ETV Bharat / state

700 વર્ષ જૂના હિરાભાગોળના કિલ્લામાં સ્થાપિત ગઢ ભવાની માતાના મંદિરની થશે કાયાકલ્પ, મંદિરના વિકાસ માટે ૨.૧૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 26, 2023, 7:42 AM IST

હિરાભાગોળના કિલ્લામાં સ્થાપિત ગઢ ભવાની માતાના મંદિરની થશે કાયાકલ્પ
હિરાભાગોળના કિલ્લામાં સ્થાપિત ગઢ ભવાની માતાના મંદિરની થશે કાયાકલ્પ

વડોદરા જિલ્લાનું ડભોઈ જે પૂર્વે ઐતિહાસિક દર્ભાવતિ નગર તરીકે જાણીતું હતું, અહીં હિરાભાગોળનો ઐતિહાસિક કિલ્લો આવેલો આવેલો છે, અને આ કિલ્લામાં ગઢ ભવાની માતાનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરના વિકાસ માટે સરકારે ૨.૧૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે. જેથી હવે આ મંદિરનો વિકાસ થશે અને નવો કાયાકલ્પ થશે આ ઉપરાંત જરૂરી આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

હિરાભાગોળના કિલ્લામાં સ્થાપિત ગઢ ભવાની માતાના મંદિરની થશે કાયાકલ્પ

વડોદરા: ડભોઈ એટલે કે પહેલાનું દર્ભાવતિ નગર. આ ઐતિહાસિક અને પ્રાચીન વારસો ધરાવતું નગર છે. આ નગરના રાજા વિશળ દેવે ચારેય દિશામાં નગરની રક્ષા કાજે માતાજીના મંદિરોની સ્થાપના કરી હતી. જેમાં પૂર્વ દિશામાં આવેલ ઐતિહાસિક હિરાભાગોળના કિલ્લામાં ગઢ ભવાની માતાજીનું મંદિર છે.

હિરા ભાગોળનો ઐતિહાસિક કિલ્લો: સોલંકી વંશના રાજા વિશાળ દેવે હાલનું ડભોઇ અને પૂર્વેના દર્ભાવતિ નગરની સ્થાપના કરી હતી. જેમાં હિરાધર શિલ્પી પાસે તેમને નગરની પૂર્વ દિશામાં પીળા પથ્થરોથી હિરા ભાગોળના કિલ્લાનું નિર્માણ કાર્ય કરાવ્યું હતું. આ કિલ્લાની સ્થાપત્ય કલા અને કોતરણી આબેહૂબ અને બેનમૂન છે. ભારતીય ઈતિહાસમાં તે અમૂલ્ય સ્થાન ધરાવે છે. સ્થાપત્ય કલાના બેનમૂન શિલ્પી હીરાધર દ્વારા ભવ્ય હીરા ભાગોળનું અને તે કિલ્લામાં માં ગઢ ભવાની માતાનાં મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું.

સુંદર શિલ્પ કલા-સ્થાપત્યો: આ ઐતિહાસિક ધરોહર સમાન કિલ્લાની પૂર્વમાં હિરા ભાગોળ, પશ્વિમમાં વડોદરી ભાગોળ, ઉત્તરમાં મહૂડી ભાગોળ તથા દક્ષિણમાં નાદોદી ભાગોળ એમ ચાર કલાત્મક દરવાજા આવેલા છે, અને નગરની મધ્યમાં આવેલ ઐતિહાસિક તળાવ આજે પણ આ ભવ્ય ગરિમાના દર્શન કરાવે છે. આ દરવાજાની આસપાસની સ્થાપત્ય અને શિલ્પ કલા જે વિશ્વભરમાં જાણીતી છે અને આજે પણ મોજૂદ છે.

ભવાની માતાજીના મંદિરનું મહાત્મય: ઐતિહાસિક નગર ડભોઇની રચના કરનાર રાજવી દ્વારા કિલ્લાની અંદર વસતા રહીશો અને રાજ્યના રક્ષણ કાજે હીરાભાગોળ કિલ્લામાં ગઢ ભવાની માતાજીનાં ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. જે પોતે ડભોઇમાં વસતા હિન્દુ શ્રદ્ધાવાન રહીશોની અને ભૂતપૂર્વ રાજવીઓના કુળદેવી હોવાથી અહીં ચૈત્રી અને શારદીય નવરાત્રિમાં દર્શન કરવા ભક્તોની ભારે ભીડ રહે છે અને દૂર દૂરથી શ્રધ્ધાળુઓ દર્શન માટે આવે છે. નવરાત્રિનાં નવે નવ દિવસ સાંજે મહા આરતી કરવામાં આવે છે. આ કિલ્લાની ઉપર ઐતિહાસિક ધ્વજ સ્તંભ છે, અને તેની ઉપર ધજા ફરકે છે. જે ધજાને વર્ષમાં બે વાર એટલે કે, ચૈત્રી અને આસો નવરાત્રિની આઠમે બદલવાની પરંપરા આજે પણ યથાવત રહી છે.

અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર: ડભોઈ નગરનાં નાગરિકોની સાથે અહીંનાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પણ આ મંદિરમાં સ્થાપિત ગઢ ભવાની માતામાં અતૂટ શ્રધ્ધા ધરાવે છે. તેઓ જયારે પણ અહીંથી ચૂંટણી લડે છે, અને તેમનું ઉમેદવારીપત્ર ભરવા જાય ત્યારે સૌ પ્રથમ આ મંદિરે આવીને શીશ નમાવી દર્શન કરી આશીર્વાદ મેળવે છે, અને વિજયી બન્યાં બાદ પણ માતાનાં આશીર્વાદ મેળવવા અચૂક આ મંદિરે આવે છે.આશો અને ચૈત્રી નવરાત્રી દરમિયાન પણ તેઓ અચૂક માતાના દર્શન કરવા માટે આવે છે. તેઓ ધારાસભ્ય બન્યા ત્યારથી આ મંદિરનો વિકાસ થાય તે માટે પ્રયત્નશીલ હતાં.

મંદિરના વિકાસ માટે 2.10 કરોડની ગ્રાન્ટ મંજૂર: ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પહેલાં આ મંદિરનો પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરવા પ્રયત્નો કર્યા અને અગાઉ મંદિર અને તેની પાસે આવેલ ગોવિંદેશ્વર તળાવનાં વિકાસ માટે રૂપિયા ચાર કરોડની ગ્રાન્ટ મંજૂર કરાવવામાં આવી હતી અને હવે મંદિરનાં વધુ વિકાસ માટે સરકારમાંથી રૂપિયા ૨.૧૦ કરોડની ગ્રાન્ટ મંજૂર કરાવી છે. જેથી હવે આ મંદિરનો વિકાસ થશે અને નવાં રૂપ રંગ મળશે. તેમજ જરૂરી આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આમ, આ ઐતિહાસિક મંદિરનો વધુ વિકાસ થશે તે વાતથી નગરજનો અને સમગ્ર પંથકનાં શ્રધ્ધાળુઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

  1. Vadodara News : ડભોઈમાં ગંદકીથી ખદબદતું ઐતિહાસિક તળાવ, લોકોની લાગણીને ભારે ઠેસ પહોંચી જ્યારે કરવું પડ્યું જવારા વિસર્જન
  2. Womans Day 2023 : નાનકડી ચાની લારી સાથે હોટલ ચલાવતાં ટીનીબેન પઢિયારની પ્રેરણાદાયી વાત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.