ગુજરાત

gujarat

ETV Bharat / state

BZ પોન્ઝી કાંડમાં એક વર્ષ બાદ રોકાણકારો આકરાપાણીએ, કોર્ટમાં જ એજન્ટો સાથે માથાકૂટ!

આ પોન્ઝી કાંડમાં 11 હજારથી વધુ રોકાણકારોના આશરે 450 કરોડ રૂપિયા ફસાયા છે

આ પોન્ઝી કાંડમાં 11 હજારથી વધુ રોકાણકારોના આશરે 450 કરોડ રૂપિયા ફસાયા છે
આ પોન્ઝી કાંડમાં 11 હજારથી વધુ રોકાણકારોના આશરે 450 કરોડ રૂપિયા ફસાયા છે (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : September 2, 2026 at 5:28 PM IST

અમદાવાદ: અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં આજે BZ પોન્ઝી સ્કીમ મામલે રોકાણકારો અને એજન્ટો વચ્ચે ઉગ્ર બોલાચાલીનો માહોલ સર્જાયો હતો. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા સામે રોકાણકારોમાં ફરી એકવાર ભારે આક્રોશ જોવા મળ્યો હતો. રોકાણકારોનો આક્ષેપ છે કે BZ પોન્ઝી સ્કીમમાં નાણાં રોક્યાને એક વર્ષ જેટલો સમય વિતી ગયો હોવા છતાં હજુ સુધી તેમના નાણાં પરત મળ્યા નથી.

આશરે 450 કરોડનું કૌભાંડ, 11 હજારથી વધુ રોકાણકારોના રૂપિયા ફસાયા

BZ ગ્રુપના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા પર ઊંચા વળતરની લાલચ આપીને હજારો રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા એકત્ર કરવાનો આરોપ છે. શરૂઆતમાં આ કૌભાંડને લઈને રૂ. 6,000 કરોડના આંકડા સામે આવ્યા હતા, જોકે તપાસ આગળ વધતાં CIDના રેકોર્ડ અને ચાર્જશીટમાં કૌભાંડની રકમ રૂ. 422 કરોડથી રૂ. 452 કરોડની આસપાસ હોવાનું સામે આવ્યું છે. એક અહેવાલ મુજબ આશરે 11,183 રોકાણકારો આ કૌભાંડથી અસરગ્રસ્ત હોવાનું સામે આવ્યું હતું.

આ પોન્ઝી કાંડમાં 11 હજારથી વધુ રોકાણકારોના આશરે 450 કરોડ રૂપિયા ફસાયા છે (ETV Bharat Gujarat)

આ કેસમાં સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાત હાઈકોર્ટે ભૂપેન્દ્ર ઝાલાને શરતી જામીન આપતી વખતે અસરગ્રસ્ત રોકાણકારોને નાણાં પરત કરવાની દિશામાં ચોક્કસ શરતો મૂકી હતી. ઝાલાએ એક વર્ષમાં રૂ. 122 કરોડ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવાની બાંહેધરી આપી હતી. આ રકમ એક વર્ષ દરમિયાન હપ્તાવાર જમા કરવાની શરત પણ હતી.

જોકે, રોકાણકારોનો આક્ષેપ છે કે નક્કી કરાયેલી શરતો પ્રમાણે નાણાં પરત કરવામાં આવ્યા નથી. રોકાણકારોનું કહેવું છે કે, એક વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં તેમની મહેનતની કમાણી હજુ અટવાયેલી છે. જેના કારણે આજે કોર્ટ પરિસરમાં રોકાણકારો અને BZ સ્કીમ સાથે જોડાયેલા એજન્ટો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

રોકાણકાર મિતા પટેલે જણાવ્યું હતું કે, એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તેમના સહિત અનેક રોકાણકારોને નાણાં પરત મળ્યા નથી. કોર્ટની શરતો હોવા છતાં નાણાં પરત નહીં મળતા રોકાણકારો હવે કડક કાર્યવાહી ઈચ્છે છે.

રોકાણકાર હિરેન દરજીએ જણાવ્યું હતું કે, રોકાણકારોએ પોતાની મહેનતની કમાણી BZ સ્કીમમાં વિશ્વાસ રાખીને રોકી હતી. હવે લાંબા સમયથી નાણાં પરત ન મળતા રોકાણકારોમાં ભારે રોષ છે. જો હાઈકોર્ટની જામીન શરતોનું પાલન થયું નથી તો ભૂપેન્દ્ર ઝાલાના જામીન રદ કરવા જોઈએ. રોકાણકારોની મુખ્ય માગ છે કે હાઈકોર્ટે જામીન આપતી વખતે નક્કી કરેલી શરતોનું પાલન થયું છે કે નહીં તેની તપાસ કરવામાં આવે અને શરતોનો ભંગ થયો હોય તો ભૂપેન્દ્ર ઝાલાના જામીન રદ કરવામાં આવે.

આ પણ વાંચો: