ગુજરાત

gujarat

Budget 2024-25: કેન્દ્ર અને રાજ્યના બજેટ અનુલક્ષીને જૂનાગઢના ખેડૂતોએ રજૂ કરી અપેક્ષાઓ

By ETV Bharat Gujarati Team

Published : Jan 27, 2024, 4:48 PM IST

આગામી દિવસોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનું વર્ષ 2024-25નું બજેટ આવી રહ્યું છે. આ બજેટ સંદર્ભે ઈ ટીવી ભારતે ખેડૂતો પાસેથી અભિપ્રાયો મેળવ્યા છે. જેમાં જૂનાગઢના ખેડૂતોએ કેન્દ્ર અને રાજ્યનું બજેટ ખેડૂતો માટે બહુ આયામી હોય તેવી આશા અને અપેક્ષાઓ વ્યક્ત કરી છે. Budget 2024-25 Agriculture Farmers Junagadh Govt Scheme Fencing Irrigation

કેન્દ્ર અને રાજ્યના બજેટ અનુલક્ષીને જૂનાગઢના ખેડૂતોએ રજૂ કરી અપેક્ષાઓ
કેન્દ્ર અને રાજ્યના બજેટ અનુલક્ષીને જૂનાગઢના ખેડૂતોએ રજૂ કરી અપેક્ષાઓ

વિવિધ કૃષિ યોજનાઓમાં બજેટ ફાળવણી વધે તે જરુરી

જૂનાગઢઃ કેન્દ્ર અને રાજ્ય સરકારના આગામી બજેટ પર જૂનાગઢના ખેડૂતોએ પોતાની આશા, અપેક્ષા અને અભિપ્રાયો રજૂ કર્યા છે. જેમાં ખેડૂતલક્ષી યોજનાઓના સમાવેશ, ખેડૂતોને આત્માનિર્ભર કરવા માટે સરકારી યોજનાનું યોગ્ય અમલીકરણ અને યોજના પાછળ થતા ખર્ચમાં સ્પષ્ટતા કરવામાં આવે તો સરકારે ઓછી રાહતે પણ ખેડૂતોની આવકમાં વધારો કરી શકે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.

ફેન્સિંગ યોજનાઃ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ગીર કાંઠાના ખેડૂતો જંગલી પશુ અને પ્રાણીના અસહ્ય ત્રાસથી પીડાઈ રહ્યા છે. ભૂંડ, નીલગાય જેવા જંગલી પશુઓ ખેતીના ઊભા પાકને ખેદાન મેદાન કરે છે. કેટલાક વિસ્તારોમાં સિંહ, દીપડા જેવા જંગલી પ્રાણીઓનો પણ ખૂબ જ ભય જોવા મળે છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોને રાહત આપવા માટે સરકાર તાર ફેન્સિંગ કે દિવાલ માટેની જે સબસિડી યોજના મારફતે આપે છે તે પૂરતી નથી. આ સબસિડીમાં વધારો થવો જોઈએ તેવી માંગણી ખેડૂતો કરી રહ્યા છે.

માવઠાની નુકસાની સમયસર મળે તે જરુરી

ખેડૂત આઈ પોર્ટલઃ મોટા ભાગના રાજ્યોમાં હવે ખેડૂતોને મળતી સહાય અને યોજનાઓ ખેડૂત આઈ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવાય છે. જેનો અમલ મોટાભાગના રાજ્યોમાં થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂત આઈ પોર્ટલ પર રજિસ્ટ્રેશન જરૂરી છે. જો કે અહીં ખૂબ જ મર્યાદિત સંખ્યામાં ખેડૂતોનું રજિસ્ટ્રેશન થાય છે. જેના કારણે મોટાભાગના જરૂરિયાતમંદ ખેડૂતો ખેડૂત આઈ પોર્ટલ પરથી સરકારી યોજના કે તેમાં મળતી સબસિડી નો લાભ મેળવી શકતા નથી. જે ખેડૂતો માટે અન્યાય બરાબર છે. આગામી બજેટમાં ખેડૂત આઈ પોર્ટલને લઈને કોઈ વિશેષ યોજના બને કે કોઈ જોગવાઈ થાય તો ખેડૂતોને ફાયદો થઈ શકે છે તેવું જુનાગઢના ખેડૂતો માની રહ્યા છે.

પાક વીમો અને માવઠાની સહાયઃ રાજ્ય અને કેન્દ્રની સરકાર પાક વીમો અને અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિમાં ખેડૂતોને પાક નુકસાની આપતી હોય છે. આ યોજના બજેટમાં જેટલી સારી લાગે છે તેટલી જ ખેડૂત સુધી પહોંચતા સુધી ખરાબ બની જાય છે. પાક વીમા, માવઠા, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિની અગાઉ જાહેર કરેલ સહાય ખેડૂતોને સરકાર સમયસર ચૂકવે તેવી જોગવાઈઓ આગામી બજેટમાં થવી જોઈએ તેવી ખેડૂતોની માંગણી છે. ખેડૂતો પાસેથી 7/12 અને 8અ ના ઉતારા મુજબ જ કોઈપણ કૃષિ જણશોની ખરીદી થઈ શકે તેવી ચોક્કસ વ્યવસ્થાનો સમાવેશ આગામી બજેટ માં કરવામાં આવે તો આ બજેટ ખેડૂતો માટે ઉપયોગી બની શકે છે.

પ્રાકૃતિક ખેતી ખૂબ મુશ્કેલઃ પ્રાકૃતિક ખેતીને જૂનાગઢના ખેડૂતો આશીર્વાદ ગણી રહ્યા છે, પરંતુ વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતી માટે પૂરતા પ્રમાણમાં જોઈતા પશુધનો ખેડૂતોમાં અભાવ છે. પશુધનનો નિભાવ કરાવવા માટે પણ ખેડૂતોને ખૂબ મોટા આર્થિક સ્વભંડોળ ની જરૂર પડતી હોય છે. યાંત્રિક ખેતીના સમયમાં કેન્દ્ર સરકાર પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહી છે પરંતુ ખેડૂતો પાસે પૂરતા પ્રમાણમાં પશુધન નહિ હોવાને કારણે તેને અપનાવતા નથી. પ્રાકૃતિક ખેતીને લઈને ખેડૂતલક્ષી કોઈ વિશેષ યોજના બજેટમાં સમાવેશ થાય તો ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરાય તેમ છે.

વીજળી અને બિયારણ મોટી સમસ્યાઃ વર્તમાન સમયમાં વીજળી અને ગુણવત્તા યુક્ત બિયારણની સૌથી મોટી સમસ્યા ખેડૂતોને સતાવી રહી છે. અનેક ખેડૂતો ખેતીલક્ષી વીજ જોડાણની રાહ જોઈ રહ્યા છે. વીજળી ન હોવાને કારણે પાણી હોવા છતાં પણ ખેડૂતો કૃષિ પાકોનું પીયત કરી શકતા નથી. બીજી તરફ ખેડૂતો નકલી બિયારણના શિકાર થઈ રહ્યા છે. જો આવનારા બજેટમાં ગુણવત્તા યુક્ત બિયારણને લઈને કોઈ યોજના બને અને ખેડૂતો સુધી બિયારણ પહોંચે તેવી જોગવાઈનો સમાવેશ કરવામાં આવે તો ખેડૂતોને આ સમસ્યામાંથી રાહત મળી શકે તેમ છે.

ભૂંડ, નીલગાય જેવા જંગલી પશુઓ ખેતીના ઊભા પાકને ખેદાન મેદાન કરે છે. સરકાર તાર ફેન્સિંગ કે દિવાલ માટેની જે સબસિડી યોજના મારફતે આપે છે તે પૂરતી નથી. જેમાં વધારો કરી જો 70થી 80 ટકા સબસિડી આપવામાં આવે તો ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે...કાંતિ ગજેરા(ખેડૂત,જૂનાગઢ)

ખેડૂત આઈ પોર્ટલમાં અરજી કરેલ ખેડૂતોમાંથી માત્ર 10થી 15 ટકા ખેડૂતોને જ લાભ મળે છે, કારણ કે તેનું બજેટ ઓછું છે. જો તેનું બજેટ વધારવામાં આવે તો મોટી સંખ્યામાં ખેડૂતોને લાભ થઈ શકે તેમ છે...નિલેશ પટેલ(ખેડૂત,જૂનાગઢ)

સુક્ષ્મ પીયત પદ્ધતિમાં સરકારી સહાય 5-5 મહિનાથી મળી નથી. અમને એવું કહેવામાં આવે છે કે બજેટ નથી તેથી રાહ જૂઓ. તેથી સરકારે બજેટમાં આ સહાયમાં વધારો કરે તો અમને ફાયદો થાય તેમ છે...રામજી પટેલ(ખેડૂત,જૂનાગઢ)

  1. Bhavnagar Farmers : માવઠાંની બીકે યાર્ડની મનાઈ વચ્ચે ડુંગળી લઇ પહોંચ્યાં ખેડૂતો, નીકળ્યો વચલો માર્ગ
  2. Gandhinagar News: ખેડૂતોના નામે થતી ટેક્સચોરી બંધ થશે, તમામ પશુપાલકો અને ખેડૂતોના ડિસ્ટ્રિક્ટ બેન્કમાં એકાઉન્ટ ખોલાશે

ABOUT THE AUTHOR

...view details