ગુજરાત

gujarat

Harani Lake Accident: VMC દ્વારા બિન અનુભવી કોટિયા પ્રોજેક્ટ્સને રદ કરેલ કોન્ટ્રાક્ટ ફરીથી 30 વર્ષ માટે અપાયો હતો

By ETV Bharat Gujarati Team

Published : Jan 20, 2024, 9:09 PM IST

અત્યંત ચકચારી હરણી તળાવ નાવ દુર્ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં વડોદરા મહા નગર પાલિકા દ્વારા માત્ર ફરસાણ બનાવવાનો અને વિતરણ કરવાનો અનુભવ ધરાવતી કોટિયા પ્રોજેક્ટ કંપનીને 30 વર્ષ માટે આ કોન્ટ્રાક્ટ અપાયો હતો. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Vadodara Municipal Corporation Harni Lake Accident Kotiya Project Un Experienced Company

VMC દ્વારા બિન અનુભવી કોટિયા પ્રોજેક્ટ્સને કોન્ટ્રાક્ટ અપાયો
VMC દ્વારા બિન અનુભવી કોટિયા પ્રોજેક્ટ્સને કોન્ટ્રાક્ટ અપાયો

રદ કરેલ કોન્ટ્રાક્ટ ફરીથી 30 વર્ષ માટે અપાયો હતો

વડોદરાઃ હરણી તળાવ નાવ દુર્ઘટનાએ સમગ્ર ગુજરાત હચમચાવી મુક્યુ છે. આ દુર્ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં બિન અનુભવી કંપની કોટિયા પ્રોજેક્ટ્સને હરણી લેક ઝોનનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. તે પણ 30 વર્ષ માટે. કોટિયા પ્રોજેક્ટ્સને ફરસાણ બનાવવાનો અને વિતરણ કરવાનો અનુભવ છે. જ્યારે કોન્ટ્રાક્ટ અપાયો ત્યારે કંપનીની બેલેન્સ શીટ ઝીરો હોવાનું પણ સામે આવ્યું છે. અધિકારીઓની મીલીભગત અને કોઈ રાજકીય દબાણ હોવાનો આક્ષેપ વડોદરા મહા નગર પાલિકાના વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો.

કોન્ટ્રાક્ટ આપવામાં લોલમલોલઃ VMCએ મેસર્સ કોટિયા પ્રોજેક્ટને ઝીરો બેલેન્સ અને કોઈ પણ પ્રકારના અનુભવ વિના હરણી મોટનાથ લેક ઝોન ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપી દીધો હતો. આ કોન્ટ્રાક્ટ વર્ષ 2015માં એક વાર રદ કરવામાં આવ્યો હતો. ફરીથી વર્ષ 2017માં આ કોન્ટ્રાક્ટ 30 વર્ષ માટે કોટિયા પ્રોજેકટ્સને આપી દેવાયો. આ કંપની પાસે માત્ર ફરસાણ બનાવવા અને તેના વિતરણનો જ અનુભવ છે. કોન્ટ્રાકટ અપાયો ત્યારે કંપનીનું બેન્ક બેલેન્સ ઝીરો હતું. તે સમયે કોઈ પણ પ્રકારના IT ડોક્યુમેન્ટસ પણ સબમિટ કરવામાં આવ્યા નહોતા. મેસર્સ કોટિયા પ્રોજેક્ટ દ્વારા હરણી લેકમાં બોટિંગ ક્લબ પણ ચલાવવામાં આવતી હતી. જો કોર્પોરેશન દ્વારા સમયાંતરે હોડીઓ સહિતના સાધનોની ચકાસણી કરવામાં આવી હોત તો કદાચ આ દુર્ઘટના ન સર્જાઈ હોત.

વર્ષ 2016માં રદ થયું હતું ટેન્ડરઃ મેસર્સ કોટિયો પ્રોજેક્ટને પ્રથમવાર હરણી લેક ઝોનનો કોન્ટ્રાક્ટ અપાયો તેનો વિરોધ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જેના પગલે સમગ્ર ટેન્ડર પ્રક્રિયા રદ કરવામાં આવી હતી. જો કે કોઈ રાજકીય વગના કારણે આ ટેન્ડર પ્રક્રિયા બે જ મહિનામાં મંજૂર કરી 30 વર્ષ માટે કોન્ટ્રાક્ટ ફરીથી આ કંપનીને અપાયો હતો. તે સમયના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવાય તેવી વિપક્ષ માંગ કરી રહ્યો છે. જો તટસ્થ રીતે તપાસ કરવામાં આવે તો કોર્પોરેશન ના વહીવટી અધિકારીનો વિરુદ્ધ મોટો પર્દાફાસ થાય તેમ છે.

નજીવી રકમ રૂપિયા 3,01,111નો કોન્ટ્રાક્ટઃ વર્ષ 2017માં ડો. વિનોદ રાવના કાર્યકાળ દરમિયાન હરણી તળાવ અને વિકાસ માટે આ માત્ર રૂપિયા 3,01,111 જેટલી નજીવી રકમમાં વાર્ષીક કોન્ટ્રાક આપી દેવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાક્ટ કોર્પોરેશને ડેવલોપમેન્ટ માટે કોટિયા પ્રોજેક્ટ્સને આપ્યો હતો. વડોદરા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાએ દુર્ધટના બાદ શુક્રવારે લેકની મિલકત સીઝ કરવાનો અને કોટિયા પ્રોજેક્ટ્સનો કોન્ટ્રાક્ટ રદ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્પોરેશન હવે મૂળ કોન્ટ્રાકટર દ્વારા કોને કોને પેટા કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો તેની તપાસ કરી રહ્યું છે.

ઘોર બેદરકારીઃ ગુરુવારે પિકનિક માટે આવેલ બાળકોને બોટિંગ કરાવવામાં આવ્યું હતું. બોટિંગ ક્લબના વહીવટકર્તાઓ દ્વારા કેપિસિટી કરતાં વધુ બાળકોને બોટમાં બેસાડી દેવાયા. કોઈપણ સેફ્ટીના સાધનો પૂરા પાડવામાં આવ્યા નહતાં. બાળકોને પિકનિકમાં લઇ ગયેલા શિક્ષિકાઓએ પણ બોટ ચલાવનારના ભરોસે બાળકોને સેફ્ટી જેકેટ પહેરાવ્યા વગર બોટિંગ કરાવ્યું હતું.

પોલીસ ફરિયાદઃ વડોદરા કોર્પોરેશનમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા રાજેશ ચૌહાણે હરણી પોલીસ સ્ટેશનમાં આ દુર્ઘટના સંદર્ભે ફરિયાદ કરી છે. જેમાં જણાવ્યું છે કે હરણી લેક ઝોનનો વર્ક ઓર્ડર મેસર્સ કોટિયા પ્રોજેક્ટને વર્ષ 2017થી સોંપવામાં આવ્યો છે. જેમાં જુદી-જુદી રાઈડ્સ, ખાણી-પીણી, બેન્ક્વેટ હોલ અને બોટિંગ જેવી આનંદ પ્રમોદની સુવિધાનો સમાવેશ થાય છે. આ તમામ સુવિધાઓની સંપૂર્ણ જવાબદારી મેસર્સ કોટિયા પ્રોજેક્ટની છે.

પોલીસ કમિશનરે SITની રચના કરીઃ હરણી તળાવ દુર્ઘટના બાબતે દાખલ થયેલ ગુનાની તટસ્થ અને સચોટ તપાસ કરવા અધિક પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને 7 પોલીસ અધિકારીઓને સમાવતી સીટની રચના કરવામાં આવી છે. તેમજ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ ACP ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

વિરોધ પક્ષનો આક્ષેપઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષનો આક્ષેપ છે કે કોટિયા પ્રોજેક્ટને માત્ર ડેવલપિંગ કરવા માટે પ્રોજેક્ટ આપવાનો હતો. જો કે સમગ્ર કોન્ટ્રાક્ટ અને પેટા કોન્ટ્રાક્ટ કોટિયા પ્રોજેક્ટ આપીને સત્તાધીશ અધિકારીઓએ કંપનીને ફાયદો કરી આપ્યો. જેનો ભોગ નિર્દોષ બાળકો બન્યા છે. આ કોન્ટ્રાક્ટને ટર્મિનેટ કરવામાં આવે તો વીએમસીને આ કોન્ટ્રાક્ટ પરત મળે.

પ્રથમ વાર જયારે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યારે કોટિયા પ્રોજેક્ટ્સને ડિસક્વોલિફાય કરવામાં આવ્યા હતા. તેના કારણો ફાઈલમાં સ્પષ્ટ છે કે, આ કંપની પાસે માત્ર ફરસાણ બનાવવા અને તેના વિતરણનો જ અનુભવ છે. કોન્ટ્રાકટ અપાયો ત્યારે કંપનીનું બેન્ક બેલેન્સ ઝીરો હતું. જો કે માત્ર 2 મહિનામાં જ આ કંપનીને ક્વોલિફાઈ કરીને ફરીથી તેને કોન્ટ્રાક્ટ આપી દેવાયો. આ કામમાં પીરિયોડિક ઈન્સપેક્શન પણ થયું નથી. તમામ જવાબદાર અધિકારી વિરુદ્ધ અમે કડક કાર્યવાહી કરવાની માંગણી કરીએ છીએ...અમી રાવત(નેતા, વિરોધ પક્ષ, વડોદરા મહા નગર પાલિકા)

  1. Water Sports Safety : વડોદરા દુર્ઘટના બાદ દીવ બીચ પર વોટર સ્પોર્ટ રિયાલિટી ચેક, શું છે હકીકત જૂઓ
  2. Harni Lake Accident : વડોદરા સુરસાગર તળાવ હોનારતનું પુનરાવર્તન, 30 વર્ષ પછી પણ એ જ ભૂલ ?

ABOUT THE AUTHOR

...view details