નેપાળ દુર્ઘટના બાદ ગુજરાત સરકાર એલર્ટ, પ્રવાસીઓની સલામતી માટે તંત્ર હરકતમાં
નેપાળમાં કરુણ દુર્ઘટના બાદ ગુજરાત સરકારે એલર્ટ જાહેર કર્યું છે અને નેપાળ ગયેલા પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટરો અને RTOને જવાબદારી સોંપી છે.
Published : August 27, 2026 at 3:08 PM IST
અમદાવાદ: નેપાળમાં સર્જાયેલી તાજેતરની કરુણ દુર્ઘટનાને પગલે ગુજરાત સરકાર સંપૂર્ણ રીતે હરકતમાં આવી ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા ત્વરિત પગલાં ભરીને ગુજરાતમાંથી નેપાળની મુલાકાતે ગયેલા પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે સંબંધિત જિલ્લા કલેક્ટરો અને આરટીઓ વિભાગને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે, જેથી નેપાળ ગયેલા તમામ ગુજરાતીઓની ચોક્કસ માહિતી મેળવી શકાય.
અમદાવાદ RTO અને ટુર ઓપરેટરો વચ્ચે સઘન સંપર્ક
આ બાબતે ETV ભારતે અમદાવાદના આરટીઓ બાલમુકુંદ સૂર્યવંશી સાથે વાતચીત કરતા જાણવા મળ્યું છે કે, પ્રાથમિક તપાસ મુજબ હાલ પૂરતા અમદાવાદથી સીધા કોઈપણ વ્યક્તિ નેપાળ ગયા હોય તેવી શક્યતા નહિવત જોવા મળી રહી છે. તેમ છતાં, સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે અમદાવાદ RTO દ્વારા શહેરના તમામ મોટા ટુર એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટરોનો સંપર્ક સાધીને 'ઓલ ઈન્ડિયા પરમિટ' ધરાવતા વાહનો, લક્ઝરી બસો અને ખાનગી ટ્રાવેલ્સ મારફતે કેટલા ગુજરાતીઓ કે અમદાવાદના પ્રવાસીઓ નેપાળની યાત્રાએ ગયા છે તેની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે.
હવાઈ અને રેલવે મુસાફરોનું પણ થઈ રહ્યું છે સ્ક્રીનિંગ
માત્ર માર્ગ પરિવહન જ નહીં, પરંતુ હવાઈ અને રેલવે માર્ગે પણ નેપાળ ગયેલા મુસાફરોની વિગતો એકઠી કરવામાં આવી રહી છે.
વિમાન પ્રવાસ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કનેક્ટિંગ ફ્લાઈટ્સ કે સીધી ફ્લાઈટ દ્વારા નેપાળ કે સરહદી વિસ્તારો તરફ ગયેલા મુસાફરોના લિસ્ટની ચકાસણી થઈ રહી છે.
રેલવે પ્રવાસ: અમદાવાદ અને ગુજરાતના અન્ય સ્ટેશનોથી ઉત્તર પ્રદેશ કે બિહાર થઈને નેપાળ સરહદ તરફ જતી ટ્રેનોના બુકિંગ ડેટા પર પણ નજર રાખવામાં આવી રહી છે.
તંત્રની નાગરિકોને અપીલ અને આગળની કાર્યવાહી
રાજ્ય સરકારના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) અને સ્થાનિક કલેક્ટર કચેરીઓ દ્વારા નેપાળમાં ફસાયેલા કે સંપર્ક વિહોણા થયેલા પ્રવાસીઓના પરિજનો માટે હેલ્પલાઇન નંબર પણ સક્રિય કરવામાં આવી રહ્યા છે. જો કોઈ પરિવારના સભ્યો હાલમાં નેપાળ પ્રવાસે હોય, તો તેમની માહિતી તુરંત સ્થાનિક તંત્ર કે RTO કચેરીને આપવા વિનંતી કરવામાં આવી છે.
ગુજરાત સરકાર અને અમદાવાદ આરટીઓ તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂર પડ્યે નેપાળ સ્થિત ભારતીય એમ્બેસી સાથે સંપર્ક સાધીને ગુજરાતી પ્રવાસીઓની સુરક્ષિત વાપસી માટે તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે.
આ પણ વાંચો...