ETV Bharat / state

Valsad News : કપરાડાના શિક્ષિત યુવકની કમાલ, મહિલાઓને મશરૂમની ખેતી શીખવી આવક બમણી કરાવી

author img

By

Published : Apr 14, 2023, 3:24 PM IST

Valsad News : કપરાડાના શિક્ષિત યુવકની કમાલ, મહિલાઓને મશરૂમની ખેતી શીખવી આવક બમણી કરાવી
Valsad News : કપરાડાના શિક્ષિત યુવકની કમાલ, મહિલાઓને મશરૂમની ખેતી શીખવી આવક બમણી કરાવી

કપરાડામાં એક શિક્ષિત યુવકે મહિલાઓને કમાતી કરી છે. શાકભાજીની ખેતી કરતી મહિલાઓને મશરુમની ખેતીમાં પળોટી સારી આવક મેળવતી કરાઇ છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મશરુમની ખેતીની તાલીમ લઇને ઉચ્ચશિક્ષિત યુવકે કરિશ્મા કરી દેખાડ્યો છે. જાણીએ વધુ વિગત.

20000નો ખર્ચ, 60000ની આવક

વલસાડ : કપરાડા તાલુકાના એક શિક્ષિત યુવકે 20થી વધુ મહિલાઓને મશરૂમની ખેતી તરફ વાળીને 20000 રૂપિયાનો અંદાજિત ખર્ચ કરી 60 હજાર રૂપિયા જેટલો નફો મેળવતા કર્યા છે. એટલે કે શાકભાજીની ખેતી કરતી મહિલાઓ હવે મશરૂમની ખેતી કરી રહી છે, જેનો સીધો ફાયદો તેઓને થઈ રહ્યો છે. કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં જ્યાં શાકભાજીની ખેતીમાં પણ ભારે મહેનત છે ત્યાં પહોંચી ઓછી મહેનતે મહિલાઓને મશરૂમની ખેતીમાં લગાવી ઉચ્ચ આવક મેળવતી કરી

દાખલ ગામે રહેતા શિક્ષિત યુવાને કરી કમાલ : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ ગામ એવા દાભખલમાં રહેતા મોહનભાઈ લક્ષ્મણભાઈ મહિલા જેવો એમ.એ બી.એડ અને એમ.એડ ની ડિગ્રી ધરાવે છે. તેમણે ખેતીમાં એક નવું રીવોલ્યુશન લાવવાની શરૂઆત કરી દીધી છે એટલે કે ગ્રામીણ કક્ષાએ ઓછી મહેનતે વધુ ફાયદો મળે તેવી ખેતી કરવા માટે મહિલાઓને પ્રેરિત કરી છે. તે માટે પ્રથમ તેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરી મશરૂમની ખેતી કરવાની તાલીમ પણ લીધી છે.

20 થી 25 જેટલી મહિલાઓને શીખવી મશરુમની ખેતી : સામાન્ય રીતે કપરાડા તાલુકામાં ઉનાળાના સમયમાં પાણીની સમસ્યા વકરે છે. આવા સમયમાં ઓછા પાણીમાં ખેતી કરવી ખૂબ મુશ્કેલીભર્યું કાર્ય છે. ત્યારે ઓછી મહેનતે અને ઓછા પાણીએ કંઈક એવી ખેતી કરવી કે જેનાથી વળતર પણ વધુ પ્રમાણમાં મળી રહે આવા ઉમદા હેતુને લઇને મોહનભાઈ મહાલાએ મશરૂમની ખેતી કરવાનું વિચાર કર્યો અને મશરૂમ કેવી રીતે ઉત્પાદન કરી શકાય તે માટેની તમામ માહિતીઓ મેળવવાની શરૂ કરી. જે બાદ તેમણે અંભેટી ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક સાધ્યો હતો.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટીમાં પાકલક્ષી સેમિનાર : અંબેટી ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં મશરૂમની તાલીમ આપવામાં આવે છે જે અંતર્ગત મોહનભાઈએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પ્રોગ્રામ આસિસ્ટન્ટ પ્રેમીપબેન આહીર પાસેથી કેવી રીતે મશરૂમની ખેતી કરી શકાય તે અંગેની તાલીમ મેળવી.તે બાદ તેમણે પોતાના ગામમાં 20 થી 25 બહેનોનું જૂથ બનાવી તેમને પણ મશરૂમ અંગેની તાલીમ આપી હતી. જે બાદ તેમણે પ્રથમ નાનકડા પાયે મશરૂમની ખેતી કરવાનું શરૂ કર્યું હતું જેમાં સામાન્ય રીતે 20,000 રૂપિયાના ખર્ચ કર્યો હતો. જેની સામે માત્ર 20 દિવસમાં મશરૂમનું ઉત્પાદન શરૂ થયું હતું અને 200 રૂપિયા કિલો મશરૂમનું વેચાણ થયું હતું.

આ પણ વાંચો આ મશરુમ એવા જેની કિંમત છે 1.50 લાખ રૂપિયા પ્રતિ કિલો, વૈજ્ઞાનિકોએ ઉગાડ્યાં

મશરૂમ એ પ્રોટીનનો સ્ત્રોત છે : ફૂગ પ્રજાતિમાંથી આવતું મશરૂમ એ પ્રોટીનનો મોટો સ્ત્રોત માનવામાં આવે છે. પ્રોટીનની જરૂરિયાતવાળા લોકોને ડોક્ટરો મશરૂમનો ઉપયોગ ખોરાકમાં કરવા માટે જણાવે છે જેથી તેની માંગ ઊંચી છે. સાથે જ આજ વર્તમાન સમયમાં જંક ફૂડમાં બહોળા પ્રમાણમાં મશરૂમનો ઉપયોગ થાય છે જેથી રેસ્ટોરન્ટમાં તેની ઊંચી માંગ હોય છે. જોકે વલસાડ જિલ્લામાં ઉત્પાદન કરવામાં આવતું મશરૂમ ઓઇસ્ટર મશરૂમ કહેવાય છે જે આસાનીથી પ્રાપ્ત થઈ શકે છે.

મશરૂમની ખેતી માટે ડાંગરનું પરાળ ઉપયોગમાં લેવાય : સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં મોટાભાગે ડાંગરની ખેતી થતી હોય છે અને ડાંગરની પરાળનો ઉપયોગ ઓઇસ્ટર મશરૂમના ઉત્પાદન માટે સિલિન્ડર બનાવવા થાય છે. પ્લાસ્ટિકની થેલીમાં ડાંગરનું પરાળ પલાળીને સૂકું કર્યા બાદ પ્લાસ્ટિકની થેલીમાં ભરી એક સિલિન્ડર બનાવવામાં આવે છે. તેમાં પરાળના લેયર બનાવ્યા બાદ તેની અંદર મશરૂમના બીજ રોપવામાં આવે છે અને આ સિલિન્ડરને ભેજવાળી જગ્યા ઉપર રાખવામાં આવે છે એટલે કે તેનું તાપમાન યોગ્ય રીતે જળવાઈ રહેવું જોઈએ. જેથી કરીને ભેજવાળી જગ્યામાં મશરૂમનું ઉત્પાદન બહોળા પ્રમાણમાં થતું હોય છે.

પીયત માટે ડ્રીપ એરીગેશન પદ્ધતિનો ઉપયોગ : એક તરફ જ્યાં પાણીની તંગી જ વર્તાતી હોય એવા સમયમાં પાણી ખૂબ ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય તે માટે મશરૂમની ખેતી માટે 80 થી 85 ટકા ભેજ જાળવી રાખવા પાણીનો છંટકાવ જરૂરી છે. જ્યારે મશરૂમ ખેતી માટે તાપમાન ખૂબ મહત્વનું છે જે માટે 27 સે.થી 28 ડીગ્રી જેટલું તપમાન જાળવી રાખવું પડે છે. સિલિન્ડરમાં પાણી જાય તે માટે લટકાવેલા સિલિન્ડરમાં ડ્રીપ ઇરીગેશન પદ્ધતિથી પાણી મૂકવામાં આવે છે જેથી કરીને ભેજ જળવાઈ રહે અને સમયાંતરે પાણી પહોંચતું કરી શકાય.

આ પણ વાંચો બનાસકાંઠાના ઈકબાલગઢ ગામે મહિલાએ બટર મશરૂમની ખેતી દ્વારા લાખોની કમાણી કરી

20 મહિલાઓ મશરૂમની ખેતી કરી : દાભખલ ગામના યુવાન મોહનભાઈ મહાલા દ્વારા ગામની 20 જેટલી મહિલાઓને પગભર કરવા માટે મશરૂમની ખેતી કરાવતા થયા છે અને હાલ આ મહિલાઓ મશરૂમની ખેતી કરીને અઢળક કમાણી કરી રહી છે. માત્ર 20,000 નો ખર્ચ કરી તેની સામે 60000 રૂપિયા નફો મેળવી રહી છે. માત્ર 45 દિવસના સમયાંતરે મશરૂમનું ઉત્પાદન શરૂ થઈ જતું હોય છે અને માત્ર એકવાર નહીં પરંતુ એક સિલિન્ડરમાં ત્રણથી ચાર વાર તેનો ઉત્પાદન જોવા મળે છે એટલે કે સીધો ડબલ ફાયદો મળી રહેતો હોય છે.

લોકો ઘર બેઠા ખરીદી કરવા માટે આવે છે : જેમ જેમ લોકોને જાણ થાય તેમ તેમ લોકો ઘર બેઠા ખરીદી કરવા માટે આવતા હોય છે. જો ઓઇસ્ટર મશરૂમ ન વેચાય તો અઠવાડિયામાં એક દિવસ ભરાતા હાટ બજારમાં વેચાણ અર્થે મહિલાઓ પહોંચી જાય છે અને હાલ ₹200 કિલોની કિંમતએ મશરૂમનું વેચાણ થાય છે. આમ કપરાડા તાલુકાની મહિલાઓ શાકભાજી અને અન્ય ખેતી છોડી હાલ આધુનિક પદ્ધતિ દ્વારા મશરૂમની ખેતી તરફ વળી અઢળક કમાણી કરતી થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.