ETV Bharat / state

હોસ્પિટલના પરિસરમાં ઇલેક્ટ્રિક તાર તૂટી પડતા પિતા-પુત્ર દાઝયા

author img

By

Published : Mar 31, 2021, 7:29 PM IST

ઈલેક્ટ્રીક વીજતાર તૂટી પડતાં પિતા-પુત્ર દાઝી ગયા
ઈલેક્ટ્રીક વીજતાર તૂટી પડતાં પિતા-પુત્ર દાઝી ગયા

ધરમપુર સિવિલ હોસ્પિટલમાં સ્વજનની ખબર અંતર પૂછવા આવેલા પિતા-પુત્ર પરિસરમાં બેન્ચ ઉપર બેઠા હતા, ત્યારે દીવાલની પાછળના ભાગે આવેલા ઇલેક્ટ્રિક વીજ વાયર પડતા પિતા અને 7 વર્ષીય પુત્ર કરંટ લાગતા દાઝી ગયા હતા. જોકે ઘટના બનતા થયેલી બુમાબુમમાં સિક્યુરિટી ગાર્ડે પિતા-પુત્રને લાકડી વડે ઇલેક્ટ્રિક તાર હિંમત ભેર દૂર કરી બન્નેની જિંદગી બચાવી લીધી હતી. જે બાદ બન્નેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

  • ધરમપુર સ્ટેટ હોસ્પિટલના પરિસરમાં બની ઘટના
  • ઈલેક્ટ્રીક વીજતાર તૂટી પડતાં પિતા-પુત્ર દાઝી ગયા
  • સિક્યુરિટી ગાર્ડની સતર્કતાને કારણે પિતા-પુત્ર બન્નેના જીવ બચ્યા

વલસાડ: તાલુકાના સારંગપુર ગામે રહેતા રણજીતભાઈ ચંદુભાઈ પટેલ તેમની પત્નીની બહેનનું ઓપરેશન ધરમપુર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હોવાથી તેની ખબર-અંતર કાઢવા માટે પોતાના પુત્ર 7 વર્ષીય બાળકને સાથે લઈ હોસ્પિટલમાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં કેટલાક કારણોસર તેમને બહાર બેસવાનું કહેવામાં આવતા પિતા-પુત્ર બન્ને હોસ્પિટલની બહાર ગેટની સામે મૂકવામાં આવેલા સિમેન્ટના બાંકડા ઉપર બેઠા હતા અને તેવા સમયે અચાનક દીવાલની પાછળ આવેલા ઇલેક્ટ્રિકના થાંભલા ઉપરથી એક જીવંત વીજતાર તૂટી પડ્યો અને સીધો રણજીતભાઈના પગના પાછળના ભાગે ચોંટી જતા પિતા-પુત્ર બન્નેને કરંટ લાગ્યો હતો. અચાનક બનેલી ઘટનાને પગલે બૂમાબૂમ થઈ હતી.

ધરમપુર સ્ટેટ હોસ્પિટલના પરિસરમાં બની ઘટના

આ પણ વાંચો: સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે અચાનક જ છતનું પોપડું પડ્યું

સિક્યુરિટી ગાર્ડે જીવંત વીજતાર લાકડી વડે દૂર કરતા બન્નેના જીવ બચ્યા

અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકોએ બૂમાબૂમ કરતા સ્થળ ઉપર પોતાની ફરજ બજાવી રહેલા સિક્યુરિટી ગાર્ડ દિલીપભાઈ હાથમાં લાકડી સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને પિતા પુત્રને કરંટ લાગેલો જોઈ ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર લાકડી વડે શરીર સાથે ચોંટેલો જીવંત વીજતાર દૂર કર્યો હતો અને બાળકને એક બાજુ ખસેડી દીધું હતું. જેને લઇને પ્રથમ બાળક બચ્યું અને તે બાદ તેના પિતા રણજીતભાઈના શરીરે લાગેલો તાર દૂર કર્યા બાદ તેનો પણ જીવ બચી ગયો હતો. જો કે ઘટના બનતા રણજીતભાઈ બેહોશ થઈ ગયા હતા.

સિવિલ હોસ્પિટલના ગેટની સામે દીવાલને અડીને ઈલેક્ટ્રીકના વીજપોલ આવેલા છે

સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓએ મૌખિક રીતે જણાવ્યું કે, આ અગાઉ પણ આવી અનેક વાર ઘટનાઓ બની છે અને તેને અનુલક્ષીને હોસ્પિટલમાં ગેટની સામે મૂકવામાં આવેલા ઈલેક્ટ્રીક પોલને આ સ્થળ ઉપરથી અન્ય સ્થળ ઉપર ખસેડી લેવા રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ વીજ કંપની દ્વારા આ બન્ને વીજપોલની બાજુમાં નાખવામાં આવેલા તાણીયા બાંધવામાં આવ્યા ન હતા અને જેના કારણે જ આ ઘટના બની છે.

આ પણ વાંચો: વડોદરાની વિજય વલ્લભ હોસ્પિટલમાં લાગી આગ, કોઇ જાનહાનિ નહીં

પિતા-પુત્ર બન્ને હાથ-પગ અને શરીરના ભાગે દાઝી ગયા છે

સ્ટેટ હોસ્પિટલના પરિસરમાં બનેલી વીજકરંટથી ઘટનાને લઇને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જોકે આ ઘટનામાં પિતા અને પુત્ર બન્ને દાઝી ગયા છે. 7 વર્ષીય બાળકને ડાબા હાથની આંગળીઓ અને બન્ને પગની આંગળીઓમાં ઈજાઓ પહોંચી છે. જ્યારે પિતા રણજીતભાઈને છાતીના ભાગે તેમજ કમરના ભાગે કરંટ લાગતા દાઝી ગયા છે. આ પિતા-પુત્ર બન્ને હાલ સારવાર હેઠળ છે.

વીજ કંપનીની બેદરકારીને કારણે આ ઘટના ઘટી

આમ, સમગ્ર ઘટનામાં સિક્યુરિટી ગાર્ડ દિલીપભાઈની સતર્કતાને કારણે પિતા-પુત્ર બન્નેનો જીવ બચી ગયો છે. જોકે આ ઘટનામાં બન્ને દાઝી ગયા છે. હાલ બન્ને સારવાર હેઠળ છે. નોંધનીય છે કે વીજ કંપનીની બેદરકારીને કારણે આ ઘટના બની હોવાનું સ્થળ ઉપરના ઉપસ્થિત લોકો જણાવી રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.