Valsad Crime : સુરત પલસાણાના કોન્સ્ટેબલ વતી વચેટીયો તગડી રકમની લાંચ લેવા આવ્યો, વલસાડમાં એસીબીએ ઝડપી લીધો

author img

By

Published : Mar 6, 2023, 6:11 PM IST

Valsad Crime : સુરત પલસાણાના કોન્સ્ટેબલ વતી વચેટીયો તગડી રકમની લાંચ લેવા આવ્યો, વલસાડમાં એસીબીએ ઝડપી લીધો
Valsad Crime : સુરત પલસાણાના કોન્સ્ટેબલ વતી વચેટીયો તગડી રકમની લાંચ લેવા આવ્યો, વલસાડમાં એસીબીએ ઝડપી લીધો ()

વલસાડ એસીબીની ટ્રેપમાં વચેટીયો આવી ગયો છે. સુરત પલસાણાના કોન્સ્ટેબલ વતી લાંચની રકમનો હપ્તો લેવા આવેલ વચેટીયો રાજુ તિવારીને લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડ્યો હતો. લાંચની માંગણી કરનાર પોલીસ કોન્સ્ટેબલ સ્થળ પર હાજર ન હોઇ તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ એસીબીની ટ્રેપમાં વચેટીયો આવી ગયો છે

વલસાડ : વલસાડ ACBની ટીમે એક ધરમપુર ચોકડી ખાતે ટ્રેપ ગોઠવી એક આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીને પલસાણાના પોલીસ કોન્સ્ટેબલે તેમના વતી દારૂની હેરાફેરીના 90 હજાર પૈકી બાકી નીકળતા 60 હજારની રકમ લેવા મોકલ્યો હતો. જે રકમ સ્વીકારતા એસીબીની ટીમે દબોચી લીધો હતો. જ્યારે લાંચની માંગણી કરનાર પોલીસ કોન્સ્ટેબલને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

દારૂની હેરાફેરી માટે એક પેટી દીઠ 1000 રૂપિયા વ્યવહારના માંગ્યા : આ અંગે વલસાડ ACB એ આપેલી વિગતો મુજબ એક ફરિયાદીએ ACB માં ફરિયાદ કરી હતી કે, સુરત ગ્રામ્યના પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વર્ગ 3ના પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ચુડાસમાએ ફરિયાદીને મળી જણાવેલ કે, દારૂની લાઇન ચાલુ કરવાની હોય તો કહેજો, 1000 રૂપિયા પેટી દીઠ વ્યવહારના આપવા પડશે. જે બાદ પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદીને 12 પેટી દારૂ અપાવ્યો હતો. જે દારૂ અપાવવાના અને પહોંચાડવાના વ્યવહાર પેટે 90 હજાર માંગણી કરી હતી. વ્યવહાર પેટે 90 હજારની માંગ કરતા 30 હજાર મોબાઈલથી 30 હજાર આપ્યા.જે પૈકી ફરીયાદીએ મોબાઈલ પે મારફતે 30 હજાર આપ્યા હતાં. બાકીના 60 હજાર રૂપિયા બાકી હતાં. જે માટે પોલીસ કોન્સ્ટેબલ ભગીરથે ફરિયાદીને ફોન કરી પલસાણા બોલાવ્યો હતો.

આ પણ વાંચો Vadodara Crime : ACB એ છટકું ગોઠવી જુનિયર ક્લાર્કને લાંચ લેતા ઝડપ્યો

પૈસા ન મળતા ફરિયાદીના મિત્રની ક્રેટા કાર કબ્જે લઈ લીધી : દારૂના હેરાફેરીમાં 1 પેટી દીઠ માંગેલી રકમ 90 હજાર પૈકી ફરિયાદીએ 30 હજાર આપ્યા ઉપરાંત પણ 60 હજાર ન આપતા કોન્સ્ટેબલે મળવા બોલાવી ફરિયાદી સાથે આવેલા ઇસમની કાર લઈ લીધી હતી. ફરિયાદી તેમના મિત્ર યુવરાજસિંહની ક્રેટા કારમાં ભગીરથને મળ્યો હતો. જે દરમ્યાન લાંચિયા કોન્સ્ટેબલે ફરિયાદીની કાર પોતાના કબ્જામાં લઈ લીધી હતી. અને 60 હજાર આપશે ત્યારે કાર મળશે તેવું જણાવ્યું હતું.

ફરિયાદીએ એસીબીનો કર્યો સંપર્ક : જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા ટ્રેપિંગ અધિકારી ડી.એમ.વસાવા, પોલીસ ઇન્સપેકટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. વલસાડ તથા મદદમાં PI કે.આર. સક્સેના સહિતના ACB સ્ટાફે આર. આર. ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરતના માર્ગદર્શનમાં ટ્રેપ ગોઠવી હતી.

આ પણ વાંચો નારણપુરા પોલીસ સ્ટેશનનો લાંચિયો ASI 25000ની લાંચ લેતા ઝડપાયો, ACBએ ભણાવ્યો પાઠ

કોન્સ્ટેબલે પોતાના મળતીયાને મોકલ્યો : લાંચની રકમ લેવા ધરમપુર ચોકડી, બી.જી.પોઇન્ટ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ, બાલાજી સાઉથ ઇન્ડીયન રેસ્ટોરન્ટમાં ગોઠવેલ આ ટ્રેપ દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ ભગીરથના કહેવાથી 60 હજાર રૂપિયા લેવા આવેલા કોન્સ્ટેબલના મળતીયા હાર્દિક રાજુ તિવારીને લાંચ ની રકમ સ્વીકારતા ઝડપી પાડ્યો હતો. લાંચની માંગણી કરનાર પોલીસ કોન્સ્ટેબલ સ્થળ પર હાજર ન હોઇ તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

કોન્સ્ટેબલના બદલે લાંચ સ્વીકારવા ગયેલ યુવક વલસાડ હાઉસિંગમાં રહે છે : ઉલ્લેખનીય છે કે ACB એ ઝડપેલ હાર્દિક તિવારી વલસાડના તીથલ રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ સોસાયટીમાં રહે છે અને વેપારધંધો કરે છે. જ્યારે લાંચ કેસમાં વોન્ટેડ જાહેર કરેલ પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ચુડાસમા પલસાણા પો.સ્ટે. જિ. સુરત ગ્રામ્યમાં ફરજ બજાવે છે.

ટૂંક સમયમાં જ મુખ્ય આરોપીને ઝડપી લેવાશે : વલસાડ ડાંગના પી આઈ કે આર સકસેેનાના એ જણાવ્યું કે એસીબી ટ્રેપમાં કોન્સ્ટેબલે મળતીયાને લાંચના રૂપિયા લેવા માટે મોકલ્યો હતો અને તે વલસાડ ગુંદલાવ ખાતે પકડી લેવાયો છે. જ્યારે મુખ્ય આરોપીની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. કોન્સ્ટેબલ દારૂની લાઈન કરી આપી એક પેટી દીઠ નાણાં લેતો હતો. આમ હાલ તો એસીબીએ પલસાણાના કોન્સ્ટેબલ વતી લાંચ લેવા આવેલ વ્યક્તિને ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.