ETV Bharat / state

વલસાડઃ વાઈટલ કંપનીમાં લાગેલી ભીષણ આગનું કારણ જાણવા ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ હાથ ધરી

author img

By

Published : Jan 5, 2021, 3:38 PM IST

Updated : Jan 5, 2021, 4:28 PM IST

વાઈટલ કંપનીમાં લાગેલી ભીષણ આગનું કારણ જાણવા ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ હાથ ધરી
વાઈટલ કંપનીમાં લાગેલી ભીષણ આગનું કારણ જાણવા ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ હાથ ધરી

વાપી GIDCના 3rd ફેઈઝમાં આવેલા વાઈટલ લેબોરેટરીઝ કંપનીના યુનિટ 1 માં રવિવારે ભીષણ આગ લાગી હતી, જેમાં એક કામદારને સામાન્ય ઇજા પહોંચી હતી. જ્યારે કંપનીમાં કરોડોનું નુકસાન થયું છે. ત્યારે, આગના કારણ અંગે વલસાડ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તારણ મુજબ કંપનીમાં મોટાપાયે સોલ્વન્ટનો જથ્થો હતો, જેની રિકવરી દરમિયાન તાપમાન નહી જળવાતા ભીષણ આગની ઘટના બની હતી.

  • વાઈટલ કંપનીમાં લાગેલી ભીષણ આગની તપાસ શરૂ
  • આગની ઘટનામાં એક કર્મચારીને સામાન્ય ઇજા થઈ હતી
  • DISH, GPCBએ વધુ તપાસ હાથ ધરી

વલસાડઃ જિલ્લાના વાપી GIDCમાં આવેલા વાઈટલ લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રવિવારે ભીષણ આગ લાગી હતી. કંપનીના યુનીટ-1 પ્લાન્ટમાં સોલ્વન્ટની રિકવરી દરમિયાન તાપમાન નહી જળવાતા ફ્લેશ ફાયર બાદ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ વલસાડ જિલ્લા ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગે આપ્યું છે. કંપનીમાં આગને કારણે કરોડોનું નુકસાન થયું છે. જ્યારે એક કર્મચારીને સામાન્ય ઇજાઓ પહોંચી છે. જોકે, આગની ઘટનામાં કંપનીની અનેક બેદરકારી સામે આવી છે. જે અંગે તંત્રએ તપાસ હાથ ધરી છે.

વાઈટલ કંપની
વાઈટલ કંપની

સોલ્વન્ટનું તાપમાન નહી જળવાતા લાગી હતી આગ

વાપી GIDCના 3rd ફેઇઝમાં ફાર્મા ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટનું ઉત્પાદન કરતી વાઈટલ લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રવિવારે સાડા ચાર વાગ્યા આસપાસ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જે અંગે વલસાડ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના ડેપ્યુટી ડાયરેકટર ડી. કે. વસાવાએ વિગતો આપી હતી કે, આગની ઘટનાની બની ત્યારે વાપી ઇમર્જન્સી કન્ટ્રોલ સેન્ટર તરફથી જાણકારી મળી હતી. જે સાથે જ તાત્કાલિક વાપી નોટિફાઇડ, વાપી નગરપાલિકા, વેલસ્પન, આલોક, હુબર, બાયર, અતુલ, આરતી અને યુપીએલના ફાયર ટેન્ડરને સૂચના આપી સ્થળ પર પહોંચવા જણાવ્યું હતું અને તેઓ પણ તાત્કાલિક વાઈટલ કંપનીમાં પહોંચ્યા હતા. જ્યાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, સોલ્વેન્ટ રિકવરી દરમિયાન તાપમાન કંટ્રોલ નહી થતા સોલ્વેન્ટ બહાર આવી ગયું હતું અને ફ્લેશ ફાયર થયું હતું.

વાઈટલ કંપની
વાઈટલ કંપની

આગના કારણે ગભરાટનો માહોલ

સોલ્વન્ટને કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગને બુઝાવવા માટે ફાયર વિભાગ દ્વારા ફોમ અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. તેમ છતાં આગ બુઝાવાને બદલે સતત વધતી રહી હતી અને કંપનીમાં રહેલા બોઈલરમાં ધડાકા થતા રહ્યા હતા. જેના કારણે આસપાસના વિસ્તારમાં આવેલી અન્ય કંપનીના ઉદ્યોગકારોમાં અને રહેણાક વિસ્તારમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો.

વાઈટલ કંપની
વાઈટલ કંપની

આગમાં કરોડોનું નુકસાન, એક કર્મચારી થયો હતો ઘાયલ

કંપનીની લાગેલી આગને કારણે કંપનીને કરોડોનું નુકસાન થયું છે. પરંતુ જાનહાનિ ટળી છે. પરવેશ મંડલ નામના એક ઓપરેટરને આગની ઘટના દરમિયાન ભાગવા જતા સામાન્ય ઈજાઓ પહોંચી છે. આગની ઘટના બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પર્યાવરણને નુકશાન કરવા બદલ કંપનીને નોટિસ ફટકારી છે. જ્યારે વલસાડ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા આગનું ચોક્કસ કારણ જાણવા કંપનીના પ્લાન્ટમાં કામ કરતા કામદારો પાસેથી જાણકારી મેળવી, તેમજ FSL તરફથી એકત્ર કરેલા નમૂનાનો રિપોર્ટ મેળવી, કંપનીમાં ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થયું છે કે, કેમ તે અંગે ઈલેક્ટ્રીક ડિપાર્ટમેન્ટનો અભિપ્રાય મેળવી આગળની કાર્યવાહી હાથ ધરાશે. પ્રાથમિક તબક્કે સોલ્વેન્ટ રિકવરી દરમિયાન આગ લાગી હોવાનું માની તપાસ હાથ ધરાઇ છે.

વાઈટલ કંપની
વાઈટલ કંપની

સંચાલકોની બેદરકારી સામે આવી

આગની ઘટના બાદ બીજા દિવસે પણ કંપનીમાં જઈ નુકસાનીનો અંદાજ મેળવવો અશક્ય બન્યો હતો. જેને કારણે સંચાલકો તરફથી ચોક્કસ નુક્સાનીનો આંક જાહેર કરાયો નથી. આગની ઘટના દરમિયાન કંપની સંચાલકોની બેદરકારી પણ બહાર આવી હતી. કંપની સંચાલકોએ કંપનીમાં ફાયર ટેન્ડર જઈ શકે તે પ્રકારની ખુલ્લી જગ્યા છોડી ના હોય આગને બુઝાવવામાં ફાયર વિભાગને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જે અંગે નવી ફાયર NOC પ્રમાણે જે રિપોર્ટ આવશે એ આધારે કંપની સામે કાર્યવાહી થઈ શકે છે.

નવેમ્બર માસમાં યુનિટ 2 માં આગ લાગતા 7 કામદારો દાઝ્યા હતા

ઉલ્લેખનીય છે કે, મોટા ઔદ્યોગિક એકમોમાં લાગતી આગમાં જો તપાસ દરમિયાન કંપનીના સંચાલક અથવા મેનેજરની બેદરકારી સામે આવે તો કારખાના ધારા 1948 હેઠળ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવે છે. જેમાં એક લાખ રૂપિયાનો દંડ અથવા સજા અથવા સજા અને દંડ બંનેની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. નવેમ્બર 2020માં પણ વાઈટલ કંપનીના યુનિટ નંબર 2માં સ્ટેટિક ચાર્જના કારણે આગની ઘટના ઘટી હતી. જેમાં 7 કર્મચારીઓ દાઝી ગયા હતા. જેમાંથી સારવાર દરમિયાન 1નું મૃત્યુ નીપજ્યું હતું.

વાઈટલ કંપનીમાં લાગેલી ભીષણ આગનું કારણ જાણવા ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ હાથ ધરી
Last Updated :Jan 5, 2021, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.