ગુજરાત

gujarat

PM Tweet on Rajkot: PM મોદીએ 22 વર્ષ જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રાજકોટના સંસ્મરણો વાગોળ્યા

By ETV Bharat Gujarati Team

Published : Feb 25, 2024, 11:44 AM IST

PM મોદી આજે રાજકોટની મુલાકાતે છે. જો કે રાજકોટ આવતાં પહેલા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર 22 વર્ષ જૂનો એક વીડિયો શેર કર્યો હતો. આ એ સમયનો વીડિયો છે જ્યારે તેઓ રાજકોટથી ધારાસભ્ય તરીકે પ્રથમવાર ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા. વાંચો રાજકોટ અને નરેન્દ્ર મોદી વચ્ચેના લાગણીમય સંબંધ વિશે વિગતવાર

PM Tweet on Rajkot:
PM Tweet on Rajkot:

રાજકોટ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટ ખાતે ગુજરાતની પ્રથમ એઈમ્સનું લોકાર્પણ કરશે. ત્યારે PM મોદીએ 22 વર્ષ જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં રાજકોટની યાદો વાગોળી હતી. વડાપ્રધાનની રાજકીય કારકિર્દીમાં રાજકોટનો સિંહફાળો રહ્યો છે. નરેન્દ્ર મોદી પણ પોતાના ભાષણોમાં રાજકોટનો ઉલ્લેખ બહુ લાગણીથી કરે છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે 'મારા હૃદયમાં રાજકોટનું હંમેશા વિશેષ સ્થાન રહેશે. આ શહેરના લોકોએ જ મારામાં વિશ્વાસ મૂક્યો અને મને પહેલીવાર ચૂંટણીમાં જીત અપાવી. ત્યારથી, મેં હંમેશા જનતા જનાર્દનની આકાંક્ષાઓને ન્યાય આપવાનું કામ કર્યું છે. તે પણ એક સુખદ સંયોગ છે કે હું આજે અને આવતીકાલે ગુજરાતમાં હોઈશ, અને એક કાર્યક્રમ રાજકોટમાં યોજાઈ રહ્યો છે, જ્યાંથી 5 એઈમ્સ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.

રાજકોટથી રાજકીય કારકિર્દીની શરૂઆત:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જીવનની રાજકીય કારકિર્દીના મંડાણ રાજકોટથી કર્યા હતા. પીએમ મોદીએ પોતાના જીવનની રાજકીય સફર રાજકોટથી શરૂ કરી હતી. તેઓએ રાજકોટમાં જ પ્રથમ વખત ધારાસભ્યની ચૂંટણી લડતા હતા અને જીત્યા હતા. ગુજરાતમાં ભૂકંપ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપ દ્વારા ગુજરાતના મુખ્ય પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી હતી. મોદી ધારાસભ્યની ચૂંટણી લડ્યા વગર જ સીધા મુખ્યપ્રધાન બન્યા હતા. તેથી તેમના માટે 6 મહિનામાં ધારાસભ્ય તરીકે ચૂંટણી લડી, જીતીને વિધાનસભામાં પ્રવેશ મેળવવો આવશ્યક હતો.

રાજકોટ 2 બેઠક પરથી લડ્યા હતા ચૂંટણીઃ દિગ્ગજ ભાજપના નેતા અને કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ રાજકોટ 2 નામની વિધાનસભાની બેઠક નરેન્દ્ર મોદી માટે ખાલી કરી હતી. આ બેઠક ભાજપ માટે સુરક્ષિત બેઠક મનાય છે. તેથી નરેન્દ્ર મોદીએ આ બેઠક પરથી ચૂંટણી લડવાની પસંદ કર્યું હતું. જ્યારે વજુભાઈ બેઠક ખાલી કરતા અહી પેટા ચૂંટણી યોજાઈ જેમાં મોદી રાજકોટ 2 બેઠક પરથી અંદાજિત 14 હજારના મતોથી વિજયી બન્યા હતા.

અત્યંત લકી છે આ બેઠકઃ રાજકોટ 2 બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. સમય જતાં રાજકોટનો વિસ્તાર વધતા શહેરમાં 4 વિધાનસભાની બેઠકની રચના કરવામાં આવી. ત્યારથી આ બેઠક રાજકોટ પશ્ચિમ બેઠક તરીકે ઓળખાય છે. રાજકોટ પશ્ચિમ બેઠકની એવી પણ માન્યતા છે આ બેઠક પરથી જે ચૂંટાય છે તે મુખ્ય પ્રધાન પદ સુધી જાય છે. આ બેઠક પરથી વજુભાઈ વાળા લડ્યા હતા જેઓ રાજ્યના નાણા પ્રધાન રહ્યા અને વર્ષો સુધી ગવર્નર પદ પર પણ રહ્યા હતા. ત્યારબાદ વિજય રૂપાણી આ બેઠક પરથી લડ્યા અને ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા હતા.

રાજકોટનું ઋણ મોદી ભૂલ્યા નથીઃ વડાપ્રધાન મોદી રાજકોટમાંથી પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા અને રાજકોટવાસીઓએ પણ તેમને જીતાડીને વિધાનસભામાં મોકલ્યા હતા. ત્યારથી જ વડાપ્રધાન મોદી વિવિધ ચૂંટણીઓમાં સતત વિજયી બની રહ્યા છે. નરેન્દ્ર મોદી રાજકોટનું આ ઋણ ભૂલ્યા નથી. તેઓ અનેકવાર પોતાના ભાષણમાં રાજકોટ અને રાજકોટની જનતાને યાદ કરી ભાવુક બની જાય છે. મોદી કહે છે કે, રાજકોટવાસીઓએ મને જીતાડીને વિધાનસભામાં મોકલ્યો હતો. રાજકોટથી મારા જીવનની રાજકીય સફર શરૂ થઈ હતી. હું રાજકોટનું ઋણ ક્યારેય ઉતારી શકીશ નહીં.

રાજકોટને અનેક વિકાસકાર્યોની ભેટઃ રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રની મુખ્ય સમસ્યા પાણીની અછત દૂર કરવા સૌની યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું. આ યોજના મારફતે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ ડેમોને જોડવામાં આવ્યા અને પાઇપલાઇન મારફતે નર્મદાના નીર પહોંચતા કર્યા. ત્યારબાદ રાજકોટને AIIMSની ફાળવણી કરાઈ. અત્યારે ગુજરાતમાં એક માત્ર AIIMS રાજકોટમાં જ છે. જેનું આજે વડાપ્રધાન લોકાર્પણ કરવાના છે.

  1. PM Modi In Dwarka: PM મોદી દ્વારકાના દરિયામાં નેવીના જવાનો સાથે સ્કુબા ડ્રાઈવ કરવા પહોંચ્યા
  2. Circus: મોબાઈલ યુગમાં લુપ્ત થઈ રહ્યું છે સર્કસ, નથી મળી રહ્યા પ્રેક્ષકો

ABOUT THE AUTHOR

...view details