ETV Bharat / state

વાપી નજીક ડુંગરા ખાતે બિરાજેલા પંચકેશ્વર મહાદેવ પર ભક્તોને છે અતૂટ વિશ્વાસ

author img

By

Published : Aug 23, 2021, 5:38 PM IST

Updated : Aug 24, 2021, 7:00 AM IST

વાપી નજીક ડુંગરા ખાતે બિરાજેલા પંચકેશ્વર મહાદેવ પર ભક્તોને છે અતૂટ વિશ્વાસ
વાપી નજીક ડુંગરા ખાતે બિરાજેલા પંચકેશ્વર મહાદેવ પર ભક્તોને છે અતૂટ વિશ્વાસ

વાપીના ડુંગરા વિસ્તારમાં પંચકેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરમાં ભક્તો 5 શિવલિંગની પૂજા અર્ચના કરે છે. ગામના લોકોનું માનવું છે કે અહીં જ્યારથી ભગવાન શિવ પ્રગટ થયા છે ત્યારથી આ સમગ્ર વિસ્તાર ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહ્યો છે.

  • ડુંગરા ગામે બિરાજ્યા છે પંચકેશ્વર મહાદેવ
  • શિવ પરિવાર પાંચ શિવલિંગ રૂપે સ્વયંભું પ્રગટ થયા છે
  • પેશ્વાઈ કાળથી મહાદેવ પર ભક્તોને અતૂટ શ્રદ્ધા છે.

વલસાડ: નજીક ડુંગરા વિસ્તારમાં આવેલા પંચકેશ્વર મહાદેવ પર લોકોને અતૂટ શ્રદ્ધા છે. પેશ્વાઈ કાળમાં સ્વયંભું પ્રગટેલા 5 શિવલિંગની અહીં પૂજા કરવામાં આવે છે. આ પૌરાણિક મંદિરનો વખતો વખત જીર્ણોદ્ધાર કરી આજે સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. શ્રાવણ મહિનામાં અહીં ડુંગરા અને વાપીની આસપાસના વિસ્તારમાંથી ભક્તો ભોળાનાથને જળાભિષેક કરવા આવે છે. મંદિરમાં ભગવાન શિવ, પાર્વતી, ગણેશ, કાર્તિકેય અને નંદી શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે. જે દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

પેશ્વાઈ કાળના વાપીમાં ભોળાનાથના 5 શિવલિંગ

વાપી નજીક ડુંગરા ખાતે બિરાજેલા પંચકેશ્વર મહાદેવ પર ભક્તોને છે અતૂટ વિશ્વાસ

વાપી નજીક ડુંગરા ગામ હવે નગરપાલિકામાં સમાવેશ પામેલો વિસ્તાર છે. અહીં 200 વર્ષ પહેલા પેશ્વાઈ કાળમાં ભોળાનાથના 5 શિવલિંગ સ્વયંભુ પ્રગટ થયા હતાં. જે બાદ તે શિવલિંગને શિવપરિવાર તરીકે સ્થાપિત કરી શ્રદ્ધાળુઓ તેની પૂજા અર્ચના કરતા આવ્યાં છે. અને દાદાની કૃપાથી આ વિસ્તાર પણ સતત પ્રગતિ કરતો રહ્યો છે. મંદિરમાં બિરાજેલા પંચકેશ્વર મહાદેવના મહિમા વિશે મંદિરના ટ્રસ્ટી દિપક પટેલે જણાવ્યું હતું કે, પેશ્વાઈ કાળમાં બનેલા આ મંદિરનું વખતોવખત જીર્ણોદ્ધાર કરી સુંદર મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. મંદિરમાં ભગવાન શિવ, પાર્વતી, ગણેશ, કાર્તિકેય, નંદી શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે. એટલે મંદિરનું નામ પંચકેશ્વર મહાદેવ મંદિર રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સ્વયંભૂ પાણીના ટીપામાંથી સર્જાતી શિવલિંગ, ટપકેશ્વર મહાદેવમાં ભાવિ ભક્તોની અનન્ય શ્રદ્ધા

મહાદેવની કૃપાથી ડુંગરામાં બુલેટ ટ્રેનનું સ્ટેશનનું નિર્માણ

ટ્રસ્ટી દિપક પટેલ અને અહીં દાદાના નિત્ય દર્શને આવતા ભક્તો માને છે કે પંચકેશ્વર મહાદેવની કૃપા આ સમગ્ર વિસ્તાર પર વરસી રહી છે. જ્યારથી અહીં દાદા પ્રગટ થયા છે. ત્યારથી આ વિસ્તારનો સતત વિકાસ થતો રહ્યો છે. તેમના આશીર્વાદથી જ ભારત સરકારના મહત્વના બુલેટ ટ્રેન પ્રોજેકટ હેઠળ અહીં નજીકમાં જ બુલેટ ટ્રેનનું સ્ટેશન બનવાનું છે. ગામના દરેક ધર્મના લોકો દાદામાં આસ્થા ધરાવે છે. તેમના દર્શન માત્રથી જ દરેક ભક્તોના કષ્ટ દૂર થાય છે.

આસપાસના શ્રદ્ધાળુઓ પણ દર્શને આવે છે

આ પૌરાણિક મંદિરે માત્ર શ્રવણ મહિનામાં જ નહીં પરંતુ આખું વર્ષ શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. પંચકેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક મંદિર હોય ડુંગરા અને તેની આસપાસના વિસ્તારમાં રહેતા ભોળાનાથના ભક્તો પણ અહીં પૂજા-અર્ચના અને દર્શન કરવા અચૂક પધારે છે.

અતૂટ શ્રદ્ધાના પ્રતીક છે પંચકેશ્વર મહાદેવ

પંચકેશ્વર મહાદેવ દરેકની મનોકામના સિદ્ધ કરતા મહાદેવ છે. અહીં અબાલ-વૃદ્ધ સૌ કોઈ તેના દર્શને આવે છે. એમાં પણ આ ગામમાં જન્મેલી કન્યાઓ અને આ ગામમાં પરણીને આવેલા સૌભાગ્યવતી સ્ત્રીઓ પણ મહાદેવમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. તેમનું માનવું છે કે, દાદાના દર્શને આવવાથી જ તેમને અનેક પ્રકારનું સુખ પ્રાપ્ત થયું છે અને જ્યારે પણ કોઈ કષ્ટ આવ્યું છે, ત્યારે મહાદેવે તે કષ્ટ તેના સ્મરણ માત્રથી દૂર કર્યું છે. દાદા પાસે પ્રાર્થના કરે છે કે, આ જન્મે જ નહીં આવતા જન્મે પણ તેમની પૂજા કરવાની તક મળે.

આ પણ વાંચો: ભુજમાં પ્રથમ વખત ભૂતનાથ મહાદેવ મંદિરે બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા

પેશ્વાઈ કાળમાં નિર્માણ પામેલો કૂવો

200થી વધુ વર્ષ પુરાણા પંચકેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં એટલા જ વર્ષ જૂનો પેશ્વાઈ કાળમાં નિર્માણ પામેલો કૂવો છે. જેની નજીકમાં વડ-પીપળા સહિત પાંચ વૃક્ષો એક જ થડમાં વીંટળાયેલા છે. ભક્તો અહીં દાદાના દર્શન સાથે આ પંચવૃક્ષની પૂજા કરે છે. અને કુવાના પાણીથી પંચકેશ્વર મહાદેવનો જળાભિષેક કરે છે. દાદાની કૃપાથી જેમ માત્ર ભક્તો નહિ પરંતુ આસપાસનો સમગ્ર વિસ્તાર સતત વિકાસ પામ્યો છે. તે જ રીતે કુવાનું પાણી પણ ક્યારેય ખૂટયું નથી અને કોઈ વિપદા આવી નથી એટલે પંચકેશ્વર મહાદેવના દર્શને આવતા શ્રધ્ધાળુઓમાં મહાદેવ અસ્થાના મહાદેવ તરીકે વર્ષોથી બિરાજમાન છે.

Last Updated :Aug 24, 2021, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.