ગુજરાત

gujarat

Gandhinagar Food poisoning : ગાંધીનગરમાં ફૂડ પોઈઝનીંગનો બનાવ, રિસેપ્શનમાં ભોજન કર્યા બાદ મહેમાનોની તબિયત લથડી

By ETV Bharat Gujarati Team

Published : Mar 9, 2024, 9:43 AM IST

ગાંધીનગરમાં આયોજિત એક રિસેપ્શનમાં ભોજન કર્યા બાદ 100 જેટલા લોકોને ફૂડ પોઈઝનીંગની અસર થઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મોટાભાગના લોકોની સ્થિતિ સ્થિર છે. આ અંગે જાણ થતા આરોગ્ય વિભાગે સ્થળ પર પહોંચી ફૂડ સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરમાં ફૂડ પોઈઝનીંગનો બનાવ
ગાંધીનગરમાં ફૂડ પોઈઝનીંગનો બનાવ

રિસેપ્શનમાં ભોજન કર્યા બાદ 100 જેટલા લોકોની તબિયત લથડી

ગાંધીનગર :ગાંધીનગરમાં આયોજિત રિસેપ્શનમાં ભોજન કર્યા બાદ મહેમાનોને ફૂડ પોઈઝનીંગની અસર થઈ હતી. મહેમાનોને ઝાડા ઉલટી થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. લગ્નમાં ગાજરનો હલવો અને પનીરનું શાક આરોગવાને કારણે ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું પ્રાથમિક જાણકારી મળી છે.

ફૂડ પોઈઝનીંગનો મામલો : ગાંધીનગર સેક્ટર 24 માં આવેલ રંગમંચ ખાતે સહયોગ ફ્લેટમાં લગ્ન પ્રસંગ બાદ ગુરુવારે રાત્રે રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં 250 થી 300 લોકોનું જમણવાર રાખવામાં આવ્યો હતો. જેમાં ગાજરનો હલવો, પનીરનું શાક, પાણીપુરી, મનચુરીયન, રોટલી, દાળ-ભાત અને શાક સહિતની વાનગીઓ પીરસવામાં આવી હતી. લગ્નમાં જમણવાર બાદ મહેમાનોને રાત્રે ફૂડ પોઈઝનીંગની અસર થઈ હતી.

100 જેટલા લોકો અસરગ્રસ્ત :ભોજન કર્યા બાદ અનેક મહેમાનોને ઝાડા-ઉલટી થતા તબિયત લથડી હતી. અંદાજે 100 જેટલા લોકોને ફૂડ પોઈઝનીંગની અસર થતા તમામને રાત્રે જ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોટાભાગના દર્દીઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. જ્યારે કેટલાક દર્દીઓની હાલમાં સારવાર ચાલુ છે.

અમારી ટીમ સ્થળે સર્વે માટે હાજર છે. જે કોઈ લોકોને અસર થઈ તેમને તાત્કાલિક સ્થળ પર જ સારવાર આપવામાં આવી છે. મોટાભાગના દર્દીઓને પ્રાથમિક ઉપચાર કરીને રજા આપવામાં આવી છે. -- ડો. હેમા જોશી (રોગચાળા અધિકારી, ગાંધીનગર મહાનગરપાલિકા)

આરોગ્ય વિભાગની કાર્યવાહી : લગ્ન રિસેપ્શનમાં આવેલા મહેમાનોને ફૂડ પોઈઝનીંગની અસર થતા ગાંધીનગર આરોગ્ય ટીમ ઘટનાસ્થળે પહોંચી ભોજનના સેમ્પલ એકત્ર કર્યા હતા. આરોગ્યની ટીમે વોમિટ અને વોટર સેમ્પલ પણ એકત્ર કર્યા હતા. બે-ત્રણ દિવસમાં સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ મૂળ કારણ જાણી શકાશે. પ્રાથમિક તપાસમાં પનીરનું શાક અને ગાજરનો હલવો ખાવાથી ફૂડ પોઈઝનીંગ થયું હોવાની તબીબોએ આશંકા વ્યક્ત કરી છે.

ગાજરનો હલવો ભારે પડ્યો ?લગ્ન પ્રસંગમાં આવેલ ધીરેન્દ્ર ચેટરજીએ જણાવ્યું કે, કેટરર્સ વાળાને ભોજનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તેમણે ત્રણ દિવસ સારું ભોજન પીરસ્યું હતું. છેલ્લે રિસેપ્શનના દિવસે વાસી જમવાનું આવી ગયું હોય તેવી સંભાવના છે. તે ઉપરાંત દૂધનો માવો અથવા અન્ય કોઈ વસ્તુ વાસી આવી ગઈ હોવાના કારણે ફૂડ પોઇઝનીંગ થયું હોવાની સંભાવના છે.

  1. Ahmedabad Food Poisoning : લગ્નનો જમણવાર પડ્યો ભારે, લગ્ન બાદ રાજપીપળાની જાન સીધી હોસ્પિટલ પહોંચી
  2. Food Poisoning In Kutch : ભુજના ચપરેડી ગામે 17 જણાંને ઘરે બનાવેલી છાશથી ફૂડ પોઇઝનિંગ, હોસ્પિટલમાં દાખલ કરાયા

ABOUT THE AUTHOR

...view details