ETV Bharat / state

વલસાડ જિલ્લાની 42 કોવિડ હોસ્પિટલમાં તમામ બેડ ફૂલ

author img

By

Published : Apr 24, 2021, 10:45 PM IST

જિલ્લાની 42 હોસ્પિટલમાં કોરોનાની સારવાર
જિલ્લાની 42 હોસ્પિટલમાં કોરોનાની સારવાર

વલસાડ જિલ્લામાં શનિવારે આરોગ્ય વિભાગે આપેલી વિગતો મુજબ એક સાથે 103 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જ્યારે શુક્રવારે 107 દર્દીઓ નોંધાયા હતાં. 2 દિવસમાં 8 દર્દીઓના મોત થયા હતાં. વલસાડ જિલ્લામાં અંદાજિત 42 હોસ્પિટલમાં કોવિડ સેન્ટર હેઠળ સારવાર આપવામાં છે. જોકે એમાંથી માત્ર 12 હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથે ઓક્સિજનની સુવિધા છે. જ્યારે બાકીની હોસ્પિટલમાં માત્ર ઓક્સિજન માટેની સારવાર જ આપવામાં આવે છે. જ્યારે ICUની સુવિધા ધરાવતી માત્ર 10 હોસ્પિટલ છે.

  • વલસાડ જિલ્લામાં 2 દિવસમાં 210 કોરોના પોઝિટિવ
  • કુલ એક્ટિવ કેસ-701, કુલ મૃત્યુ આંક-206
  • જિલ્લાની 42 હોસ્પિટલમાં કોરોનાની સારવાર

વલસાડ: જિલ્લામાં દરરોજ કોવિડના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સરકારી, ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત મળી કુલ 42 જેટલી હોસ્પિટલમાં કોવિડની સારવાર આપવામાં આવે છે. આ અંગે જ્યારે આરોગ્ય વિભાગ અને પ્રાઇવેટ હોસ્પિટલ પાસેથી વિગતો મેળવવામાં આવી તો તે વિગતો ચોંકાવનારી છે સાથે જ નાગરિકોએ કોરોના મહામારી અંગે ખૂબ જ સાવચેતી રાખવી પડે તેટલી હદે ડરામણી છે. સારવાર મેળવી સાજા થતા દર્દીઓ સામે મરણાંક દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. જિલ્લામાં કોવિડ સારવાર આપતી માત્ર 42 હોસ્પિટલ છે. જેમાં સરકારી રિપોર્ટ મુજબ 638 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે હકીકતમાં જિલ્લાના કુલ કોવિડ સેન્ટરમાં જે અંદાજિત 1,650 બેડ છે, તે તમામ ફૂલ છે.

વલસાડ જિલ્લામાં 2 દિવસમાં 210 કોરોના પોઝિટિવ

12 હોસ્પિટલમાં વેન્ટિલેટર, 9 હોસ્પિટલમાં ICUની સુવિધા

વલસાડ જિલ્લામાં કોરોના સારવાર આપતી 42 હોસ્પિટલમાં હાલ અંદાજિત 12 હોસ્પિટલમાં જ વેન્ટીલેટરની સુવિધા છે. બધું મળીને આ હોસ્પિટલમાં માત્ર 127 વેન્ટિલેટર છે અને તે તમામ ફૂલ છે. જિલ્લામાં 1,050 જેટલા ઓક્સિજન બેડની સુવિધા છે. જે તમામ પણ ફૂલ છે. 9 હોસ્પિટલમાં ICUની સુવિધા છે. જેમાં કુલ 75 ICU બેડ છે અને તે પણ ફૂલ છે. કોરોના સારવાર માટે અંદાજિત 1,650 બેડની ઉપલબ્ધતા ઉભી કરવામાં આવી છે પરંતુ તે 100 ટકા ફૂલ છે.

કપરાડા તાલુકામાં એક પણ કોવિડ સેન્ટર નથી

કોવિડ સારવાર આપતી તાલુકા મુજબ હોસ્પિટલની વાત કરીએ તો, વલસાડ તાલુકામાં 15થી વધુ હોસ્પિટલ છે. વાપી તાલુકામાં 12 હોસ્પિટલ છે. પારડી તાલુકામાં 3 હોસ્પિટલ છે. ધરમપુર તાલુકામાં 4 જેટલી હોસ્પિટલ છે. ઉમરગામ તાલુકામાં 2 હોસ્પિટલમાં કોવિડની સારવાર આપવામાં આવી રહી છે પરંતુ કપરાડા તાલુકામાં એક પણ હોસ્પિટલ નથી.

આ પણ વાંચો: વલસાડ જિલ્લામાં પણ ઓક્સિજનની અછત સર્જાઇ

સૌથી વધુ દર્દીઓ ઓક્સિજન સારવાર હેઠળ

વાપીની કોવિડ સારવાર આપતી હોસ્પિટલમાં શ્રેયસ મેડિકેર હોસ્પિટલમાં 10 ICU, 41 ઓક્સિજન, 6 વેન્ટિલેટર બેડની સુવિધા છે. હરિયા હોસ્પિટલમાં 26 ICU, 6 ઓક્સિજન, 12 વેન્ટિલેટર બેડની સુવિધા છે. રેઇનબો હોસ્પિટલમાં 15 ICU, 14 ઓક્સિજન, 10 વેન્ટિલેટર બેડની સુવિધા છે. સંવેદના હોસ્પિટલમાં 8 વેન્ટિલેટર, 32 ઓક્સિજન બેડની સુવિધા છે. 21st સેન્ચ્યુરી હોસ્પિટલમાં સૌથી વધુ 20 વેન્ટીલટર, 56 ઓક્સિજન બેડની સુવિધા છે. નિરામયા હોસ્પિટલમાં 5 વેન્ટિલેટર અને 25 ઓક્સિજન બેડની સુવિધા છે. વાપીના 12 જેટલા કોવિડ સેન્ટરમાં માત્ર 4 સેન્ટર ICU સુવિધા ધરાવે છે. વેન્ટિલેટર બેડ ધરાવતા સેન્ટર 6 જેટલા જ છે. તમામ સેન્ટરમાં ઓક્સિજન બેડ છે પરંતુ કોવિડના દર્દીઓ માટે ઓક્સિજનની જરૂરિયાતની જ હાલ તંગી સર્જાઈ છે.

તંત્રના આંકડા સામે સ્મશાન-કબ્રસ્તાનના આંકડામાં વિસંગતતા

જિલ્લામાં કોવિડ મૃતદેહો માટે પણ ગણતરીના જ સ્મશાન છે. જેમાં વલસાડ, પારડી અને વાપીમાં કોવિડ મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવે છે. કોવિડ મૃતદેહો માટેના કબ્રસ્તાન પણ આ 3 તાલુકામાં જ છે. હાલમાં અતુલ ખાતે હંગામી સ્મશાન ઉભું કરવામાં આવ્યું છે. જેમાં દૈનિક 16થી વધુ મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવે છે. જિલ્લામાં સરકારી મૃત્યુ આંક સામે મુક્તિધામ અને કબ્રસ્તાનમાંથી મળતા અંકડામાં પણ ભારે વિસંગતતા છે. વાપીના એક જ મુક્તિ ધામમાં છેલ્લા 8 દિવસમાં જ કોવિડ, કોવિડ શંકાસ્પદ મળી અંદાજિત 80 મૃતદેહોને અગ્નિદાહ અપાયો છે. પારડી કોવિડ મુક્તિધામમાં 12 દિવસમાં 111 કોવિડ, કોવિડ શંકાસ્પદ મૃતદેહોને અગ્નિદાહ અપાયો છે. જિલ્લામાં એ રીતે કોરોનાના બીજા રાઉન્ડમાં અંદજીત કોવિડ અને કોવિડ શંકાસ્પદ મૃત્યુદર 500થી વધુ છે. જ્યારે સરકારી રિપોર્ટ મુજબ જિલ્લામાં પહેલા અને બીજા એમ બન્ને કોરોના લહેર મળીને માત્ર 206 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

આ પણ વાંચો: હરખનો પ્રસંગ માતમમાં ફેરવાયો, પીઠીના દિવસે જ નર્સનું કોરોનાથી મોત

વલસાડ સિટીમાં સૌથી વધુ કેસ, કપરાડા તાલુકામાં સૌથી ઓછા

જિલ્લામાં એક તરફ તમામ કોવિડ હોસ્પિટલ, કોવિડ સેન્ટરના બેડ ફૂલ છે. ત્યારે જિલ્લામાં તાલુકા મુજબ એક્ટિવ કેસ અને સાજા થયેલા કેસનો વહીવટી તંત્રએ આપેલા રિપોર્ટ મુજબ વલસાડ તાલુકામાં 1,157 કોરોના પોઝિટિવ કેસમાંથી 333 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 70 લોકોનાં મોત થયા છે. પારડી તાલુકામાં 341 કેસમાંથી 72 એક્ટિવ કેસ છે. 29નાં મોત થયા છે. ઉમરગામ તાલુકામાં 223 કેસમાંથી 82 એક્ટિવ કેસ છે. 18નાં મોત થયા છે. ધરમપુર તાલુકાના 163 કેસમાંથી 73 એક્ટિવ કેસ, 17નાં મોત થયા છે. કપરાડા તાલુકાના 123 કેસમાંથી 40 એક્ટિવ કેસ છે. માત્ર 3નાં મોત થયા છે. કુલ 2,583 કેસમાંથી 701 એક્ટિવ કેસ છે. 1,646 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ઓક્સિજન, ICU, વેન્ટિલેટર મામલે પાંગળો જિલ્લો

ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં દિવસો દિવસ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેની સામે કોવિડ સેન્ટરની જોઈએ તેટલી સુવિધા નથી. જિલ્લામાં ઓક્સિજનની તંગીની બુમરાણ મચી છે પરંતુ કોરોના સારવાર માટે પૂરતા વેન્ટિલેટર બેડ અને ICUની સુવિધામાં વધારે પાંગળા જિલ્લામાં વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે. જો કોરોના કેસમાં આ જ રીતે ઉછાળો આવતો જશે તો આગામી દિવસોમાં આ તમામ સુવિધા માટે જિલ્લાવાસીઓએ હાડમારી સહન કરવી પડશે. એટલે 'ઘરે રહો સલામત રહો' એ સૂત્ર જ કોરોના સામે રામબાણ ઈલાજ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.