Vadodara Kidnapping News : શહેરમાં ત્રણ વર્ષીય બાળકી ગુમ થઇ, ડભોઇ પોલીસની કાર્યવાહિથી અપહરણકારોને ઝડપ્યા

Vadodara Kidnapping News : શહેરમાં ત્રણ વર્ષીય બાળકી ગુમ થઇ, ડભોઇ પોલીસની કાર્યવાહિથી અપહરણકારોને ઝડપ્યા
ડભોઇ શહેરના એક સામાન્ય પરિવારની ત્રણ વર્ષીય દીકરી ગુમ થઈ હતી. પરિવાર દ્વારા પોલીસમાં આ અંગે જાણ કરવામાં આવી હતી. જોકે, ડભોઇ પોલીસે નગરમાંથી ગુમ થયેલ દીકરીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી હતી. ઉપરાંત આ ગુનાનો ભેદ કલાકોમાં ઉકેલી અપહરણ કરનાર આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો. પોલીસની આ કામગીરીને સૌ કોઈ બિરદાવી રહ્યા છે.
વડોદરા : ડભોઇ નગરમાંથી એક ગરીબ પરિવારની ત્રણ વર્ષીય બાળકી ગુમ થઈ હતી. જે અંગે પરિવારજનોએ ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અલગ અલગ સાત જેટલી ટીમ બનાવી હતી. શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ગુમ થયેલ માસુમ દીકરીને શોધી કાઢવામાં આવી હતી. આમ પોલીસે ગણતરીના કલાકમાં જ ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. આ બનાવમાં સામેલ ગુનેગારને જેલ ભેગો કરી દીધો હતો. આમ, આજે ડભોઇ પોલીસની ટીમે સાચા અર્થમાં સાબિત કર્યું હતું કે પોલીસ પ્રજાનો મિત્ર છે.
બાળકીનું અપહરણ : ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ડભોઇ વડોદરી ભાગોળ પાસે રાધે કોમ્પલેક્ષ પાછળ આવેલા વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ રાજુભાઈ નાયકની ત્રણ વર્ષીય દીકરી સવારે 7:00 વાગ્યાની આસપાસ ગુમ થઈ હતી. બપોર સુધી શોધખોળ કરવા છતાં પણ બાળકી મળી આવી ન હતી. જેના કારણે પરિવારજનોએ ડભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નોંધાયેલ ફરિયાદની હકીકતના આધારે તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસ : પોલીસ અધિકારી એસ. જે. વાઘેલાએ તાત્કાલિક જિલ્લા પોલીસ વડા સહિત વિભાગીય DySP આકાશ પટેલ સાથે માર્ગદર્શન મેળવી વડોદરા ગ્રામ્ય LCB સહિતની અલગ અલગ સાત ટીમ બનાવી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરી હતી. જેમાં અપહરણ કરનાર સ્થળ પરથી રિક્ષામાં બેસી શિનોર ચોકડીએ ગયા બાદ ત્યાંથી અન્ય વાહન દ્વારા બુંજેઠા ગામે પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
આરોપી ઝડપાયો : સીસીટીવીના આધારે મેળવેલ હકીકત મુજબ પોલીસે ડભોઇ તાલુકાના બુંજેઠા ગામે તપાસ કરતા 47 વર્ષીય અમૃતભાઈ ધુળાભાઈ વણકર સાથે એક નાની દીકરીને જોઈ હતી. જેથી માહિતીની ચકાસણી કરી આ ઈસમને દીકરી સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. આ દીકરી અંગે પોલીસે જવાબ માંગતા તે ઈસમ જવાબ આપી શક્યો ન હતો. ગરીબ અને માસુમ દીકરીનું અપહરણ કરનારને ડભોઇ પોલીસ સ્ટેશન લાવ્યા બાદ પોલીસે અગાઉ કોઈ ગુનામાં સપડાયેલો છે કે કેમ તે અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાળકીનું પરિવાર સાથે મિલન : ડભોઇ પોલીસે ગણતરીના કલાકોમાં જ માસુમ બાળકીને શોધી કાઢી તેના પરિવારને સોંપી હતી. ઉપરાંત ગુનેગારને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પોતાના પરિવારને જોતા જ આ દીકરીના ચહેરા ઉપર કંઈક અનેરી ખુશી જોવા મળી હતી. તેના પરિવારજનોમાં પણ આનંદની લાગણી ફેલાઈ હતી.
પોલીસની ઉમદા કામગીરી : ડભોઇ પોલીસ સ્ટાફ દ્વારા ગરીબ પરિવારની ગુમ થયેલ દીકરીને સલામત અને સફળતાપૂર્વક શોધી કાઢી દીકરીને પરિવારને સોંપી હતી. આમ, વડોદરા જિલ્લાના પોલીસ તંત્રએ એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતાં ડભોઇ પોલીસ ઇન્સ્પેક્ટર એસ. જે. વાઘેલા સહિત સમગ્ર પોલીસ ટીમનો પરિવાર અને નગરજનોએ આભાર વ્યક્ત કર્યો હતો. સૌએ પોલીસ તંત્રની ઝડપી કામગીરીને બિરદાવી હતી.
