ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં મેઘમહેર: 6 જિલ્લામાં રેડ એલર્ટ, સુરેન્દ્રનગરમાં એક જ પરિવારના 3 સભ્યોનું રેસ્ક્યૂ, સરકારે સ્વચ્છતા કાર્યક્રમ મુલતવી રાખ્યો

દક્ષિણ ગુજરાત જળબંબાકાર
દક્ષિણ ગુજરાત જળબંબાકાર (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : August 1, 2026 at 9:26 AM IST

Updated : August 1, 2026 at 9:45 PM IST

અમદાવાદ: રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સુરતના અંબિકામાં સૌથી વધુ 24 ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે તાપીના ડોલવણમાં 17 ઇંચ વરસાદ વરસ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર

દક્ષિણ ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો સુરતના અંબિકામાં સૌથી વધુ 611 mm (24 ઇંચ), તાપીના ડોલવણમાં 425 mm (17 ઇંચ), ખેડાના વસોમાં 416 mm (16), નવસારીના વાંસદામાં 413 mm (16.25), સુરતના ઉમરપાડામાં 373 mm (14.68) વરસાદ ખાબક્યો હતો.

LIVE FEED

9:43 PM, 1 Aug 2026 (IST)

રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે 2 ઑગસ્ટ રવિવારના રોજ યોજાનાર સ્વચ્છતા કાર્યક્રમ મુલતવી

રાજ્યમાં સ્વચ્છતા અભિયાન હવે આગામી 9 ઑગસ્ટ, રવિવારના રોજ યોજાશે. રાજ્યમાં ભારે વરસાદના પગલે 2 ઓગસ્ટના રોજ યોજાનાર સ્વચ્છતા કાર્યક્રમ મુલતવી રખાયો છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં દર મહિનાના પ્રથમ રવિવારે “સ્વચ્છતા અભિયાન” હાથ ધરીને ઓછામાં ઓછા એક કલાક સ્વચ્છતા માટે શ્રમદાન કરવા આહ્વાન કર્યું છે. આ અભિયાનમાં જનપ્રતિનિધિઓ, સ્થાનિક પદાધિકારીઓ-અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકો એક સાથે જોડાઈને સામૂહિક સફાઈના કામો હાથ ધરશે.

9:42 PM, 1 Aug 2026 (IST)

વહીવટી તંત્રની સરાહનીય કામગીરી; એક જ પરિવારના ત્રણ સભ્યોનું સફળ રેસ્ક્યુ

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે વઢવાણ તાલુકાના કેરાળા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા એક પુરુષ, એક સ્ત્રી અને એક નાના બાળક એમ કુલ 3 સભ્યોને ફાયર બ્રિગેડની સહાયથી સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા.

9:42 PM, 1 Aug 2026 (IST)

ભારે વરસાદ વચ્ચે વડોદરા 108 ઇમરજન્સી સેવા ખડેપગે

વડોદરા જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાન વચ્ચે પણ આરોગ્ય વિભાગની 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી. છેલ્લા 3 દિવસ દરમિયાન વરસાદી પરિસ્થિતિ વચ્ચે 108ની ટીમે સતત કાર્યરત રહીને કુલ 730થી વધુ ઇમરજન્સી કેસો સફળતાપૂર્વક હાથ ધર્યા છે. જેમાં 131 કેસ સગર્ભા મહિલાઓને લગતા, 84 માર્ગ અકસ્માતના, 60 શ્વાસ લેવામાં તકલીફના, 55 હૃદયરોગ સંબંધિત અને અન્ય મેડિકલ ઇમરજન્સી કેસોમાં સમયસર પહોંચીને દર્દીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી હતી.

5:15 PM, 1 Aug 2026 (IST)

છોટા ઉદેપુરમાં નદીઓમાં નવા નીરની આવક

છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદને કારણે જિલ્લાની તમામ નદીઓમાં નવા નીરની આવક થઈ છે. નદીઓ ફરી વહેતી થતાં ખેડૂતો અને ગામના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

બોડેલીની નદીઓ છલકાઈ

બોડેલી તાલુકાના રાજવાસણા ગામ પાસે હેરણ નદી પર આવેલો રબર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાંથી પાણી ધોધમાર વહી રહ્યું છે. તે જ રીતે ઝોઝવા ગામ પાસે ઓરસંગ નદી પર આવેલો આડબંધ પણ છલકાઈ ગયો છે. આડબંધમાંથી પાણી પડવાના મનમોહક દૃશ્યો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.

ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી

બોડેલી તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થઈ છે. જેના કારણે નદી હાલ બે કાંઠે વહી રહી છે. સતત વરસાદના કારણે નદીનું જળસ્તર વધ્યું છે અને સમગ્ર વિસ્તારમાં પાણીની સમૃદ્ધિ જોવા મળી રહી છે. વરસાદ પછી નદીઓમાં નવું પાણી આવતાં ખેતી માટેની સ્થિતિ પણ સારી બની છે.

4:54 PM, 1 Aug 2026 (IST)

વડોદરામાં 108 ઇમરજન્સી સેવા ખડેપગે: 3 દિવસમાં 730થી વધુ દર્દીઓને તાત્કાલિક સારવાર આપી

ભારે વરસાદ વચ્ચે વડોદરા 108 ઇમરજન્સી સેવા ખડેપગે છે. 3દિવસમાં 730થી વધુ દર્દીઓને તાત્કાલિક સારવાર આપી હતી.

વડોદરા જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાન વચ્ચે પણ આરોગ્ય વિભાગની 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી. છેલ્લા 3 દિવસ દરમિયાન વરસાદી પરિસ્થિતિ વચ્ચે 108ની ટીમે સતત કાર્યરત રહીને કુલ 730થી વધુ ઇમરજન્સી કેસો સફળતાપૂર્વક હાથ ધર્યા છે જેમાં 131 કેસ સગર્ભા મહિલાઓને લગતા, 84 માર્ગ અકસ્માતના, 60 શ્વાસ લેવામાં તકલીફના, 55 હૃદયરોગ સંબંધિત અને અન્ય મેડિકલ ઇમરજન્સી કેસોમાં સમયસર પહોંચીને દર્દીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી હતી.

4:28 PM, 1 Aug 2026 (IST)

અમદાવાદમાં ધીમીધારે મેઘમહેર, અનેક વિસ્તારોમાં વરસાદ

હવામાન વિભાગ દ્વારા અમદાવાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા બાદ શહેરમાં શનિવાર સવારે અને બપો દરમિયાન મધ્યમ વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી બીજી તરફ સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર થતાં બાળકો માટે આ અઠવાડિયું જાણે 'મિની વેકેશન' બની ગયું હતું.

સંભવિત ભારે વરસાદને ધ્યાનમાં રાખીને વેજલપુરના શ્રીનંદનગર સોસાયટીના રહીશોએ આગોતરી તૈયારી કરી હતી. દર વર્ષે વરસાદી પાણી સોસાયટીમાં ઘૂસી આવતું હોવાથી આ વખતે સોસાયટીના મુખ્ય પ્રવેશદ્વાર બહાર માટીના થેલાઓ ગોઠવી પાણી રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

શહેરના શેલા વિસ્તારના ક્લબ O7 રોડ સિવાયના અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા હતા જ્યારે બોપલના સ્ટર્લિંગ સિટી વિસ્તારમાં પણ પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે શહેરના ઇન્કમટેક્સ ચાર રસ્તા, રાણીપ અને કાંકરિયા વિસ્તારમાં સારો વરસાદ પડ્યો હોવા છતાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ નહોતી.

વરસાદ ધીમી ગતિએ વરસતા શહેરના અનેક લોકો ઘરમાં પુરાઈ રહેવાના બદલે પરિવાર સાથે બહાર નીકળ્યા હતા. કેફે, ફૂડ સ્ટ્રીટ અને જાહેર સ્થળોએ લોકો વરસાદી માહોલનો આનંદ માણતા જોવા મળ્યા હતા.

અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસના ફાયર ઓફિસર અભિષેક તોમરના જણાવ્યા અનુસાર, દિવસ દરમિયાન કુલ 13 ઇમરજન્સી કોલ નોંધાયા હતા જેમાં 5 વૃક્ષ ધરાશાયી થવાના, 7 પક્ષી રેસ્ક્યૂ અને 1 ટ્રક અકસ્માત સંબંધિત કોલનો સમાવેશ થાય છે. રાહતની વાત એ છે કે સ્ટ્રક્ચર કોલેપ્સ અથવા આગ લાગવાની કોઈ ઘટના નોંધાઈ નથી.

હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ શહેરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તંત્રે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

4:16 PM, 1 Aug 2026 (IST)

ભાવનગરમાં સરેરાશ ત્રણ ઇંચ વરસાદ

ભાવનગર જિલ્લામાં પણ બે દિવસની ભારે વરસાદની આગાહી વચ્ચે સામાન્ય વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે ખેતીને પણ ફાયદો થશે. શુક્રવાર મોડી સાંજે શરૂ થયેલો વરસાદ શનિવારે પણ ચાલુ રહ્યો હતો. ભાવનગર શહેર અને જિલ્લામાં ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

ભાવનગરમાં શુક્રવારની સવારના 6થી લઈને શનિવારે સવારે 6 કલાક સુધીમાં નજર કરીએ તો 86 MM જેટલો વરસાદ નોંધાયો છે એટલે કે ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાવી શક્યો હતો.આમ છતાં પણ વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે.

જિલ્લામાં વરસાદથી ખેડૂતોને મળી રાહત

બે દિવસની ભારે વરસાદની આગાહી વચ્ચે ધીમીધારનો વરસાદ શરૂ રહેવાને પગલે ખેડૂતો માટે આશીર્વાદરૂપ માનવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં વાત કરીએ તો 10 તાલુકામાં સારો એવો વરસાદ નોંધાવા પામ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ પાલીતાણા પંથકમાં 100 mm જેટલો નોંધાયો છે જ્યારે સૌથી ઓછો વરસાદ તળાજા તાલુકામાં નોંધાવા પામ્યો છે.

બે દિવસના વરસાદના આંકડા

તાલુકો શુક્રવારથી 6 થી 6 શનિવારનો 2 PM

વરસાદ (mmમાં) વરસાદ (mmમાં)

  • વલભીપુર 79 26
  • ઉમરાળા 72 30
  • ભાવનગર 86 09
  • ઘોઘા 65 03
  • સિહોર 82 47
  • ગારીયાધાર 60 14
  • પાલીતાણા 100 13
  • તળાજા 53 11
  • મહુવા 83 28
  • જેસર 54 08
  • 10 તાલુકા કુલ 73.4 કુલ 18.9

4:05 PM, 1 Aug 2026 (IST)

જામનગરના બંદરો પર LCS-III સિગ્નલ લાગુ, જિલ્લાના જળાશયોમાં જુઓ કેટલું પાણી આવ્યું

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી હવામાનની તાજેતરની આગાહીને પગલે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (જામનગર) દ્વારા તકેદારીના ભાગરૂપે જામનગર જૂથ હેઠળ આવતા તમામ બંદરો પર લોકલ કૉશનરી સિગ્નલ-III (LCS-III) લગાવી દેવામાં આવ્યું છે. જામનગરના પોર્ટ ઓફિસરના જણાવ્યા અનુસાર, આગામી નવી સૂચના ન મળે ત્યાં સુધી આ ચેતવણી બંદરો પર અમલમાં રહેશે.

વરસાદી આંકડા અને તાલુકાવાર સ્થિતિ

જિલ્લા કંટ્રોલરૂમથી મળતી માહિતી મુજબ, જામનગર જિલ્લામાં આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં સરેરાશ 24.17 મીમી વરસાદ નોંધાયો છે.

  • ધ્રોલ: 40 મીમી
  • જોડિયા: 32 મીમી
  • જામનગર: 28 મીમી
  • કાલાવડ: 23 મીમી
  • લાલપુર: 13 મીમી
  • જામજોધપુર: 9 મીમી

જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કૂલ 197.5 મીમી સરેરાશ વરસાદ પડી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જામજોધપુર તાલુકામાં (289 મીમી) અને સૌથી ઓછો વરસાદ જામનગર તાલુકામાં (144 મીમી) નોંધાયો છે. આ સિવાય કાલાવડમાં 219 મીમી, જોડિયામાં 204 મીમી, ધ્રોલમાં 198 મીમી તથા લાલપુરમાં 131 મીમી વરસાદ નોંધાયો છે.

જળાશયોની સ્થિતિ અને નવી આવક

સિંચાઈ વિભાગના અહેવાલ મુજબ, જિલ્લાના 25 મુખ્ય જળાશયોમાં હાલમાં 1,510.32 Mcft પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 11.51 ટકા જેટલો થાય છે.

મુખ્ય ડેમોમાં પાણીનું સ્તર:

  • ઉમિયાસાગર ડેમ: 54.69%
  • બાલંભડી ડેમ: 41.26%
  • પન્ના ડેમ: 40.17%
  • ઉંડ-૪ ડેમ: 38.79%
  • રણજીત સાગર ડેમ: 36.13%
  • ફુલઝર (KB) ડેમ: 33.50%

પાણીની નવી આવકની વાત કરીએ તો, ફુલઝર (KB) ડેમમાં 356 ક્યુસેક, આજી-4 ડેમમાં 244.44 ક્યુસેક અને ઉંડ-1 ડેમમાં 20 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલની પરિસ્થિતિએ જિલ્લાના તમામ ડેમના દરવાજા બંધ છે અને કોઈ ડેમના દરવાજા ખોલવાની જરૂરિયાત ઊભી થઈ નથી. તંત્ર અને સિંચાઈ વિભાગ દ્વારા તમામ જળાશયોની સ્થિતિ પર ચોવીસે કલાક સતત નજર રાખવામાં આવી રહી છે.

3:56 PM, 1 Aug 2026 (IST)

સુરેન્દ્રનગરમાં ખેતરો બેટમાં ફેરવાયા, નાયકા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા

સુરેન્દ્રનગરમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે. ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને રોડ રસ્તાઓ બંધ થઈ ગયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારથી બપોર સુધીમાં ધાંગધ્રા, વઢવાણ અને લખતર પંથકમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

વઢવાણના 1000 વર્ષ જૂના ગઢને નુકસાન

સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ખાતે આવેલો 1000 વર્ષ જૂનો ગઢને પણ નુકસાન થયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ ડેમો ઓવરફ્લો થયા છે જેમાં નાયકા ડેમના 10 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે જેમાં ગૌતમગઢ, કુકડા, ગોદાવરી સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ધોળી ધજા ડેમ પણ ઓવર ફ્લો થયો છે. જિલ્લાનો ચુડા તાલુકાનો વાસલ ડેમમાં પણ પાણીની આવક વધતા ઓવરફ્લો થયો છે.

સુરેન્દ્રનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારી નિખિલ જોષી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં 200થી વધુ લોકોનો રેસ્કયુ કરવામાં આવ્યું છે.

3:17 PM, 1 Aug 2026 (IST)

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં 4000થી વધુ નાગરિકોનું સ્થળાંતર

સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓલપાડ અને માંડવી ખાતે SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોના 4,000થી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે.

છેલ્લાં 24 કલાકમાં જિલ્લામાં આશરે 8 ઇંચ વરસાદ નોંધાયો હતો. કીમ નદીના વધતાં જળસ્તરને પગલે ઓલપાડ અને માંગરોળના નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે. કીમ નદીના કાંઠા વિસ્તારના નાગરિકોને સમયસર સુરક્ષિત સ્થળે ખસી જવા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે.

3:12 PM, 1 Aug 2026 (IST)

અમદાવાદ સહિત 6 જિલ્લામાં રેડ એલર્ટ, 14 જિલ્લામાં યેલો એલર્ટ

અમદાવાદ સહિત 6 જિલ્લામાં રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, ખેડા, પંચમહાલ, વડોદરા, દાહોદ, મહીસાગર, જામનગર, જૂનાગઢ, દેવભુમિ દ્વારકા, ગીર સોમનાથ અને પોરબંદરમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

3:03 PM, 1 Aug 2026 (IST)

મોડાસામાં એક કલાકમાં 2 ઇંચ વરસાદ, અનેક વિસ્તારમાં પાણી ભરાયા

અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં એક કલાક દરમિયાન ધોધમાર વરસાદ વરસતા શહેરના જનજીવન પર અસર થઇ હતી. માત્ર એક કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ભારે વરસાદના પગલે શહેરના ચાર રસ્તા, મેઘરજ રોડ સહિતના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો હતો. બસપોર્ટના પાછળના ભાગે ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી હતી. લક્ષ્મી સોસાયટી તરફ જતાં માર્ગ પર પણ વરસાદી પાણી ભરાઈ જતાં વાહનોની અવરજવર ધીમી પડી હતી અને અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

શહેરમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે વરસાદનું પાણી મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યું હતું. જેના કારણે નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી અને વરસાદ પૂર્વે કરવામાં આવેલા દાવાઓની પોલ ખુલતી હોવાના દૃશ્યો સામે આવ્યા હતા. સ્થાનિકોમાં પણ પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થાને લઈને નારાજગી જોવા મળી હતી.

હાલ વરસાદ ચાલુ રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા, પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર થતી વખતે તકેદારી રાખવા તેમજ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે.

2:39 PM, 1 Aug 2026 (IST)

ઇડર: ડેભોલ નદીમાં કાર તણાઇ

ઇડરમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ઇડરની ડેભોલ નદીમાં પાણી આવતા કાર તણાઇ હતી. ઇડર-વલાસણા રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાયા હતા. ઢીંચણસમા પાણી ભરાતા વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મેઘો મહેરબાન થતા ડેભોલ નદી બની ગાંડીતૂર.

1:43 PM, 1 Aug 2026 (IST)

ડાકોર નજીક શેઢી નદી બે કાંઠે વહેતી થઇ, નદી પરનો પુલ બંધ કરાયો

ખેડા જીલ્લામાં નડિયાદ,કપડવંજ,કઠલાલ,મહુધા,ઠાસરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ડાકોર સહિત ઠાસરા તાલુકામાં ધોધમાર વરસાદને પગલે ડાકોર નજીકથી પસાર થતી શેઢી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદી બે કાંઠે વહેતી થઈ છે. ડાકોર ઉમરેઠ રોડ પર શેઢી નદી પર આવેલા બંને પુલ બંધ કરી દેવામાં આવ્યા છે.

તંત્ર દ્વારા આજુબાજુના વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. યાત્રાધામ ડાકોરમાં પણ ધોધમાર વરસાદને કારણે વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રણછોડરાયજી મંદિર પરિસરમાં પાણી ભરાતા ભાવિકો અટવાયા હતા . સલામતીને લઈ ડાકોર-ઉમરેઠ રોડ પર આવેલા શેઢી નદીના બંને પુલ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા વાહનોને અન્ય વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને લોકોને નદી કિનારે કે પુલ નજીક ન જવા કડક સૂચના આપવામાં આવી છે.

ખેડામાં 12 વાગ્યા સુધી વરસાદના આંકડા

  • કપડવંજ 37 MM
  • કઠલાલ 47 MM
  • મહેમદાવાદ 07 MM
  • ખેડા 03 MM
  • માતર 07 MM
  • નડીયાદ 24 MM
  • મહુધા 32 MM
  • ઠાસરા 14 MM
  • ગળતેશ્વર 03 MM
  • વસો 08 MM
  • ફાગવેલ 24 MM

1:13 PM, 1 Aug 2026 (IST)

આણંદમાં પૂર જેવી પરિસ્થિતિ

આણંદમાં અવિરત વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ડૂબી ગયેલા વિસ્તારોના ડ્રોન વિઝ્યુઅલ સામે આવ્યા છે.

1:10 PM, 1 Aug 2026 (IST)

જામનગરમાં ધીમી ધારે વરસાદ બાદ કેવી છે સ્થિતિ

જામનગરમાં મેઘરાજાની પધરામણી થઇ હતી. લાંબા વિરામ બાદ જામનગરમાં વરસાદ વરસતા અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી હતી. વરસાદની પરિસ્થિતિને પગલે તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે.

12:54 PM, 1 Aug 2026 (IST)

ખેડાનું મહુધાનું ચૂણેલ ગામ પાણીમાં ગરકાવ

ભારે વરસાદને પગલે ખેડાના મહુધા તાલુકાના ચૂણેલ ગામમાં પાણી ઘુસ્યા છે. ભારે વરસાદના પગલે ચૂણેલ ગામની ચારેય તરફ પાણી જ પાણી છે. લોકોના ઘરો અને દુકાનો સુધી પાણી ભરાઈ જવા પામ્યા છે. ગામના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી ગ્રામજનોનો રોજીંદો વાહન વ્યવહાર અને અવરજવર સંપૂર્ણપણે અટવાઈ ગયો છે. લોકો પોતાના ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. હજી ભારે વરસાદ થાય તો વિકટ પરિસ્થિતિ સર્જાય તેવી ભીતિ સેવાઇ રહી છે.

પરિસ્થિતિને લઈ સ્થાનિક તંત્ર સતર્ક હાલ વરસાદ વરસી રહ્યો છે અને હજી ભારે વરસાદની આગાહીને પગલે પરિસ્થિતિની ગંભીરતાને જોતા સ્થાનિક તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે.પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા માટે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારો અને નીચાણવાળા ઘરોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

ચોવીસ કલાક દરમિયાન જીલ્લામાં વરસાદ

  • કપડવંજ 124 MM
  • કઠલાલ 142 MM
  • મહેમદાવાદ 145 MM
  • ખેડા 140 MM
  • માતર 171 MM
  • નડીયાદ 341 MM
  • મહુધા 247 MM
  • ઠાસરા 74 MM
  • ગળતેશ્વર 74 MM
  • વસો 416 MM
  • ફાગવેલ 69 MM

ખેડા જીલ્લામાં ગત 24 કલાક દરમિયાન સાર્વત્રિક મુશળધાર વરસાદ થયો હતો. મહુધા તાલુકામાં 9 ઈંચ ઉપરાંત વરસાદ ખાબકતા વિવિધ નદી નાળા અને તળાવો છલકાઈ જવા પામ્યા છે. સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો છે તેમજ નીચાણવાળા વિસ્તારો સહિત ગામોમાં વરસાદી પાણી ભરાયા છે. લોકો પોતાના ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. ભારે વરસાદની આગાહી વચ્ચે હાલ વરસાદ વરસી રહ્યો હોઈ સ્થાનિક તંત્ર દ્વારા સંભવિત અસરગ્રસ્તોને સ્થળાંતરીત કરવાની કામગીરી હાથ ધરી સતર્કતા દાખવવામાં આવી રહી છે.

12:08 PM, 1 Aug 2026 (IST)

જામનગરમાં મેઘરાજાની પધરામણી, વહીવટી તંત્ર એલર્ટ

જામનગર જિલ્લામાં પણ આખરે 'મેઘ સવારી' આવી પહોંચી છે. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય બફારા અને ઉકળાટથી ત્રસ્ત જામનગરવાસીઓ અને વરસાદની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ રાહતનો પેગામ લઈને આવ્યો છે. ગત રાતથી જ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જામ્યું હતું અને ઝરમરથી લઈને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો.

રાતથી સવાર સુધીનો વરસાદી આંકડો

તા. 31 જુલાઈની રાત્રે 10 વાગ્યાથી તા. 1 ઓગસ્ટની સવારે 8 વાગ્યા સુધીમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં સામાન્યથી લઈને દોઢ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

  • જોડીયા: 39 mm (દોઢ ઈંચ)
  • ધ્રોલ: 37 mm (દોઢ ઈંચ)
  • કાલાવડ: 24 mm (1 ઈંચ)
  • જામજોધપુર: 17 mm
  • જામનગર શહેર: 13 mm (પોણો ઈંચ)
  • લાલપુર: 11 mm

આજે વહેલી સવારથી જ સમગ્ર જામનગરમાં વાદળછાયું અને આહલાદક વાતાવરણ છવાયેલું છે. ભલે વરસાદનું પ્રમાણ હાલ સામાન્ય હોય, પરંતુ આ ધીમી ધારના વરસાદથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં આનંદની લહેર ફરી વળી છે. મોલાત માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થશે અને પાકને મોટો ફાયદો પહોંચાડશે.

તંત્ર એલર્ટ મોડ પર: અધિકારીઓની રજાઓ રદ

હવામાન વિભાગની આગામી સમયમાં ભારે વરસાદની તીવ્ર આગાહીને ધ્યાને રાખીને જામનગરનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. સાવચેતીના પગલે તંત્ર દ્વારા તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે અને હેડક્વાર્ટર ન છોડવા આદેશ અપાયા છે.

હાલમાં જામનગરમાં વરસાદી પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય અને નિયંત્રણ હેઠળ છે. જોકે, નીચાણવાળા વિસ્તારો અને આપત્તિ વ્યવસ્થાપન ટીમ (NDRF/SDRF) ને સ્ટેન્ડબાય મોડ પર રાખવામાં આવી છે.

11:40 AM, 1 Aug 2026 (IST)

અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે NDRFની ટીમ તૈનાત

અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો તાત્કાલિક સામનો કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની એક સંપૂર્ણ સજ્જ ટીમને જિલ્લામાં તૈનાત કરી છે. આ ટીમ વરસાદને કારણે ઉદ્ભવી શકે તેવી પૂર, પાણી ભરાવા, મકાનોના નુકસાન કે અન્ય આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કાર્યો હાથ ધરવા માટે તૈયાર છે. જિલ્લા કલેક્ટરની સૂચનાઓ અનુસાર આ ટીમને જરૂરી સાધનો, બોટ્સ, લાઇફ જેકેટ્સ અને આધુનિક સંચાર સુવિધાઓ સાથે તૈનાત કરવામાં આવી છે, જેથી કોઈપણ કટોકટીમાં તરત જ પહોંચી શકાય.

NDRFની ટીમના ઇન્સ્પેક્ટર વિનીતસિંઘે જણાવ્યું કે, “અમારી ટીમ સંપૂર્ણ તૈયારી સાથે જિલ્લામાં તૈનાત છે. અમે સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંકલન જાળવી રહ્યા છીએ. કોઈપણ આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધરવા માટે અમારી ટીમ સજ્જ છે.”

NDRFની આ ટીમનું મુખ્ય કાર્ય જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં નિરીક્ષણ કરવું, સ્થાનિક એજન્સીઓ સાથે સંકલન જાળવવું તેમજ જરૂર પડ્યે તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધરવાનું છે. ટીમના કર્મચારીઓને પૂર પરિસ્થિતિમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા, પ્રાથમિક સારવાર આપવા અને રાહત સામગ્રી વહેંચવા માટે વિશેષ તાલીમ આપવામાં આવી છે. વધુમાં, ટીમ જિલ્લા કટોકટી કેન્દ્ર સાથે સતત સંપર્કમાં રહીને વાસ્તવિક સમયની માહિતી આપશે અને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડશે.

11:23 AM, 1 Aug 2026 (IST)

કડીમાં 3 કલાકમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

મહેસાણા જિલ્લાના કડી પંથકમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. કડીના સ્થાનિક રહીશો માટે એક ભયાવહ રાત્રિ બની ગઈ હતી, કારણ કે મેઘરાજાએ અહીં પોતાનું અત્યંત રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું હતું. રાત્રિના 9 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીના માત્ર ત્રણ કલાકના અત્યંત ટૂંકા સમયગાળામાં જ આકાશમાંથી જાણે આફત વરસી હોય તેમ ચાર ઇંચ જેટલો મુસળધાર વરસાદ ખાબક્યો હતો. આટલા ઓછા સમયમાં આટલો બધો વરસાદ પડવાને કારણે કડી શહેરના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. શહેરના તમામ મુખ્ય માર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો.

કડીના થોળ રોડ પર આવેલો અંડરબ્રિજ, સુજાતપુરા રોડનો અંડરબ્રિજ અને મામલતદાર કચેરી નજીક આવેલો અંડરબ્રિજ વરસાદી પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયા હતા. આ અંડરબ્રિજમાં એટલા મોટા પ્રમાણમાં પાણી ભરાયું હતું કે તે જાણે મોટા સ્વિમિંગ પૂલ બની ગયા હોય તેવું લાગી રહ્યું હતું. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય અને લોકોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લઈને આ તમામ અંડરબ્રિજોને વાહનવ્યવહાર માટે સદંતર બંધ કરી દેવામાં આવ્યા હતા. અંડરબ્રિજ બંધ થવાના કારણે કડી શહેરમાંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને અનેક જગ્યાએ ટ્રાફિક જામની જટિલ સમસ્યાઓ પણ ઊભી થઈ હતી.

કડીમાં વરસાદના કારણે સ્થિતિ વણસતી જોઈને સ્થાનિક તંત્ર પણ તાત્કાલિક એક્શનમાં આવી ગયું હતું. કડી ફાયર સ્ટેશન ખાતે રાહત કાર્યો માટે વિશેષ દેખરેખ શરૂ કરવામાં આવી હતી.

10:45 AM, 1 Aug 2026 (IST)

વડોદરા: સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં વરસાદી પાણી ઘુસ્યા, 150 લોકોનું રેસ્કયુ

વડોદરા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર સુમન દીપ વિદ્યાપીઠ સુધી પહોંચી છે. વાઘોડિયા સ્થિત સુમન દીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં મધ્યરાત્રે વરસાદી પાણી ઘૂસી જતાં તંત્રએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. મામલતદાર, પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમે કુલ 150 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

મળતી માહિતી મુજબ રાત્રે આશરે 3 વાગ્યાના સમયે હોસ્ટેલ પરિસરમાં પાણી ઝડપથી ભરાવા લાગ્યું હતું. પરિસ્થિતિની ગંભીરતા સમજી વાઘોડિયાના મામલતદાર, પોલીસ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી દરમિયાન પ્રથમ પ્રાથમિકતા વિદ્યાર્થીઓની સુરક્ષાને આપવામાં આવી હતી. રેસ્ક્યૂ ટીમે હોસ્ટેલમાં રહેતી 100 જેટલી વિદ્યાર્થીનીઓ, 40 વિદ્યાર્થીઓ તેમજ 10 શ્રમિકો સહિત કુલ 150 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે પહોંચાડ્યા હતા.

રેસ્ક્યુ દરમિયાન પાણી ભરાયેલા વિસ્તારોમાં ખૂબ જ સાવચેતી સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં કોઈ ગભરાટ ન ફેલાય તે માટે પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ સતત માર્ગદર્શન આપી રહ્યા હતા. સમયસર કાર્યવાહી થવાના કારણે કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના નોંધાઈ નહોતી. તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા બાદ તેમની જરૂરી સુવિધાઓ અને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

તંત્રએ નાગરિકોને પણ બિનજરૂરી જોખમ ન લેવા, ભારે વરસાદ દરમિયાન સુરક્ષિત સ્થળે રહેવા અને કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્ર અથવા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જ્યાં જરૂર પડશે ત્યાં વધુ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવશે.

10:05 AM, 1 Aug 2026 (IST)

ગુજરાતમાં 24 કલાકમાં ક્યા કેટલો વરસાદ પડ્યો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સુરતના અંબિકામાં ખાબક્યો હતો. અંબિકામાં 24 ઇંચ વરસાદ પડ્યો હતો. તાપીના ડોલવણ તાલુકામાં પણ 17 ઇંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ છે અને રેસ્કયુ કામગીરી હાથ ધરવામાં આવી છે.

10:02 AM, 1 Aug 2026 (IST)

વલસાડમાં રેસ્કયુ ઓપરેશન બંદર રોડ ઉપર ફસાયેલા ત્રણને બચાવી લેવાયા

વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને કારણે ઔરંગા નદીમાં આવેલા પૂરના કારણે શુક્રવારની મોડી રાત્રે એક ચિંતાજનક ઘટના સામે આવી હતી. બંદર રોડ પર આવેલા ઔરંગા નદીના બ્રિજ ઉપર ત્રણ યુવકો ધસમસતા પૂરના પાણી વચ્ચે ફસાઈ જતા જીવલેણ સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને વલસાડ નગરપાલિકાના ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ત્રણેય યુવકોને સલામત રીતે બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો.

ધસમસતા પ્રવાહ વચ્ચે ચાલ્યું દિલધડક બચાવ કાર્ય

ઔરંગા નદીમાં પાણીનો પ્રવાહ અત્યંત તેજ હોવાથી રેસ્ક્યુ ટીમ સામે મોટો પડકાર ઉભો થયો હતો. બ્રિજના બંને તરફ પાણી ફરી વળતા યુવકો બહાર નીકળી શકે તેવી કોઈ શક્યતા રહી નહોતી. આવી સ્થિતિમાં ફાયર વિભાગના જવાનોએ સુરક્ષા સાધનો, દોરડા અને અન્ય રેસ્ક્યુ સાધનોની મદદથી અત્યંત સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી હતી. અંધારી રાત્રિ અને સતત વહેતા પાણી વચ્ચે ચાલેલા દિલધડક ઓપરેશન બાદ ત્રણેય યુવકોને એક પછી એક સુરક્ષિત સ્થળે લાવવામાં સફળતા મળી હતી.

9:52 AM, 1 Aug 2026 (IST)

તાપીના ડોલવણમાં 24 કલાકમાં 16.73 ઇંચ વરસાદ

તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાક કુદરતે જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.તાપીના ડોલવણ તાલુકામાં માત્ર 24 કલાકમાં જ 16.73 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સૌથી ઓછો 2.17 ઈંચ વરસાદ કુકરમુંડા તાલુકામાં નોંધાયો હતો.

રેડ એલર્ટના પગલે જિલ્લા વહીવટી તંત્ર સતત એક્શનમાં રહ્યું. ભારે વરસાદ અને નદીઓમાં આવેલા ઘોડાપુરને ધ્યાનમાં રાખીને 1300થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું.

ભારે વરસાદના કારણે પૂર્ણા, અંબિકા, ઓલણ, વાલ્મિકી, મીંઢોળા અને ઝાંખરી જેવી મુખ્ય નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા, જ્યારે કેટલાક માર્ગો પર પાણી ફરી વળતા વાહનવ્યવહારને પણ અસર પહોંચી.

પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા તંત્ર દ્વારા SDRFની બે ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. ખાસ કરીને નિઝર અને ડોલવણ તાલુકામાં અધિકારીઓ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા. બીજી તરફ પોલીસ વિભાગે પણ પ્રશંસનીય કામગીરી કરી હતી. ભારે વરસાદ વચ્ચે ફસાયેલા પશુપાલકો તેમજ ડોલવણના એક પરિવારને સુરક્ષિત રીતે બહાર કાઢી મદદ પહોંચાડવામાં આવી હતી.

ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સીઝનમાં પ્રથમ વખત ડેમમાં દોઢ લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે. આજે પણ ઉપરવાસમાંથી 1 લાખ 63 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક ચાલુ રહેતા ડેમની સપાટી 319 ફૂટને પાર પહોંચી છે, જેને લઈને તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

જો છેલ્લા 24 કલાકના વરસાદની વાત કરીએ તો નિઝરમાં 4.41 ઈંચ, ઉચ્છલમાં 3.50 ઈંચ, સોનગઢમાં 5.35 ઈંચ, વ્યારામાં 6.26 ઈંચ, વાલોડમાં 7.32 ઈંચ, કુકરમુંડામાં 2.17 ઈંચ, ડોલવણમાં 16.73 ઈંચ અને ઉકાઈમાં 4.45 ઈંચ વરસાદ નોંધાયો છે.

9:41 AM, 1 Aug 2026 (IST)

નવસારી: પૂર્ણા નદીનું જળ સ્તર વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ભારે વરસાદને કારણે નવસારીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. સત્તાવાળાઓ પૂર્ણા નદીના વધતા પ્રવાહ પર નજર રાખી રહ્યા છે અને રહેવાસીઓને સતર્ક રહેવા વિનંતી કરી છે.

9:39 AM, 1 Aug 2026 (IST)

ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

રાજ્યમાં અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, કચ્છ, ખેડા, મહેસાણા, મોરબી, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લાઓ માટે રેડ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

આ ઉપરાંત અમરેલી, બનાસકાંઠા, છોટા ઉદેપુર, દાદરા અને નગર હવેલી, દાહોદ, દમણ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, દીવ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, મહિસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, સુરત, તાપી અને વલસાડ માટે ચેતવણી જારી કરવામાં આવી છે.

9:34 AM, 1 Aug 2026 (IST)

ઔરંગા નદીમાં જળસ્તર વધતાં વહીવટીતંત્ર એલર્ટ, 300 લોકોનું સ્થળાંતર

અવિરત અને ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં ફરી એકવાર પૂરની સ્થિતિ સર્જાવાની આશંકા વચ્ચે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું છે. ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે ઔરંગા નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે ઔરંગા નદી કાંઠાના તમામ નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને વિલંબ કર્યા વિના સુરક્ષિત સ્થળોએ ખસી જવાની અપીલ કરી છે. વહીવટીતંત્ર દ્વારા આશ્રયસ્થાનો પણ કાર્યરત કરવામાં આવ્યા છે અને જરૂરી તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.

800થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતર

વહીવટીતંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ભાગડાખુર્દ, ભાગડાવડા, લીલાપોર, ભદેલી જગાલાલા, કાશ્મીરનગર સહિત અન્ય નીચાણવાળા વિસ્તારોમાંથી અંદાજિત 800 જેટલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સ્થળાંતર કરાયેલા પરિવારોને આશ્રયસ્થાનોમાં રહેવા, પીવાના પાણી, ભોજન અને પ્રાથમિક આરોગ્ય સેવાઓ સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની સતત મુલાકાત લેવામાં આવી રહી છે.

ધરમપુરમાં સૌથી વધુ 198 mm વરસાદ નોંધાયો

છેલ્લા 12 કલાક દરમિયાન જિલ્લામાં સાર્વત્રિક અને ભારે વરસાદ નોંધાયો છે. વરસાદના આંકડા મુજબ ધરમપુર તાલુકામાં સૌથી વધુ 198 મી.મી. વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે વલસાડ તાલુકામાં 121 મી.મી., પારડીમાં 85 મી.મી., નાનાપોંઢામાં 73 મી.મી. અને કપરાડામાં 69 મી.મી. વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

જિલ્લાના 123 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ

અતિવૃષ્ટિ અને પાણી ભરાવાની સ્થિતિને કારણે જિલ્લાના અનેક માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાયો છે. માર્ગ અને મકાન વિભાગની માહિતી મુજબ હાલ કુલ ૧૨૩ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. તેમાં ૧૨૨ પંચાયત હસ્તકના રસ્તાઓ અને એક સ્ટેટ હાઈવેનો સમાવેશ થાય છે. બંધ રસ્તાઓને કારણે અનેક ગામોનો સંપર્ક પ્રભાવિત થયો છે અને વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

9:25 AM, 1 Aug 2026 (IST)

255 તાલુકામાં વરસાદ

રાજ્યના 255 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ખેડાના નડિયાદમાં 341 mm (13.42), ભરૂચના નેત્રંગ mm (13.031) વરસાદ વરસ્યો હતો.

Last Updated : August 1, 2026 at 9:45 PM IST