ગુજરાત

gujarat

Kutch News : ભુજમાં પાણીનું અનિયમિત વિતરણ, સ્થાનિકોની ફરિયાદ અને વિપક્ષના આક્ષેપો

By ETV Bharat Gujarati Team

Published : Feb 26, 2024, 4:05 PM IST

ભુજ શહેરમાં અનિયમિત પાણી વિતરણની ફરિયાદ ઉઠી છે. શહેરના અમુક વિસ્તારોમાં એકાંતરે તો અમુક વિસ્તારોમાં 4થી 6 દિવસે પાણી વિતરણ થઇ રહ્યું છે. ભુજ નગરપાલિકા પાણીની સમસ્યા ન સર્જાય તેવા આયોજનની વાતો કરે છે ત્યાં વિપક્ષનું કહેવું કંઇક જુદું છે.

Kutch News : ભુજમાં પાણીનું અનિયમિત વિતરણ, સ્થાનિકોની ફરિયાદ અને વિપક્ષના આક્ષેપો
Kutch News : ભુજમાં પાણીનું અનિયમિત વિતરણ, સ્થાનિકોની ફરિયાદ અને વિપક્ષના આક્ષેપો

ભુજમાં પાણીની સમસ્યાનો સામનો

કચ્છ : હજી તો ઉનાળાની શરૂઆત નથી થઈ અને ભુજ શહેરમાં અનિયમિત પાણી વિતરણ થઇ રહ્યું છે. ભુજ શહેરમાં ટેન્કરરાજ જોવા મળતું હોય છે.ભુજ શહેરના અમુક વિસ્તારોમાં એકાંતરે તો અમુક વિસ્તારોમાં 4થી 6 દિવસે પાણી વિતરણ કરવામાં આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. તો ભુજ નગરપાલિકાએ આગામી સમયમાં શહેરમાં પાણીની સમસ્યા ન સર્જાય તેવું આયોજન કર્યું છે.

ભુજ આયાતી પાણી પર નિર્ભર : કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરમાં આમ તો બારેમાસ ટેન્કરરાજ જોવા મળે છે. શહેરના અનેક વિસ્તારમાં ટેન્કર મારફતે પાણી પહોચાડવામાં આવી રહ્યું છે. દર વર્ષે ઉનાળામાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.જેના કારણે ભુજ નગરપાલિકા દ્વારા વધારાના ટેન્કર દોડાવવામાં આવે છે. ઉનાળાને લઈને ભુજ નગરપાલિકા આગોતરું આયોજન કરીને પાણીની સમસ્યા પહોચી વળવા માટે એક્શન પ્લાન તેયાર કર્યો હોવાનો દાવો કર્યો છે. હાલમાં ભુજ શહેરની દૈનિક જરૂરિયાત 45 MLD પાણીની છે જેમાંથી 39 MLD જેટલું પાણી નર્મદાનું વિતરીત થાય છે જેના કારણે ભુજ આયાતી પાણી પર નિર્ભર રહે છે.

ટેન્કર મારફતે લેવું પડે છે પાણી : સંજોગનગર વિસ્તારમાં રહેતા સાજીદ ચાનીયાએ જણાવ્યું હતું કે,અમારા વિસ્તારમાં 5થી 7 દિવસે પાણી આવે છે. અનેકવાર કાઉન્સિલરને રજૂઆત કરવામાં આવી છે.

પાણીના ટાંકા પર ફોન કરીએ તો જણાવે છે મોટર બગડી ગઈ છે કે લાઈન તૂટી ગઈ છે. 5 થી 7 દિવસ સુધી ક્યારેક ક્યારેક પાણી નથી આવતું. આ ઉપરાંત કચરાની પણ ખૂબ સમસ્યા જોવા મળી રહી છે. નગરપાલિકામાંથી કોઈ કર્મચારીઓ સફાઈ કરવા નથી આવી રહ્યા. જે એક ટ્રેક્ટર આવે છે તે પણ 5થી 7 દિવસે આવે છે. પાણીની સમસ્યા હોય છે ત્યારે કોઈના ઘરે બોર હોય તો ત્યાંથી પાણી ભરવું પડે છે તો ક્યારેક પાણીનું ટેન્કર મંગાવવું પડે છે જેના 200થી 300 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. ઉનાળામાં પણ જો આ રીતે રહ્યું તો ખૂબ તકલીફ વેઠવી પડશે...સાજીદ ચાનીયા (સ્થાનિક)

વિપક્ષના આક્ષેપો : ભુજ શહેર કોંગ્રેસના પ્રમુખ કિશોરદાન ગઢવી દ્વારા પણ આક્ષેપો કરવામાં આવે છે કે નગરપાલિકાના શાસકો દ્વારા પોતાના માનીતા લોકોના વિસ્તારમાં નિયમિત પાણી પહોંચાડવામાં આવે છે.

લોકોને હજી ઉનાળો શરૂ નથી થયો ને અનિયમિત પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કોમર્શિયલ વિસ્તારને કે હોટલોને મન ફાવે તેમ પાણી અપાય છે. પાણી પુરવઠાનું લેણું પણ ભુજ નગરપાલિકા પર કરોડો રૂપિયાનું થઈ ગયું છે, પરંતુ આજદિન સુધી લોકોના વેરા વસૂલવાના બાકી હોય અને લોકો ના ભરતા હોય તો તેમના પાણીના અને વીજના કનેક્શન કાપી નાખવામાં આવતા હોય છે. ભુજ નગરપાલિકાના શાસકો ભ્રષ્ટાચાર કરવામાં જ માને છે...કિશોરદાન ગઢવી (પ્રમુખ, ભુજ શહેર કોંગ્રેસ )

પાણી રાબેતા મુજબ મળે તે માટે આયોજન : ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામ ઠકકરે જણાવ્યું હતું કે ભુજના અમુક વિસ્તારોમાં નિયમિત રીતે પાણી આપવામાં આવી રહ્યું છે.

ભુજના પ્રમુખસ્વામીનગર અને મુન્દ્રા રિલોકેશન સાઈટ વિસ્તારમાં અગાઉ ભારાપર યોજના હેઠળ પાણી વિતરિત કરવામાં આવતું હતું. જે છેલ્લાં 6-8 મહિના બાદ આ યોજના હેઠળ પાણી વિતરણ બંધ કરવામાં આવ્યું હતું અને હાલમાં નર્મદાનું પેયજળ આખા શહેરને મળે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આવા વિસ્તારોમાં હાલમાં 4-4 દિવસે પાણી મળી રહ્યું છે. ક્યારેક લાઈટ ના હોય કે પાણીની લાઈનમાં ભંગાર પડ્યું હોય ત્યારે પાણીની સમસ્યા સર્જાતી હોય છે...ઘનશ્યામ ઠકકર (ભુજ નગરપાલિકા)

પાણીની સમસ્યા નહીં સર્જાવાનો દાવો આવનારા ઉનાળામાં પાણી રાબેતા મુજબ મળે તે માટે ભુજ નગરપાલિકા દ્વારા પ્રયત્નો કરવામાં આવશે. તો ભુજ શહેરમાં આગામી ઉનાળામાં પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય તેવો દાવો ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે.

  1. White Rann Of Kutch: કચ્છનું સફેદ રણ ફિલ્મો અને લગ્નના શૂટિંગ માટે બની રહ્યું છે હોટ ફેવરિટ લોકેશન
  2. Chinkara Breeding Centre Kutch: બન્નીમાં ચિતા બાદ ચિંકારા બ્રિડિંગ સેન્ટર શરૂ કરવાની જાહેરાત, 1.5 હેક્ટરમાં શરૂ કરાશે સંવર્ધન કેન્દ્ર

ABOUT THE AUTHOR

...view details