વલસાડ: સરીગામ GIDCની સર્વાઈવલ ટેક્નોલોજીઝમાં બ્લાસ્ટ, 1નું મોત, 2 કામદારો સાંભળવાની શક્તિ ગુમાવી બેઠા

author img

By

Published : Aug 30, 2021, 7:12 PM IST

સરીગામ GIDCની સર્વાઈવલ ટેક્નોલોજીઝમાં બ્લાસ્ટ

વલસાડ જિલ્લાના સરીગામ GIDCમાં આવેલી સર્વાઇવલ ટેક્નોલોજીઝ પ્રા. લિમિટેડ નામની કંપનીમાં સોમવારે બપોરે 12:11 વાગ્યે રિએક્ટરમાં બ્લાસ્ટ થતા 1 કામદારનું મોત થયું છે. જ્યારે બ્લાસ્ટના જોરદાર અવાજથી 2 કામદારો સાંભળવાની શક્તિ ગુમાવી બેઠા છે. ઘટના બાદ ફાયરબ્રિગેડ, પોલીસ અને GPCB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

  • સર્વાઇવલ કંપનીમાં બ્લાસ્ટ
  • બ્લાસ્ટમાં 1 કામદારનું મોત
  • ફાયર, GPCBએ તપાસ હાથ ધરી

વાપી : સરીગામ GIDCમાં આવેલ સર્વાઇવલ ટેક્નોલોજીઝ કંપનીમાં રીએક્ટરમાં બ્લાસ્ટ થતા 1 કામદારનું મોત અને 2 કામદારો શ્રવણશક્તિ ગુમાવી બેઠા છે. બ્લાસ્ટનો અવાજ એટલો મોટો હતો કે, આસપાસના અડધો કિલોમીટર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. જ્યારે બ્લાસ્ટના કારણે કંપનીમાં પણ મોટાપાયે નુકસાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે.

સરીગામ GIDCની સર્વાઈવલ ટેક્નોલોજીઝમાં બ્લાસ્ટ

બ્લાસ્ટનો અવાજ અડધો કિલોમીટર સુધી સંભળાયો

રિએક્ટરમાં બ્લાસ્ટની ઘટના બાદ સરીગામ ફાયરબ્રિગેડ, ભિલાડ પોલીસ, કંપનીના સંચાલક અને GPCBની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ અંગેની માહિતી આપતા સરીગામ ફાયરબ્રિગેડના ફાયર ઓફિસર સનત સોનીએ જણાવ્યું હતું કે, સર્વાઇવલ કંપનીમાં સોમવારે 12:11 વાગ્યે કંપનીના પ્લાન્ટમાં આવેલ રિએક્ટરમાં આ બ્લાસ્ટ થયો હતો. જેમાં મૂળ સતના જિલ્લાના અનુરાગ સિંહ નામક કામદારનું મોત થયું છે. બ્લાસ્ટમાં તેના શરીરના ચીંથડા ઉડીને ઉંચાઈ પર લટકી ગયા હોવાનું જોવા મળ્યું હતું. જ્યારે અન્ય 2 કામદારો જયરામ અને સુખરામ બ્લાસ્ટના ધડાકાના કારણે પોતાની સાંભળવાની શક્તિ ખોઈ બેઠા છે.

બે કામદારો સાંભળવાની શક્તિ ગુમાવી બેઠા

પ્રાથમિક તપાસમાં મળેલી વિગતો મુજબ, સવારે કંપનીમાં જે પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો તેમાં 4 કામદારો કામ કરી રહ્યા હતા. જેમાં 1 કામદાર બહાર ગયો હતો. જ્યારે 3 કામદારો પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતાં. ત્યારે રિએક્ટરમાં તાપમાન ન જળવતા અચાનક બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટની નજીકમાં કામ કરતા અનુરાગ સિંહ નામના કામદારનું મોત થયું છે. 2 કામદારો સાંભળવાની શક્તિ ગુમાવી બેઠા છે. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઇ છે.

વલસાડ: સરીગામ GIDCની સર્વાઈવલ ટેક્નોલોજીઝમાં બ્લાસ્ટ
વલસાડ: સરીગામ GIDCની સર્વાઈવલ ટેક્નોલોજીઝમાં બ્લાસ્ટ

અગાઉ પણ કંપનીમાં કામદારો ઈજાગ્રસ્ત થઈ ચૂક્યાં છે

ઉલ્લેખનીય છે કે, સર્વાઇવલ કંપનીમાં દવાની ટેબ્લેટ્સ બને છે અને આ કંપનીમાં આ પહેલા પણ આવી ઘટના બની ચૂકી છે. આ ઉપરાંત ગત વર્ષે આ જ કંપનીમાં કેમિકલને કંપની પરિસરમાં જ ખાડા ખોદી દાટી દેવા સહિત પર્યાવરણને નુક્સાન પહોંચાડવા બદલ GPCBએ લાખોનો દંડ કર્યો હતો. જ્યારે ફરી એકવાર કંપનીમાં આ ઘટના ઘટતા આસપાસના લોકોમાં પણ આક્રોશ ફેલાયો છે.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.