બહાર બદલી, રજા અને બીજા કારણોસર જતા હોય છે. તેમનું સ્થાન લેવા બીજા એટલા જ સૈનિકોને લદ્દાખ મોકલવાના હોય છે. મોટા પાયે સૈનિકોના આવાગમન માટે ચંડીગઢ અને દિલ્હીમાં ટ્રાન્ઝીટ કૅમ્પ્સ ખોલવામાં આવતા હોય છે.

આવા સમયે ભારતીય હવાઈ દળની કામગીરી અગત્યની બની જાય છે, કેમ કે સૈનિકોને હવાઇ માર્ગે પણ આવનજાવન કરવાની હોય છે. ચંડીગઢનું એરપોર્ટ વહેલી સવારથી મોડી રાત સુધી સતત ધમધમતું રહે છે. પરોઢ થાય કે ટ્રાન્સપોર્ટ પ્લેન લદ્દાખ જવા રવાના થાય, જેમાં સામાન પણ હોય અને રજા પરથી પાછા ફરેલા સૈનિકો પણ હોય. લેહ અને સિયાચેન બેઝ કેમ્પ પર આ વિમાનો પહોંચે, તે પછી ત્યાંથી MI-17, ધ્રૂવ અને ચીત્તા હેલિકૉપ્ટર્સની સતત આવનજાવન સરહદની ચોકીઓ સુધી થતી રહે છે. દુનિયાના સૌથી આકરા બરફીલા શીખરો પરથી ઉડાણ કરવાની સૌથી કપરી કામગીરી અહીં બજાવવાની હોય છે. આખું વર્ષ ભારતીય હવાઈ દળની કામગીરી ચાલે છે, પણ શિયાળામાં તેની કામગીરી સૌથી વધારે અગત્યની બની જાય છે. શિયાળામાં માર્ગ પરિવહન અટકી પડ્યું હોય ત્યારે લદ્દાખ સાથેનો સંપર્કનો એક માત્ર માર્ગ હવાઈ દળે પૂરો કરવાનો હોય છે.

આ રીતે સાધન સામગ્રી પહોંચાડવાની કામગીરી સુનિયોજિત રીતે ચાલતી રહે છે અને નવેમ્બર સુધીમાં સમગ્ર શિયાળાનો પુરવઠો પહોંચતો કરી દેવાય છે. આ વખતે લદ્દાખમાં ફરજ પર મૂકાયેલા સૈનિકોની સંખ્યામાં હજારોનો વધારો થયો હશે. તેથી તેમના માટે પૂરતી સામગ્રી નવેમ્બર સુધીમાં પહોંચતી કરી દેવાની વધારાની જવાબદારી સેના પર આવી છે. નોર્ધન કમાન્ડના અને લેહ ખાતેના લોજિસ્ટિક્સ અધિકારીઓએ આ પડકાર ઉપાડી લેવાનો છે અને મને ખાતરી છે કે તેઓ જરાય ઊણા નહિ ઉતરે. આ સક્ષમ અધિકારીઓ જાણતા હોય છે કે નિષ્ણાતો ગણતરીઓ કર્યા કરે, પણ અમારે તો કામ પાર પાડી દેવાનું હોય છે.


- લેફ્ટ. જનરલ ડી. એસ. હૂડા (નોર્ધન કમાન્ડના ભૂતપૂર્વ વડા અને 2016 સર્જિકલ સ્ટ્રાઇકનું નેતૃત્ત્વ કરનારા અફિસર)

ABOUT THE AUTHOR

...view details