ગુજરાત

gujarat

3 વ્યાજખોર કાકાએ ઉઘરાણી માટે ભત્રીજાને માર્યો, કેન્સરગ્રસ્ત માતાની સારવાર માટે લીધા હતા નાણાં - Surat Crime News

By ETV Bharat Gujarati Team

Published : Apr 29, 2024, 9:20 PM IST

કેન્સરગ્રસ્ત માતાની સારવાર કરાવવા માટે યુવકે પોતાના કૌટુંબિક 3 કાકા પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. ભત્રીજાની પરિસ્થિતિ નબળી હોવા છતાં આ ત્રણેય કાકાઓએ મહિને 10 ટકા વ્યાજ વસૂલ્યું હતું. એટલું જ નહિ નાણાંને લઈ ડખો થતા આ કાકાએ યુવકને ત્રાહિત વ્યક્તિને હવાલે આપી ઉઘરાણી પણ કરી. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Surat Crime News

3 વ્યાજખોર કાકાએ ઉઘરાણી માટે ભત્રીજાને માર્યો
3 વ્યાજખોર કાકાએ ઉઘરાણી માટે ભત્રીજાને માર્યો

સુરતઃ કેન્સરગ્રસ્ત માતાની સારવાર માટે યુવકે પોતાના 3 કૌટુંબિક કાકા પાસેથી રુપિયા વ્યાજે લીધા હતા. કાકાએ અધધધ વ્યાજ વસૂલ્યું હતું. યુવકે વ્યાજ પણ ચૂકવ્યું. જો કે કાકાએ આ બાબતે પઠાણી ઉઘરાણી ચાલુ રાખીને યુવકને માર પણ માર્યો હતો. અંતે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને કાકા સહિત અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સમગ્ર ઘટનાક્રમઃ સુરત શહેરના કાપોદ્રા વિસ્તાર ખાતે આવેલા રામકૃષ્ણ કોલોનીના ભરવાડ ફળિયામાં રહેનાર 35 વર્ષિય લાલજી મેર પશુપાલક વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની માતા કાશીબેનને 7 વર્ષ પહેલા કેન્સર થયું હતું. જેના કારણે તેમણે માતાની સારવાર માટે કૌટુંબિક કાકા ઝીણાભાઈ, વલુભાઈ અને ભોળાભાઈ પાસેથી રૂપિયાની માંગણી કરી હતી. ત્રણેય કાકાઓએ તેને 3.5 લાખ રૂપિયા આપ્યા હતા. જોકે તેઓએ શરત મૂકી હતી કે તે દર મહિને 10% વ્યાજ લેશે. ફરિયાદીએ આમ થોડાક સમય અંતે 4 લાખ રૂપિયાથી પણ વધારે રૂપિયા આપી દીધા હતા પરંતુ કૌટુંબિક કાકાના વ્યાજનું વિષચક્ર પૂરુ જ થયું નહીં. આ યુવક વ્યાજખોરીના વિષચક્રમાં ફસાઈ ગયો હતો.

ઉઘરાણી અને મારાઝુડ પણ કરીઃ છેલ્લા 3 મહિનાથી લાલજીનો ધંધો સારો ન થતા તેને વ્યાજ આપવાનું બંધ કરી દીધું હતું. તેથી તેના કૌટુંબીક કાકા ઉઘરાણી કરવા લાગ્યા હતા. તેમણે કૌટુંબિક ભાઈ વિભા અને જેસા મેરને પૈસા કઢાવવાનું કામ સોંપ્યું. જેથી જેસા ફરિયાદીના ઘરે પહોંચીને નાણાંની માંગણી કરી અને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી છે.

આ કેસ બાબતે કાપોદ્રાના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.બી અસુરાએ જણાવ્યું હતું કે, માતાને કેન્સર થતા ફરિયાદીએ પોતાના કૌટુંબિક કાકા પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. વ્યાજ કરતા પણ વધારે રકમ આપી દીધા બાદ પણ કૌટુંબીક કાકા સતત વ્યાજની માંગણી કરી રહ્યા હતા. ધંધો સારો ન ચાલવાથી ફરિયાદીએ વ્યાજ આપવાનો ઈનકાર કરતા તેમના ત્રણેય કાકાઓએ ત્રાહિત વ્યક્તિના હવાલે તેને કરી દીધા હતા અને જ્યારે ઉઘરાણી મારામારી સુધી પહોંચી ત્યારે પોલીસ મથકે તેને ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

  1. મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં સાહિલ ખાનની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો - Sahil Khan
  2. ત્રણ વર્ષ બાદ લૂંટ વિથ મર્ડર કેસમાં ઝડપાયા આરોપીઓ - Surat Loot With Murder

ABOUT THE AUTHOR

...view details