ગુજરાત

gujarat

Rambhai Odedara Died: સૌરાષ્ટ્ર ક્રિકેટ જગતના ભીષ્મ પિતામહ રામભાઈ ઓડેદરાનું દુઃખદ અવસાન થયું

By ETV Bharat Gujarati Team

Published : Feb 15, 2024, 10:25 PM IST

મહાત્મા ગાંધીજીની જન્મભૂમિમાં જન્મેલા બેસ્ટ ક્રિકેટ કોચ અને પોરબંદર ક્રિકેટ જગતના ભીષ્મ પિતામહ રામભાઈ ઓડેદરાનું આજે નિધન થયું છે. તેઓ છ વર્ષની લાંબી બીમારીથી પીડાતા હતા. આજે સવારે અવસાન થતાં ક્રિકેટ જગતમાં શોક વ્યાપી ગયો છે. અનેક ક્રિકેટ પ્રેમીઓએ રામભાઈને હૃદય પૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી છે. Porbandar Rambhai Odedara Best Cricket Coach Dulip Cricket School

સૌરાષ્ટ્ર ક્રિકેટ જગતના ભીષ્મ પિતામહ  રામભાઈ ઓડેદરાનું દુઃખદ અવસાન
સૌરાષ્ટ્ર ક્રિકેટ જગતના ભીષ્મ પિતામહ રામભાઈ ઓડેદરાનું દુઃખદ અવસાન

રામભાઈ ઓડેદરાનું એક સ્વપ્ન જયદેવે પૂરું કર્યુ છે

પોરબંદરઃ આજે ક્રિકેટ જગતના વધુ એક દ્રોણાચાર્યનું અવસાન થયું છે. પોરબંદરના બેસ્ટ ક્રિકેટ કોચ રામભાઈ ઓડેદરાએ આજે ક્રિકેટ જગત અને આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના અવસાનથી સમગ્ર ક્રિકેટ જગતમાં શોકવ્યાપી ગયો છે. અનેક દિગ્ગજ ક્રિકેટરોએ રામભાઈ ઓડેદરાને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

જીવન કવનઃ રામભાઈ દેવાભાઈ ઓડેદરા તા. 09/ 10/ 1947ના રોજ પોરબંદરમાં જનમ્યા હતા. પોરબંદરની ભાવસિંહજી સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ કર્યા બાદ ભાવનગરમાં કોલેજ સુધી અભ્યાસ કર્યો હતો. ભાવનગરમાં જ ક્રિકેટની તાલીમ પણ લીધી હતી. તેમના ગુરુ જયરાજ સિંહ સરવૈયાએ રામભાઈને ક્રિકેટના માસ્ટર બનાવ્યા હતા. પોરબંદર દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સરકારની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સીનિયર કોચ તરીકે તેમણે નોકરી કરી હતી. આ નોકરી દરમિયાન તેઓએ અનેક ક્રિકેટરોને તૈયાર કર્યા છે. તેમના સમયમાં દિલીપ ક્રિકેટ સ્કૂલના જુનિયરથી લઈ સીનિયર ક્રિકેટરો આજે પણ તેમણે યાદ કરે છે. જેમાં સુરેશ કેશવાલા, ભાવિન રાડિયા, અનિલ ઠકરાર, રાજુ બદીયાણી, નિલેશ ઓડેદરા , જયેશ ઓડેદરા, જયેશ મોતીવરસ, રાજેશ જાડેજા અને પ્રશાંત જોશી રણજી ટ્રોફી સુધી પહોંચ્યા છે.

દુલીપ ક્રિકેટ ક્લબની ટીમ તેમના નેતૃત્વમાં આફ્રિકા અને યુકેમાં રમવા ગઈ હતી

સૌરાષ્ટ્ર ક્રિકેટ જગતના ભીષ્મ પિતામહ: પોરબંદરમાં દુલીપ ક્રિકેટ સ્કૂલ ઓફ ક્લબની સ્થાપના 1985માં થઈ. 1990માં દુલીપ ક્રિકેટ ક્લબની ટીમ તેમના નેતૃત્વમાં આફ્રિકા અને યુકેમાં રમવા ગઈ હતી. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં તેઓ મેમ્બર હતા. સૌરાષ્ટ્રની રણજી ટ્રોફી ટીમના કોચ તરીકે પણ તેઓએ સેવા આપી છે. જુનિયર ક્રિકેટ લેવલે અનેક ક્રિકેટરોને તેમણે તાલીમ આપી છે. ક્રિકેટની શરૂઆત તેઓએ એવરગ્રીન ક્લબમાંથી કરી હતી. પોરબંદરમાં ક્રિકેટ હોસ્ટેલ બનાવવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે. જૂનાગઢના જાફર મેદાન મેળવવામાં પણ તેઓએ મહત્વનો ભાગ ભજવેલો. ક્રિકેટરોના ખૂબ પ્રિય કોચ હતા. ક્રિકેટ કોચ તરીકે તેમનો સ્વભાવ અડગ હતો. તેઓ ડિસિપ્લિનને ખાસ મહત્વ આપતા. જેના કારણે સૌરાષ્ટ્રના કિકેટ જગતમાં એક સારા ક્રિકેટ કોચની કાયમી ખોટ વર્તાશે. તેમના બંને પુત્રો નિલેશ ઓડેદરા અને નીરજ ઓડેદરા પણ સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી રમેલા છે.

ક્રિકેટરોના ખૂબ પ્રિય કોચ હતા

જયદેવ ઉનડકટે પૂરું કર્યું સ્વપ્નઃ રામભાઈ દિલીપ ક્રિકેટ સ્કૂલમાં કોચ હતા ત્યારે ભારત ટીમના ખેલાડી જયદેવ ઉનડકટ પણ તેમની પાસેથી જ તૈયાર થયા છે. રામભાઈ ઓડેદરાનું એક સ્વપ્ન હતું કે પોરબંદરનો કોઈ ખેલાડી ટેસ્ટ મેચ રમે. પોરબંદરનું ગૌરવ વધારે. આ સ્વપ્ન જયદેવે પૂરું કર્યુ છે. જયદેવે અનેક ટેસ્ટ મેચ રમી અને આજે રણજી ટ્રોફીના કેપટન છે. આ ઉપરાંત પોરબંદરના અજય લાલચેતા અને જય ઓડેદરા ઓમાનની ક્રિકેટ ટીમ તરફથી રમે છે. તે પણ રામભાઈ પાસેથી તૈયાર થયેલા ક્રિકેટરો છે.

સૌરાષ્ટ્રના કિકેટ જગતમાં એક સારા ક્રિકેટ કોચની કાયમી ખોટ વર્તાશે

મારા પ્રથમ ક્રિકેટ કોચ તરીકે, હું તેમને મારા ગુરુ કહી શકું છું. મારી કારકિર્દીના પ્રારંભિક તબક્કે સ્વ-શિસ્ત અને કઠોરતા કેળવનાર વ્યક્તિ. આજે, જ્યારે તેમણે વિદાય લીધી, ત્યારે હું પ્રેમપૂર્વક યાદ કરીશ કે મને રણજી ટીમનું નેતૃત્વ કરતો જોઈને અને ટ્રોફી ઉપાડવાનું તેનું સ્વપ્ન પૂરું કરતાં જોઈને તે કેટલા ખુશ હતા. તેણે મને આશીર્વાદ અને શુભેચ્છા પાઠવી હતી. રમત પ્રત્યેનો તેમનો પ્રેમ કાયમ રહેશે. મને ખાતરી છે અમારા પ્રિય કોચને, તેમના આત્માને સ્વર્ગમાં ક્યાંક સુંદર પીચ પર શાંતિ મળે તેવી પ્રાર્થના...જયદેવ ઉનડકટ(ક્રિકેટર, ભારત)

મારા પિતા રામભાઈ ઓડેદરા ક્રિકેટરોના ખૂબ પ્રિય કોચ હતા. ક્રિકેટ કોચ તરીકે તેમનો સ્વભાવ અડગ હતો. તેઓ ડિસિપ્લિનને ખાસ મહત્વ આપતા. જેના કારણે સૌરાષ્ટ્રના કિકેટ જગતમાં એક સારા ક્રિકેટ કોચની કાયમી ખોટ વર્તાશે...નીરજ ઓડેદરા(રામભાઈ ઓડેદરાના પુત્ર, પોરબંદર)

  1. Niranjan Shah Stadium : રાજકોટ એસસીએ સ્ટેડિયમનું નામ બદલીને નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ રાખવામાં આવશે
  2. હવે જામનગરની 8 યુવા મહિલા ક્રિકેટરો સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમમાં બતાવશે જલવો

ABOUT THE AUTHOR

...view details