શિયાબાગના મંગળદાસ મહોલ્લાના રહીશોએ પાણીના પ્રશ્ને માટલાં ફોડી તંત્ર સામે ભારે સુત્રોચ્ચારો પોકારી વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે તેવી ચીમકી આપી હતી. આથી વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીનો માહોલ ગરમાયો છે.
છેલ્લા ચાર મહિનાથી પાણીની સમસ્યા હોવા છતાં કોઈ રાજકારણી નહીં ફરકતા આખરે ત્રાહિમામ પોકારી ઉઠેલી સ્થાનિક મહિલાઓએ માટલા ફોડી તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો. મહિલાઓએ રોષ સાથે જણાવ્યું હતું કે, પહેલા પાણી આપો પછી વોટ આપીશું. છેલ્લા ચાર મહિનાથી ગંદુ પાણી આવે છે તેમજ પાણીનું પ્રેશર ખુબ જ ઓછું આવતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. અને વેચાતું પાણી લાવવાની ફરજ પડી છે. આ વિસ્તારમાં બીમારીએ માઝા મૂકી છે.
વારંવાર રજૂઆતો કરાઈ છે છતાં પણ તંત્ર કોઈ કામગીરી કરતું નથી. કોઈ રાજકારણી પણ મહોલ્લામાં આવતા નથી. ના છૂટકે ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે તેમ સ્થાનીકોએ જણાવ્યું હતું.