ગુજરાત

gujarat

Ahmedabad West Lok sabha Seat: અમદાવાદ પશ્ચિમથી ડો.કિરીટ પટેલનું પત્તુ કપાયું, જાણો કોણ છે દિનેશ મકવાણા ?

By ETV Bharat Gujarati Team

Published : Mar 3, 2024, 7:45 AM IST

Ahmedabad West Lok sabha Seat
Ahmedabad West Lok sabha Seat

અમદાવાદ પશ્ચિમથી ભાજપે સાંસદ ડો. કિરીટ સોલંકીની ટિકિટ કાપી નાખી છે. ભાજપે ત્રણ ટર્મના સેટિંગ સાંસદ ડોક્ટર કિરીટ પટેલને સ્થાને દિનેશ મકવાણાને ટિકિટ આપી છે. તો ચાલો જાણીએ ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા છે કોણ.

Ahmedabad West Lok sabha Seat

અમદાવાદ: ભાજપે અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટ પરથી દિનેશ મકવાણાને ઉમેદવાર જાહેર કરતા ખાનપુર ભાજપ કાર્યાલયમાં દિવાળી જેવો માહોલ હતો. ભાજપ કાર્યકરોએ દિનેશભાઈનું જોરદાર સ્વાગત કર્યું હતું. તેમણે ઉમેદવારને ખભા પર બેસાડીને નારાબાજી કરી હતી.

કોણ દિનેશ મકવાણા છે ?

અમદાવાદ પશ્ચિમથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દિનેશ કોદરભાઈ મકવાણાનો જન્મ તારીખ 16 ડિસેમ્બર 1969ના રોજ થયો હતો. તેમણે બીએ એલએલબીનો અભ્યાસ કર્યો છે. તેઓ હિન્દુ વણકર જ્ઞાતિમાંથી આવે છે. વ્યવસાય એડવોકેટ એવા દિનેશભાઈ અમદાવાદના પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. તેઓ હાલમાં કર્ણાવતી મહાનગર ભાજપના પ્રવક્તા છે. 54 વર્ષીય દિનેશ મકવાણા છેલ્લા 37 વર્ષથી પાર્ટીમાં કાર્યરત છે. તેઓ હાલમાં નરોડામાં હરિદ્વાર સોસાયટીમાં વસવાટ કરે છે.

દિનેશભાઈ 1987 થી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છે. સૌપ્રથમ તેઓ નરોડા રોડ વોર્ડના અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ હતા. વર્ષ 1991થી 95 સુધી અસારવા મંડળ સમિતિના મંત્રી હતા. વર્ષ 1995 થી સતત 20 વર્ષ સુધી સૈજપુર બોઘા વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ 1998 થી 99 દરમિયાન એએમસી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ડેપ્યુટી ચેરમેન પણ બન્યા હતા. 1999થી 2000 સુધી એએમસી લીગલ કમિટીના ચેરમેન તરીકે ફરજ બજાવી હતી. વર્ષ 2000 થી 2003 સુધી સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય રહ્યા હતા. વર્ષ 2005 થી 2008 અને 2018 થી 2020 સુધી બે ટર્મ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર તરીકે ફરજ બજાવી હતી. તે ઉપરાંત વર્ષ 2013 થી 2021 સુધી કર્ણાવતી મહાનગર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ પદે પણ રહ્યા હતા. વર્ષ 2016 થી 2020 સુધી ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ સંચાલિત હિન્દુસ્તાન એન્ટિબાયોટિક્સ લિમિટેડ ના ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે નિમણૂક પામ્યા હતા. હાલમાં કર્ણાવતી મહાનગર ભાજપના પ્રવક્તા તરીકે ફરજ બજાવે છે.

શું છે અમદાવાદ પશ્ચિમ બેઠકનો રાજકીય ઇતિહાસ:

નવા સીમાંકન બાદ અમદાવાદ લોકસભા બેઠકનું બે બેઠકોમાં વિભાજન થયું. જેમાં અમદાવાદ પશ્ચિમ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત જાહેર થતાં ભાજપે ડૉ. કિરીટ સોલંકી 2009થી સળંગ 2019 સુધીની ત્રણ ચૂંટણીમાં પોતાના ઉમેદવાર તરીકે બેઠક પરથી ઉતાર્યા. વ્યવસાયે તબીબ ડૉ. કિરીટ સોલંકીએ 2009 થી 2019 સુધીની સતત ત્રણ લોકસભા ચૂંટણીઓ પૈકીની 2014 અને 2019ની ચૂંટણી ત્રણ લાખથી વધુ માર્જિન મતોથી જીતી છે. 2009ની ચૂંટણી ડૉ. કિરીટ સોલંકીએ 91,127 મતે જીતી હતી. આ ચૂંટણીમાં જોવું રહ્યું કે દિનેશ મકવાણા પાંચ લાખથી વધુ માર્જિનથી જીતે કે નહીં.

  1. Bharuch Lok Sabha Seat: ભરૂચ લોકસભા બેઠક પર વસાવા v/s વસાવાની ટક્કર, મનસુખ વસાવા સતત 7મી વાર ભાજપના ઉમેદવાર
  2. Gandhinagar Lok Sabha Seat: ગાંધીનગરથી અમિત શાહ બીજી વાર લડશે ચૂંટણી, મધ્યસ્થ કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી

ABOUT THE AUTHOR

...view details