આઈસીસી વર્લ્ડ કપ 2023: ફાઈનલ મેચ અને રવિન્દ્ર જાડેજાના પર્ફોર્મન્સ વિશે કોચ મહેન્દ્ર સિંહ ચૌહાણનું મંતવ્ય

By ETV Bharat Gujarati Team

Published : Nov 18, 2023, 3:25 PM IST

Updated : Nov 18, 2023, 5:16 PM IST

thumbnail

જામનગરઃ આવતીકાલે ગુજરાતની ધરતી પર ક્રિકેટનો મહામુકાબલો થવાનો છે. ભારતીય ટીમ વર્લ્ડ કપથી હવે એક કદમ એટલે કે એક મેચ દૂર છે. ભારતીય ટીમના મહત્વના ખેલાડી રવિન્દ્ર જાડેજાના કોચ મહેન્દ્ર સિંહ ચૌહાણે આ મેચ અને જાડેજાના પર્ફોર્મન્સ વિશે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી છે. કોચ મહેન્દ્ર સિંહ જણાવે છે કે રવિન્દ્રમાં ક્રિકેટ માટે પહેલેથી જ ઉત્સુકતા અને ઉત્સાહ હતો. આ ઉત્સાહ મેદાનમાં પણ જોવા મળે છે. તે માસ્ટર કી સમાન છે. જ્યારે જ્યારે દેશને જરુર પડી છે ત્યારે રવિન્દ્ર્એ બેસ્ટ પર્ફોર્મન્સથી દેશને જીત અપાવી છે. જામનગરની ભૂમિ પરથી અનેક મહાન ક્રિકેટર્સ રમી ચૂક્યા છે. આ મહાન ક્રિકેટર્સે જામનગર અને ભારતનું નામ રોશન કર્યુ છે. રવિન્દ્ર જાડેજા પણ આ જ ગૌરવ દેશને અપાવી રહ્યો છે.

ઈટીવી ભારતઃ આવતીકાલની મેચમાં રવિન્દ્ર જાડેજાનું પર્ફોર્મન્સ કેવું રહેશે?

કોચ મહેન્દ્ર સિંહઃ રવિન્દ્ર બેસ્ટ પર્ફોર્મન્સ કરી રહ્યો છે અને આવતીકાલે પણ બેસ્ટ પર્ફોર્મન્સ કરશે જ. જ્યારે દેશને રવિન્દ્રની જરુર પડી છે ત્યારે તે દેશને ઉપયોગી થયો છે. આવતીકાલે પણ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ એમ જે ક્ષેત્રે જરુર હશે તે ક્ષેત્રે રવિન્દ્ર દેશને ઉપયોગી થશે. ક્રિકેટનું બીજુ નામ એટલે રવિન્દ્ર અને પર્ફોર્મન્સનું બીજુ નામ એટલે રવિન્દ્ર. 

ઈટીવી ભારતઃ આવતીકાલની મેચમાં રવિન્દ્ર માસ્ટર કી સાબિત થશે?

કોચ મહેન્દ્ર સિંહઃ 100 ટકા. તમે મને નહિ દરેક દેશના કોઈપણ ક્રિકેટરને પુછી જૂઓ રવિન્દ્ર માસ્ટર કી છે. જેમ તાળુ ના ખુલતું હોય તો કોક કહે કે માસ્ટર કી લાવો ઝડપથી તાળુ ખૂલી જાય. એ માસ્ટર કી એટલે રવિન્દ્ર જાડેજા. એ જ રીતે વાંદરી પાના જેવું. આપણે ઘણા પાના વાપરીએ છીએ પણ કામ થતું ન હોય તો વાંદરી પાનુ વાપરીએ અને તરત જ કામ થઈ જાય છે. તે જ રીતે ભારતને વર્લ્ડ કપ અપાવવામાં રવિન્દ્રએ જેટલી મહેનત કરી છે તેથી વધુ મહેનત 10 ગણી મહેનત તે આવતીકાલની મેચમાં કરશે. બધા જોશે તે સાબિત થઈ જશે કે તે ભારત દેશ માટે બહુ કામનો પ્લેયર છે.  

ઈટીવી ભારતઃ અજિત સિંહ પેવેલિયન એક ઐતિહાસિક પેવેલિયન છે. અહીંથી રણજિત સિંહ, વિનુ માંકડ,  સલીમ દુરાની અને હવે રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓ તૈયાર થયા છે આ વિશે આપ શું કહેશો?

કોચ મહેન્દ્ર સિંહઃ આ ધરતીની તો વાત ન કરો, આ પેવેલિયનની તો વાત ન કરો, ઈન્ડિયામાં ક્રિકેટ આવ્યું છે ઈંગ્લેન્ડ બાદ તો રણજિત સિંહ અહીં લાવ્યા છે. જે ક્રિકેટનું કાશી કહેવાય છે. આપણે ભગવાનને શોધવા કેમ કાશી જઈએ, હરિદ્વાર જઈએ તેમ જો આ ધરતીની માટી તમે માથે ચડાવો તો ક્રિકેટ આવડે જ. ન આવડે એવો પ્રશ્ન જ ન થાય. તમે ક્રિકેટર બની જ જાવ. આ ધરતી પર તો રવિન્દ્ર હજૂ પણ રમી રહ્યો છે. તેના પર ઈશ્વરની એટલી કૃપા છે.તે જે પર્ફોર્મન્સ કરે છે તેમાં તેણે કંઈ બાકી નથી રાખ્યું. વિશ્વના દિગગજ ક્રિકેટરો એમ કહેશે કે ક્રિકેટનું બીજુ નામ એટલે રવિન્દ્ર.

ઈટીવી ભારતઃ એક ટીમ ધોનીની ટીમ હતી અને એક ટીમ રોહિત શર્માની ટીમ છે, બંને વચ્ચે શું તફાવત છે ?

કોચ મહેન્દ્ર સિંહઃ ધોનીએ દેશને બધું જ અપાવ્યું છે. કપિલ દેવે ભારતને વર્લ્ડ કપ અપાવ્યો. ત્યારે વર્લ્ડ કપ ભારતને નહતો મળતો અને કપિલ દેવે અપાવ્યો. ત્યારબાદ ધોનીએ તો વર્લ્ડ કપ કેમ જીતી શકાય તે શીખવ્યું. તેણે કેટલા બધા વર્લ્ડ કપ ભારતને અપાવ્યા છે. યંગ ક્રિકેટર્સને કેવી રીતે ચાન્સ અપાય તે ધોનીએ શીખવ્યું. ધોનીએ પ્લેયર્સમાં ફાઈટિંગ સ્પિરિટ ઊભુ કર્યુ અને એક બેલેન્સ ટીમ આપી છે. રોહિત શર્માએ આ પરંપરાને જાળવી રાખી છે. ધોનીએ પ્લેયર્સને મજબૂત કરવા પ્રયત્નો કર્યા અત્યારે ટીમનો દરેક પ્લેયર મજબૂત છે. દરેક પ્લેયર દસ ગણી મહેનત કરે છે. તમે જૂઓ બોલિંગ હોય, બેટિંગ હોય કે ફિલ્ડિંગ હોય એમ દરેક ક્ષેત્ર ઈન્ડિયાનું આગળ છે, ઈન્ડિયાનું કોઈ ક્ષેત્ર નબળું રહ્યું નથી. દરેક દેશ કરતા દરેક ક્ષેત્રે ભારત 10 ગણું આગળ છે. આવું મેં મારી જિંદગીમાં જોયું નથી. જે પાછલા લોકોએ મહેનત કરી છે તે જૂઓ, દરેક દેશવાસીઓનો આત્મ વિશ્વાસ તમે જૂઓ. આજે ભારતને વર્લ્ડ કપ મળશે તેમાં કંઈ ખોટું નથી. બાકી ક્રિકેટનું તો એવું છે કે અશક્ય વસ્તુઓ શક્ય બનતી હોય છે. પણ હુ હજૂ ફરી કહું છું કે ભારતની ટીમ બીજા દેશો કરતા દસ ગણી આગળ છે. અમિતાભ બચ્ચન માટે એવું કહેવાય છે કે 1થી 10 નંબરે તે જ છે બાકીના અભિનેતા 11મા ક્રમથી શરુ થાય છે. ભવિષ્યમાં ઈન્ડિયાની ક્રિકેટ ટીમ માટે પણ એવું કહેવાશે કે 1થી 10મા ક્રમે ઈન્ડિયાની ટીમ છે ત્યારબાદ 11મા ક્રમથી બીજા દેશોની ટીમ આવશે. વર્લ્ડ કપ ભારતને ન મળે તેવી કોઈ શક્યતા જ નથી. બધા ખેલાડઓએ અપાર મહેનત કરી છે. આ મહેનત એળે થોડી જશે ??????

  1. વર્લ્ડ કપ 2023 ફાઇનલ મેચને લઈને અમદાવાદમાં VVIP નો જમાવડો, અમદાવાદ પોલીસ દ્વારા તૈયારીઓ પૂર્ણ
  2. વિશ્વ કપ 2023: ફાઈનલ મેચ માટે ફોરેન ક્રિકેટ ફેન્સે 5 લાખ ખર્ચ્યા, હોટલોના ભાડા આસમાને, 2000વાળી રુમના ભાવ 50,000
Last Updated : Nov 18, 2023, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.