ગુજરાત

gujarat

આપના અમૂલ્ય મત માટે યોગ્ય ઉમેદવાર ન મળે ત્યારે એક વિકલ્પ : NOTA, સુરત લોકસભા બેઠકના નોટા મત કેટલા ? - Lok Sabha Election 2024

By ETV Bharat Gujarati Team

Published : Apr 17, 2024, 6:22 PM IST

દેશના નાગરિકોનો મત અમૂલ્ય છે, આથી આપનો મત યોગ્ય ઉમેદવારને જાય તે પણ જરુરી છે. પરંતુ જ્યારે આપને ચૂંટણીમાં ઉભેલા કોઈપણ ઉમેદવાર યોગ્ય ન જણાય ત્યારે આપની પાસે એક વિકલ્પ છે, NOTA. જાણો નોટા મતનું મહત્વ અને સુરત લોકસભા બેઠક પર નોટા મતની સંખ્યા...

સુરત લોકસભા બેઠકના નોટા મત કેટલા ?
સુરત લોકસભા બેઠકના નોટા મત કેટલા ?

સુરત :દેશ અથવા સ્થાનિક કોઈ ચૂંટણી હોય અને તમને કોઈ પક્ષ અથવા અપક્ષનો ઉમેદવાર પસંદ નથી અથવા તેમને તમે લાયક નથી ગણતા, તો નોટા એક વિકલ્પ છે. જેના હેઠળ તમે મત આપી શકો છો અને તમારો મત કોઈ ઉમેદવારને જશે નહીં. વર્ષ 2014 અને 2019 લોકસભા ચૂંટણીમાં સુરત લોકસભા બેઠકના 20 હજારથી વધુ મતદારોએ નોટા મત આપ્યો હતો.

NOTA મતલબ : કોઈપણ ચૂંટણી દરમિયાન જો તમને કોઈપણ પક્ષનો કોઈપણ ઉમેદવાર પસંદ ન હોય અથવા તમને ઉમેદવાર યોગ્ય ન લાગે, તો તમારી પાસે NOTA એક વિકલ્પ છે. તમે EVM મશીનમાં નોટાનું (NOTA) બટન દબાવી શકો છો. ઘણી વખત એવું બને છે કે લોકો મત આપવા માંગે છે પરંતુ તેમને ચૂંટણીમાં ઉતરેલા ઉમેદવાર કોઈ કારણોસર પસંદ આવતા નથી. આવી સ્થિતિમાં પણ લોકોએ પોતાના મતદાનનો ઉપયોગ કરવો જોઈએ, આથી નોટા એક મહત્વનું શસ્ત્ર છે. છેલ્લા કેટલાક વર્ષોથી એવું જોવા મળ્યું છે કે, લોકોએ નોટાનો ભરપૂર ઉપયોગ કર્યો છે.

ગત લોકસભા ચૂંટણીનું NOTA મતદાન :સુરત લોકસભાની બેઠકની વાત કરીએ તો, વર્ષ 2014ની લોકસભા ચૂંટણીના કુલ મતમાંથી 1.15 ટકા મતદાન નોટામાં થયું હતું. સુરત લોકસભા બેઠકમાં આવેલા મતદારોમાં કુલ 10,936 એવા મતદારો છે કે જેમણે NOTA બટન દબાવ્યું અને કોંગ્રેસ-ભાજપ કે અન્ય કોઈ પક્ષને મત આપ્યો ન હતો. તેવી જ રીતે લોકસભા ચૂંટણી 2019 માં પણ 10,532 લોકોએ કોંગ્રેસ, ભાજપ અને અપક્ષના તરફેણમાં મતદાન કરવાને બદલે નોટાનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું, ત્યારે NOTA માં 1 ટકા મતદાન થયું હતું.

NOTA બટનનું મહત્વ :સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દેશના મતદારોને NOTA નો વિકલ્પ મળ્યો છે. નોટાના વિકલ્પે મતદારોને વધુ શક્તિશાળી બનાવ્યા છે. જો મતવિસ્તારમાં કોઈ ઉમેદવાર યોગ્ય ન હોય તો મતદારો NOTA માટે પોતાનો મત આપી શકે છે. આનાથી મતદાનમાં તેમની સહભાગિતા સુનિશ્ચિત થશે અને મત ખોટા ઉમેદવારને જશે નહીં. NOTA નો વિકલ્પ રાજકીય પક્ષોને ઉમેદવારની પસંદગીમાં જવાબદાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જો રાજકીય પક્ષો સતત ખોટા ઉમેદવારો ઉભા કરે છે, તો મતદારો NOTA બટન દબાવીને તેમનો વિરોધ નોંધાવી શકે છે. તમને જણાવી દઈએ કે, ભારત વિશ્વનો 14મો દેશ હતો, જેણે પોતાના મતદારોને NOTA નો વિકલ્પ પૂરો પાડ્યો હતો.

  1. કચ્છ લોકસભા બેઠક પર 2014 કરતા 2019ની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ કરનાર મતદાતાઓની સંખ્યા નજીવી વધી
  2. મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા ચૂંટણીમાં એક ટકાથી ઓછા મતદારોએ 'NOTA' નો ઉપયોગ કર્યો, છત્તીસગઢમાં 1.29 ટકા

ABOUT THE AUTHOR

...view details