Ram lalla idol: રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિ પહોંચી, જય શ્રીરામના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર
Published : Jan 18, 2024, 12:31 PM IST
અયોધ્યાઃ ગુરૂવારની પ્રભાતે અયોધ્યામાં નવનિર્મિત ભગવાન શ્રીરામ મંદિરના ગર્ભગૃહમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને મંદિર સાથે સંકળાયેલા અનુયાયીઓ, પુજારીઓ, સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે રામ લલ્લાની મૂર્તિને ક્રેન દ્વારા ઉપાડીને ગર્ભ ગૃહમાં રાખવામા આવી રહી હતી, ત્યારે મંદિર પરિસરનું વાતાવરણ 'જય શ્રી રામ'ના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું. શ્રી રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા, જેઓ રામ મંદિર નિર્માણ કાર્ય પર ખુબ નજીકથી નજર રાખી રહ્યા છે, તેમણે જણાવ્યું હતું કે, ગુરુવારે ગર્ભગૃહમાં મૂર્તિ સ્થાપિત થવાની સંભાવના છે. મહત્વૂપર્ણ છે કે, મૈસુરના કલાકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલ, રામ લલ્લાની મૂર્તિ તેની ઉત્કૃષ્ટ કારીગરી માટે વખાણવામાં આવી રહી છે, જે ભક્તિ અને સૌંદર્ય શાસ્ત્રનું સંયુક્ત મિશ્રણ છે, આ મૂર્તિ ભગવાન રામના બાળ અવતારના દર્શન કરાવે છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના જણાવ્યા અનુસાર, ભગવાન શ્રીરામના હાથ ઘૂંટણ સુધી લંબાયેલા છે, આંખો કમળની પાંદડીઓ જેવી છે, અને તેમનો ચહેરો ચંદ્ર જેવો ચમકતો છે તેમજ મુખ પર એક શાંત સ્મિત છે, જે અંતર્ગત દૈવી શક્તિના દર્શન કરવાની મંત્રમુગ્ધ લાગે છે.