ગુજરાત

gujarat

Polluted Surat: સુરત શહેરને અસ્વચ્છતામાં નંબર વન બનાવનાર કોણ?, શહેરની ગંદકી જોતા વિશ્વાસ નહિ આવે કે આ સુરત છે!!!

By ETV Bharat Gujarati Team

Published : Mar 19, 2024, 6:15 PM IST

આ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. જો કે સુરત શહેરના કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં નાગરિકો ગંદકીમાં રહેવા માટે મજબૂર છે. ગંદકીથી ખદબદતા વિસ્તારોના રહીશોએ સુરત મનપાના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરી છે પણ આ રજૂઆતો પથ્થર પર પાણી સાબિત થઈ રહી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Polluted Surat

સુરત શહેરને અસ્વચ્છતામાં નંબર વન બનાવનાર કોણ?
સુરત શહેરને અસ્વચ્છતામાં નંબર વન બનાવનાર કોણ?

શહેરની ગંદકી જોતા વિશ્વાસ નહિ આવે કે આ સુરત છે

સુરતઃ સ્વછતા નંબર વન શહેર તરીકે સુરતની ગણના થાય છે. સુરતમાં દર વર્ષે 300થી 350 કરોડ રૂપિયા માત્ર ડ્રેનેજ, બ્યુટીફિકેશન, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, સ્વચ્છતા સહિત અન્ય પ્રોજેક્ટ ઉપર પાલિકા દ્વારા ખર્ચ કરવામાં આવે છે. ઝોન વાઈઝ પણ કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે. જેથી દરેક રહીશોને સ્વચ્છ વિસ્તાર મળી રહે. આજ કારણ છે કે સુરત શહેર ઈન્દોર સાથે સ્વચ્છતામાં પ્રથમ ક્રમે આવ્યું છે. જો કે સુરતના કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં મહિનાઓ સુધી મહા નગર પાલિકાના સફાઈ કર્મચારીઓ જોવા મળતા નથી.

સ્વચ્છ સુરતના અસ્વચ્છ વિસ્તારોઃ સુરત શહેરના લિંબાયત, કમરૂનગર, નારાયણ નગર, પનાસ, પુના ગામ, ડીંડોલી, સચિન સહિતના કેટલાક એવા વિસ્તાર છે કે જ્યાં ગંદકીના ઢગલામાં રહેવા માટે સ્થાનિકો મજબૂર છે. આ સ્થાનિકો મેલેરિયા, ડેન્ગ્યૂ સહિત પાણીજન્ય રોગોના શિકાર થઈ રહ્યા છે. અહીં વારંવાર ગંદકીની ફરિયાદ કરવા છતાં અધિકારીઓ આવતા નથી. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની વાતો માત્ર કાગળ પર છે. એટલું જ નહિ આ વિસ્તારોમાં જૂના પાલિકાના આવાસો અને ઈન્ડસ્ટ્રીઝ પણ જોવા મળે છે. સૌથી વધારે સ્લમ એરિયામાં સુરત ખાતે જોવા મળે છે. સુરતમાં મોટાભાગે અન્ય રાજ્યોથી આવેલા લોકો સ્લમ વિસ્તાર અને આવાસોમાં રહે છે. આવા જ વિસ્તારમાં સૌથી વધારે ગંદકી જોવા મળે છે જ્યારે તેનાથી વિપરીત શહેરના પોશ વિસ્તાર કાચની જેમ ચમકે છે.

શહેરની ગંદકી જોતા વિશ્વાસ નહિ આવે કે આ સુરત છે

સ્વચ્છતાના કર્મચારીઓ ભૂલથી ક્યારેક આવી જાય છેઃ સ્થાનિક અભય ગૌતમે જણાવ્યું હતું કે, અહીં હું દસ વર્ષથી રહું છું. મૂળ યુપીના જોનપુરનો રહેવાસી છું. અહીં સ્વચ્છતાના કર્મચારીઓ ભૂલથી ક્યારે ક્યારે આવી જાય છે. તમે જોઈ શકો છો કે કેટલી ગંદકી છે. અમે આ ગંદકીમાં રહેવા માટે મજબૂર છીએ. જ્યારે પણ રજૂઆત કરીએ છીએ ત્યારે અધિકારીઓ સાંભળતા નથી. ડેન્ગ્યૂ, મલેરિયાના મચ્છરો અહીં જોવા મળે છે અવારનવાર રહીશો બીમાર થઈ જાય છે.

વારંવાર તબિયત બગડે છેઃ સ્થાનિક શમીમબાનુએ જણાવ્યું હતું કે, અહીં આટલી ગંદકી છે કોઈ સાફ કરવા માટે આવતું નથી. ગંદકીના કારણે વારંવાર તબિયત બગડે છે. અત્યારે જ અમે દવા લઈને આવ્યા છે. 1 અઠવાડિયા પહેલા પણ આ ગંદગીના કારણે તબિયત લથડતાં દવા લેવી પડી હતી. હાલ અમારા રોજા ચાલે છે. આ દરમિયાન તબિયત લથડી જાય છે અને દવાઓ લેવી પડે છે.

સફાઈ કર્મચારીઓના ધાંધીયાઃ સ્થાનિક દેવીબેને જણાવ્યું હતું કે, જ્યારે પણ અમે રજૂઆત કરીએ છીએ ત્યારે અધિકારીઓ અહીં આવીને જુદા જુદા કારણો કહે છે. જેમાં કચરા કરો છો, તમારા બિલ્ડીંગની પાઈપો તૂટી ગઈ છે જેના કારણે આ કચરો થાય છે વગેરેનો સમાવેશ થાય છે. આ લોકો રોજે આવતા નથી મહિનામાં એક વાર કે બે વાર આવીને સફાઈ કરતા હોય છે અને અંદર સુધી પણ આવતા નથી.

બાળકો બીમાર થાય છેઃ સ્થાનિક મધુબેને જણાવ્યું હતું કે, જ્યારે પણ રજૂઆત કરીએ ત્યારે અધિકારીઓ કહે છે કે અમે આવીશું, પરંતુ આવતા નથી માત્ર અમારા આવાસ પૂરતી જ નહિ પરંતુ સમગ્ર વિસ્તારમાં ગંદકીનો માહોલ જોવા મળે છે. ગંદકી કારણે અમારા બાળકો બીમાર થાય છે. રોગચાળો પ્રસરે છે પરંતુ અધિકારીઓ પગલાં ભરતાં નથી.

ગંદકી વચ્ચે રહેવા માટે મજબૂરઃ સ્થાનિક રાહુલભાઈએ જણાવ્યું હતું કે, અનેકવાર રજૂઆત કરી પરંતુ અધિકારીઓ અહીં આવતા નથી. તમે જોઈ શકો છો કેટલી ગંદકી છે. અમે સ્વચ્છતા અભિયાન અંગે વાંચીએ છે. કેટલીક જગ્યાએ સફાઈ થતી હોય છે તો કેટલીક જગ્યાએ ગંદકી પણ જોવા મળે છે. અમે હાલ ગંદકી વચ્ચે રહેવા માટે મજબૂર છીએ.

શું કહે છે તંત્ર?: આરોગ્ય વિભાગના અધિકારી આશિષ નાયકે જણાવ્યું હતું કે, આ શહેરમાં સૌથી વધુ માઈગ્રેટેડ લોકો આવીને રહે છે. તેમ છતાં સુરત શહેર સ્વચ્છતામાં નંબર વન છે. અમે હંમેશા જ્યારે પણ ગંદકી અંગે જાણકારી મળે ત્યારે કામ કરતા હોઈએ છે. સીસીટીવી સર્વલેન્સના આધારે ગંદકી કરનાર લોકો ઉપર નજર પણ રાખીએ છીએ. દંડ પણ ફટકારીએ છીએ. લગભગ 1100 જેટલી ગાડીઓ છે જે ડોર ટુ ડોર કલેક્શન કરે છે. આ કચરો યુનિટ સુધી પહોંચાડે છે. હાલમાં જ અમે પ્લાસ્ટિક દૂષણ ને હટાવવા માટે કામ કરી ચૂક્યા છે. લોકોની સમસ્યા અંગે જ્યારે પણ જાણકારી મળે ત્યારે ત્વરિત એક્શન લેવામાં આવે છે.


સ્વચ્છતા સર્વેક્ષણની વાત કરવામાં આવે તો કેટલાક માપદંડના આધારે શહેરને સ્વચ્છ શહેર તરીકે જાહેર કરવામાં આવે છે જેમાં ખાસ મૂલ્યાંકનના મુખ્ય પરિમાણો: સ્વચ્છ સર્વેક્ષણ 2023 રેન્કિંગમાં વિવિધ પરિબળોનો સમાવેશ થાય છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

ડોર ટુ ડોર કચરો સંગ્રહ

• સ્ત્રોતનું વિભાજન

• જાહેર વિસ્તારોની સ્વચ્છતા

• સ્વચ્છ જળાશયો

• શહેરની સ્વચ્છતા અંગે નાગરિકોના પ્રતિસાદ


સ્વચ્છ સર્વેક્ષણ, શહેરી વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ અને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવે છે, સ્વચ્છ ભારત અભિયાનની પ્રગતિ અને પ્રભાવને તપાસવા અને શહેરો વચ્ચે સ્પર્ધાની ભાવનાને ઉત્તેજન આપવા માટે કેટલાક સો શહેરોમાં એક વ્યાપક સ્વચ્છતા સર્વેક્ષણ છે. દરેક શહેરની કામગીરીનું મૂલ્યાંકન છ પરિમાણો પર કરવામાં આવે છે:

• મ્યુનિસિપલ ઘન કચરો, સફાઈ, સંગ્રહ અને પરિવહન

• મ્યુનિસિપલ ઘન કચરો, પ્રક્રિયા અને ઘન કચરાનો નિકાલ

• ખુલ્લામાં શૌચ મુક્ત અને શૌચાલય

• ક્ષમતા નિર્માણ અને ઇ-લર્નિંગ

• જાહેર શૌચાલય અને સામુદાયિક શૌચાલયોની જોગવાઈ

આ સર્વેક્ષણ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 2020 માં 4242 શહેરો અને નગરોને આવરી લેવામાં આવ્યા હતા, તેમાં 5 લાખ+ ULB દસ્તાવેજ પુરાવા કેપ્ચર કરવામાં આવ્યા હતા, ફિલ્ડમાંથી કેપ્ચર કરાયેલા 24 લાખ+ જીઓટેગ કરેલા ફોટા અને 1.9 કરોડ લોકોના પ્રતિસાદનો સમાવેશ થાય છે

a) સેવા સ્તરની પ્રગતિ-1300 ગુણ

b) નાગરિક પ્રતિસાદ - 1500 ગુણ

c) પ્રત્યક્ષ અવલોકન - 1500 ગુણ

d) GFC (SWM) 1,000 ગુણ; ODF /ODF+ / ODF++ 500 ગુણ

  1. Loksabha Election 2024: નવસારી લોકસભા બેઠકમાં કૉંગ્રેસ મુમતાજ પટેલને ટિકિટ આપશે તેવી ચર્ચાને લીધે કાર્યકર્તાઓમાં મૂંઝવણ
  2. Surat: સુરત જિલ્લામાં આચાર સંહિતાની અમલવારી, શહેરમાં ૩,૧૭૮ હોર્ડિંગ્સ અને પેઈન્ટીંગ દૂર કરાયા

ABOUT THE AUTHOR

...view details