પોરબંદરના રસ્તાઓમાં ખાડા, ક્યારેય પણ થઈ શકે છે મોટો અકસ્માત, તંત્ર નિંદ્રામાં
પોરબંદરઃ જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ છે. ખાસ કરીને દ્વારકાથી પોરબંદર આવતા રસ્તાઓમાં મસમોટા ખાડા પડી ગયા છે. પોરબંદરમાં બોખીરાથી જુબેલી પુલ સુધીના વિસ્તારમાં મસમોટા ખાડા પડી ગયા છે. આ ખાડાઓ એક મહિનાથી પણ વધુ સમયથી પડેલા છે. આ રસ્તા પરથી અનેક વાહનો પસાર થતાં હોય છે. જેમાં ક્યારેય પણ મોટો અકસ્માત થવાની શક્યતાઓ પણ રહેલી છે. પરંતુ તંત્ર જાણે કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેમ રિપેરીંગ કરવાનું તો દૂરની વાત પરંતુ આ રસ્તામાં ભરતી પણ કરવામાં આવી નથી. જ્યારે કોઈ મોટા રાજકીય વ્યક્તિ કે, કોઈ મોટા રાજકીય અધિકારીઓ આવવાના હોય ત્યારે રાતોરાત રોડ રિપેર થઈ જતા હોય છે. પરંતુ પ્રજા માટે શું! પ્રજાના જીવનની શું કિંમત! લાંબા સમયથી આ રસ્તાઓ રિપેર ન થતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે. આ રસ્તામાં તાત્કાલિક ભરતી કરી અને રસ્તો રિપેર કરવામાં આવે તેવી લોકોએ માગ કરી છે.