ગુજરાત

gujarat

Anand News : સુભાષચંદ્ર બોઝને ધ્વજ લગાવવા ફરજ પાડનાર સ્વતંત્રતા સેનાની શાંતાબેન પટેલનું નિધન

By ETV Bharat Gujarati Team

Published : Feb 13, 2024, 6:36 PM IST

બોરસદ તાલુકાના ભાદરણ ગામનાં વતની અને આઝાદીની લડતમાં પોતાનું જીવન સોંપી દેનાર તેવાં શાંતાબેન મણીભાઈ પટેલ ( તિલક )નું 103 વર્ષની વયે રવિવારે નિધન થયું હતું.

Anand News : સુભાષચંદ્ર બોઝને ધ્વજ લગાવવા ફરજ પાડનાર સ્વતંત્રતાસેનાની શાંતાબેન પટેલનું નિધન
Anand News : સુભાષચંદ્ર બોઝને ધ્વજ લગાવવા ફરજ પાડનાર સ્વતંત્રતાસેનાની શાંતાબેન પટેલનું નિધન

આણંદ : ભાદરણના સ્વતંત્રતાસેનાની શાંતાબેન પટેલનું નિધન થયું છે. શાંતાબેન પટેલે 103 વર્ષની વયે દેહ ત્યાગ્યો છે. આઝાદીની ચળવળ માટે શાંતાબેન પટેલે પોતાનું લગ્ન જીવન પણ ત્યાગ્યું હતું. આઝાદીની ચળવળમાં નાણાંની જરૂર પડતા પોતાના ઘરેણાં પણ વેચી દીધા હતાં. કંકાપુરા ખાતે કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લેવા આવેલ સુભાષચંદ્ર બોઝની ગાડીને તેમણે રોકી હતી. સુભાષચંદ્ર બોઝની ગાડી પર રાષ્ટ્રીય ધ્વજ ન લગાવ્યો હોય ગાડી રોકી હતી. રાષ્ટ્રધ્વજ લગાવ્યા બાદ જ ગાડી આગળ વધવા દીધી હતી. આઝાદીની ચળવળ દરમિયાન ગાંધીજી સાથે 6 દિવસ જેલવાસ પણ ભોગવ્યો હતો. દેશ માટે આજીવન એકાંકી જીવન શાંતાબેન પટેલ જીવ્યાં હતાં.

સુભાષચંદ્ર બોઝની ગાડીને અટકાવી :દેશને આઝાદી અપાવવા માટે આખું જીવન સમર્પિત કરી દેનાર શાંતાબેન પટેલને દેશપ્રેમ એટલો વહાલો હતો કે બોરસદ તાલુકાના કંકાપુરા ગામે કોંગ્રેસ પક્ષનું અધિવેશન હતું ત્યારે આ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝનું સ્વાગત કરવા માટે ગાંધીજી દ્વારા ભાદરણ ખાતે તેઓને જવાબદારી સોંપવામાં આવી હતી. ભાદરણ સ્વાગત બાદ તેઓને કંકાપુરા જવાનું હતું. આ દરમિયાન સુભાષચંદ્ર બોઝ ગાડીમાં આવતા તેમની ગાડીની આગળ ભારત દેશનો ધ્વજ ન હોવાથી તેઓએ સુભાષચંદ્ર બોઝની ગાડીને અટકાવી હતી અને જણાવ્યું હતું કે તમારી ગાડીની આગળ ભારતનો ધ્વજ કેમ નથી ? પહેલાં ધ્વજ લગાવો ત્યારબાદ જ હું તમને આગળ જવા દઈશ ત્યારે સુભાષચંદ્ર બોઝે તેઓનું માન રાખી અને ગાડીમાં પ્રથમ ધ્વજ લગાવ્યો હતો.

સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને કહ્યો કિસ્સો : ત્યારે આ સમય ત્યાં હાજર ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝને પૂછ્યું હતું કે કેમ ભાઈ આજે તમે મોડા પડ્યાં ત્યારે સુભાષચંદ્ર બોઝે જણાવ્યું હતું કે ભાદરણ ખાતે તમે જેમને મને સ્વાગત કરવા માટે જણાવ્યું હતું તે બહેને મારી ગાડી રોકી હતી અને મારી ગાડીની આગળ ધ્વજ ન હતો જેથી મને પહેલા ધ્વજ લગાવવા માટે જણાવ્યું હતું, ત્યાર બાદ મારી ગાડીને આગળ વધવા દીધી હતી. જેથી હું આવવામાં મોડો પડ્યો હતો.

ચળવળમાં જોડાવા સંસારજીવનનો ત્યાગ : સ્વતંત્રતા સંગ્રામ વખતે શાંતાબેન પટેલ 6 દિવસ માટે ગાંધીજીની સાથે જેલવાસમાં પણ રોકાયાં હતાં. તેમણે આઝાદીની ચળવળ માટે નાણાંની જરૂર પડતાં પોતાનાં ઘરેણાં વેચી દીધાં હતાં. તેમનું નાની ઉંમરે લગ્ન થયું હતું, પરંતુ આઝાદીની ચળવળમાં જવાનું હોઈ તેમણે લગ્ન કર્યા હતાં પણ તેઓ સાસરે પતિ સાથે ન જઈ દેશની ચળવળમાં જોડાઈ ગયાં હતાં અને આખી જિંદગી તેઓ એકલવાયું જીવન જીવી દેશની સેવામાં જ પોતાની જિંદગી ખપાવી દીધી હતી.

ઘર પણ પહેલેથી ગામને અર્પણ કરેલું છે : તેઓ જે ઘરમાં રહેતાં હતાં તે ઘર પણ તેમણે ગામની સેવા માટે વાપરવા અગાઉથી ગામના સરપંચને જણાવ્યું હતું. શાંતાબેન પટેલ આણંદ જિલ્લામાં એકમાત્ર સ્વતંસેનાની રહ્યાં હતાં. તેઓનું પણ 103 વર્ષની વયે અવસાન થયું ત્યારે ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી તેઓની અંતિમયાત્રામાં જોડાયાં હતાં. શાંતાબેનના જીવનમાં આઝાદી માટે અંગ્રેજો સામે આંદોલન અને દેશ પ્રત્યેની અતૂટ લાગણીના આવા અનેક કિસ્સાઓ છે.

  1. Delhi High Court To Central Govt.: દિલ્હી હાઈ કોર્ટે સ્વતંત્રતા સેનાની પેન્શન ચૂકવવામાં નિષ્ફળ કેન્દ્ર સરકારને દંડ ફટકાર્યો
  2. Shaheed Diwas : ભગતસિંહને શા માટે એવું કહેવું પડ્યું કે, "બોમ્બ અને પિસ્તોલથી ક્યારેય પણ ક્રાંતિ આવતી નથી"

ABOUT THE AUTHOR

...view details