ETV Bharat / state

ધરમપુરના ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંગે માહિતગાર કરાયા

author img

By

Published : Aug 22, 2020, 9:21 AM IST

mukhyamantri kisan sahay yojana
વલસાડ

સમગ્ર ગુજરાતમાં ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઇને ગુજરાત સરકાર દ્વારા આ વખતે મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાની વિસ્તૃત જાણકારી આપવા માટે એક વિશેષ કાર્યક્રમ ધરમપુર તાલુકા મથક નગરપાલિકા હોલ ખાતે અને આદિજાતિ વિકાસ પ્રધાન રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં યોજાયો હતો.

વલસાડ: ધરમપુર નગરપાલિકાના હોલ ખાતે આયોજિત મુખ્યમંત્રી કિસાન યોજના સહાય યોજના અંગેની માહિતી આપનારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા આદિજાતિ વિકાસ પ્રધાન રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂત કલ્યાણના અનેક પગલાં ઉઠાવી રહી છે અને ખેડૂતોની પડખે રહી છે. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ફાળવવામાં આવેલા બજેટથી આદિજાતિઓમાં સર્વાંગી વિકાસ થયો છે. તેવી સુવિધા ગામડાઓમાં પણ કરવામાં આવી છે. ખેડૂતોના પાકનું યોગ્ય વળતર મળી રહે તે માટે ટેકાના ભાવ જાહેર કર્યા છે.

રાજ્યના વિકાસમાં ખેતી અને ખેડૂતોનો બહુમૂલ્ય ફાળો રહેલો છે. ખેતીની ખરીફ સીઝનમાં ખેડૂતોને ખેતી પાકોમાં અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિના પ્રસંગો વાદળ ફાટવું, સતત ભારે વરસાદ અને કમોસમી વરસાદ જેવા આકસ્મિક અને કુદરતી જોખમનો સામનો કરવો પડે છે. આ પ્રકારની કુદરતી સંપત્તિથી ખેતીના પાકને નુકસાન થતું હોય છે. જેની સામે સહાય આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજ્યના નાનામાં નાના અને મોટામાં મોટા બધા જ ખેડૂતોને આવરી લેવામાં આવ્યાં છે.

ધરમપુર તાલુકાના ખેડૂતોને મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના આ અંગે માહિતગાર કરાયા

આ યોજના માટે ખેડૂતોએ કોઈપણ પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં. એસડીઆરએફના લાભો યથાવત રાખીને આ યોજનાનો લાભ આપવામાં આવશે. જેથી પાકમાં નુકસાન થયું હોય તેવા કોઈ પણ ખેડૂતો સહાયથી વંચિત ન રહી જાય અને ખેડૂતોને સરળતાથી લાભ મળે તે માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે. ખેતીવાડી ખાતા દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રૂપિયા 5395.56 લાખની સહાય ખેડૂતોને આપવામાં આવી છે.

ખરીફ ઋતુમાં ખેતી પાકને 33થી 60 ટકા જેટલું નુકસાન થાય તો રૂપિયા 20,000 જ્યારે 60 ટકાથી વધુ પાકના નુકશાન માટે રૂપિયા 25000 પ્રતિ હેકટર મુજબ વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદા સહાય મળવાપાત્ર છે. ખેડૂત લાભાર્થીના પાત્રતાના ધોરણમાં સમગ્ર રાજ્યમાં રેવન્યુ રેકોર્ડમાં નોંધાયેલા તમામ ખેડૂત ખાતેદારને ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળના સનડ ધરાવતા ખેડૂતો લાભાર્થી ગણાશે. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, પ્રાંત અધિકારી કેતુલ ઇટાલીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મીનાબેન ચૌધરી તેમજ પ્રગતિશીલ ખેડૂતો અને ખેતીવાડી અને આત્મા વિભાગના કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.