ETV Bharat / state

ઉકાઇડેમમાંથી કેટલા લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવે તો સુરતમાં પૂરની સ્થિતિ સર્જાય ?

author img

By

Published : Sep 30, 2021, 3:12 PM IST

ઉકાઇડેમમાંથી કેટલા લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવે તો સુરતમાં પૂરની સ્થિતિ સર્જાય ?
ઉકાઇડેમમાંથી કેટલા લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવે તો સુરતમાં પૂરની સ્થિતિ સર્જાય ?

ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં થઈ રહેલા ભારે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો નોંધાયો હતો. શનિવારે વહેલી સવારે 7 વાગ્યે પાણીની આવક 1 લાખ 37 હજાર 721 ક્યુસેક તથા જાવક 1 લાખ 20 હજાર 260 ક્યુસેક સાથે ડેમની સપાટી 343.89 ફૂટ નોંધાઈ હતી. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે વધી રહેલી આવકને કારણે પાણી સતત છોડવામાં આવી રહ્યું હતું.

  • ઉકાઇ ડેમમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે
  • શું 2006 જેવી જ પરિસ્થિતિ ફરીથી બનશે?
  • કેટલા લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે

તાપી: ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે તાપી નદીમાં પણ પાણીની આવક વધતા હાલ તાપી નદી બન્ને કાંઠે વહી રહી છે, ત્યારે સુરતીઓમાં એક મહત્વનો પ્રશ્ન ઉદભવી રહ્યો છે. શું 2006 જેવી જ પરિસ્થિતિ ફરીથી બનશે? કે કેટલા લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે.

સૌ પ્રથમ જાણી લઈએ કે, 1 ક્યુસેક એટલે શું?

આપણે ત્યાં ચોમાસામાં વધુ વરસાદ પડી જાય અને ડેમ ભરાઇ જાય પછી ઘણીવાર સાંભળવામાં આવતું હોય છે કે, ઉપરવાસમાં વધુ વરસાદને કારણે ડેમમાંથી કેટલાક ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, પણ આપણે નથી જાણતા કે, આ ક્યુસેક એટલે શું તો આજે આપણે જાણીશું કે આ ક્યુસેક (cusec)એટલે શું? આખું વિસ્તરણ અંગ્રેજીમાં cubic foot per second or cubic feet per second થાય છે.

ઉકાઇડેમમાંથી કેટલા લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવે તો સુરતમાં પૂરની સ્થિતિ સર્જાય ?

આ પણ વાંચો: તાપી: સોનગઢનો 109 વર્ષ જૂનો ઐતિહાસિક Dosvada dam Overflow થયો

જેને ઘન ફૂટ પ્રતિ સેકન્ડ પણ કહી શકાય

ક્યૂસેક પાણી કે કોઈ પ્રવાહીની માત્રાને દર્શાવવા માટેનો બ્રિટિશ પ્રણાલીનો એકમ છે. જે એક સેકન્ડમાં એક ઘનકૂટ માત્રાનું પ્રવાહી દર્શાવે છે. વહેતા પાણીને માપવાનો આ એકમ સ્વતંત્ર એકમ નથી પણ એ સમય આધારિત છે. મેટ્રિક પ્રણાલીમાં પાણીના વહેવાની માત્રાને દર્શાવવા માટે લીટર પ્રતિ સેકન્ડ કે, ઘનમીટર પ્રતિ સેકન્ડનો એકમ કામમાં લેવામાં આવે છે. એક ક્યુસેક એટલે એક સેકન્ડમાં વહેલા પાણીને માપવાનો એકમ.

આ પણ વાંચો: ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમના 14 દરવાજા ખોલવામાં આવ્યા, 1.24 લાખ ક્યુસેક પાણી છોડાયું

1 ક્યુસેક = 28.317 લીટર પ્રતિ સેકન્ડ

1 ક્યુસેક એટલે 1 સેકન્ડમાં એક ઘનફૂટ પાણી વહી જવું એટલે કે, 28.317 લીટર પ્રતિ સેકન્ડ થયું. એટલે 1 મિનિટ પ્રમાણે 1,699.2 લીટર પાણી અને એક કલાકમાં 10,1952 લીટર પાણી, એટલે ઉદાહરણ તરીકે જયારે આપણને જાણવા મળે કે ડેમમાંથી 500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું તો તેનો અર્થ એ કે 5,09,76,000 લીટર પાણી દર કલાકે છોડવામાં આવે છે એટલે જો આ જ હિસાબ માંડીએ તો 24 કલાકમાં કેટલા લીટર પાણી છોડવામાં આવ્યું છે. એ આંકડો ખૂબ જ મોટો થઇ જાય જેની ગણતરી રાખવી મુશ્કેલ થઇ જાય. સાથે જ વહેતા પાણીને લીટરમાં માપવું શક્ય નથી, એટલે વહેતા પાણીના એકમ તરીકે ક્યુસેક વપરાય છે.

  • ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે તો કયા વિસ્તારો ડૂબે? અથવા પ્રભાવિત થાય? ત્યારે એક ચોક્કસ તારણના આધારે આ પ્રમાણેનો અંદાજ કાઢવામાં આવ્યો છે.
  • 1 લાખ : સામાન્ય અસર, તાપી નદીમાં સપાટી વધે
  • 2 લાખ : ફ્લડગેટ બંધ કરવા પડે, તાપી તટની ઝુંપડપટ્ટીઓમાં પાણી ઘુસવાની શરૂઆત
  • 3 લાખઃ અડાજણ, સ્વામીનારાયણ મંદિર કાંઠેથી પાણી ઘુસવાની શરૂઆત
  • 4 લાખ : રાંદેરમાં હનુમાન ટેકરી પાસેથી શરૂ કરીને પાંચ પીપળા મંદિર, બીજી તરફ અડાજણ, પાલ વિગેરે સહિતના વિસ્તારોમાં સાથે સાથે તાપી નદી સાથે જોડાયેલી મગોબ, કરંજ, ડુંભાલ ખાડી, વરાછા ખાડીમાં પાણી ‘બેક’ મારવાની સાથે પુણા-સીમાડા વિસ્તારમાં ખાડીમાંથી પાણી ઘુસવાની શરૂઆત થાય છે.
  • 5 લાખ : જહાંગીરપુરાથી શરૂ કરીને રાંદેર, અડાજણ અને પાલના તમામ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળે
  • 6 લાખ : અગાઉના તમામ વિસ્તારોમાં પાણીની સપાટી વધવાની સાથે અમરોલી પુલની બંને તરફથી પાણી અમરોલી, છાપરાભાઠા વિગેરે નદી પારના વિસ્તારોમાં પ્રવેશવાની શરૂઆત થાય છે.
  • 7 લાખ : નાનપુરા, મક્કાઈપુલથી સેન્ટ્રલ ઝોનના વિસ્તારોમાં પાણી ઘુસે. જે નાનપુરા, કાદરશાની નાળ, નવસારી બજાર, પુતળી, સગરામપુરા, ગોલકીવાડ, ગોપીપુરાના કેટલાક વિસ્તારોથી શરૂ કરીને છેક અઠવાગેટ સુધી પહોંચી જાય. ઉપરાંત સૈયદપુરા-ટુંકી, આઈ.પી.મીશન સ્કૂલથી શરૂ કરીને વેડ દરવાજા અને સુરત જિલ્લા પંચાયતની કચેરી, એકસાઈઝ કચેરી વિગેરેથી શરૂ કરીને ચોકબજાર, ચૌટાબજાર, શાહપોર, નાણાવટ, ભાગાતળાવ, બડેખાંચકલા, સાગર હોટલ, ઝાંપાબજાર, વાડીફળીયા,નવાપુરા, સલાબપુરા,રૂસ્તમપુરા તેમજ આસપાસના વિસ્તારોમાં પણ પાણી ફરી વળે.
  • 8 લાખ: ઉમરા, પીપલોદ, નાનપુરા બહુમાળી બિલ્ડીંગ, ડચ ગાર્ડન, રીંગરોડ, અઠવાલાઈન્સ, ઘોડદોડ રોડ, સુરત-ડુમસ રોડ, સીટીલાઈટ છાપરા ભાઠા, કોસાડ, વેસુ, મોટાવરાછા તેમજ ઉત્રાણમાં પણ પાણી ફરી વળે.
  • 9 લાખ: અગાઉના વિસ્તારોમાં પાણીની સપાટી વધવાની સાથે વરીયાવ અને કોસાડથી તાપી નદી પોતાનું વહેણ બદલીને તે દિશામાં દરીયા તરફ પ્રયાણ કરે, કઠોર પાસેથી વહેણ બદલીને કીમ-સાયણ તરફ નદીનો પ્રવાહ જાય. જો પાળો તુટે તો જહાંગીરપુરાથી ઓલપાડની તેના ખાડીમાં તાપી નદીનુ પાણી ઠલવાવા માંડે. કતારગામ, વેડરોડ અને વરાછા પણ પૂરની લપેટમાં આવી જાય. મહીધરપુરા, રામપુરા, રેલ્વેસ્ટેશન વિસ્તાર, બેગમપુરા, હરીપુરા, સૈયદપુરા, લાલદરવાજા વિગેરે વિસ્તારોમાં પણ પાણી ફરી વળે.
  • 10 લાખ: ગત વર્ષે બાકી રહી ગયેલો સુમુલડેરી રોડ સહિતનો સુરતનો ભાગ્યેજ કોઈ વિસ્તાર પૂરની અસરમાંથી બાકી રહે. ગત વખતે પણ પૂર દરમ્યાન શહેરમાંથી પુણા કુંભારીયા રોડ, ઉધના, ભટાર તેમજ મગદલ્લા ખાતેથી પસાર થતી નહેરે લાજ રાખીને આ વિસ્તારોમાં પૂરના પાણી આવતા રોકી લીધા હતા. પણ 10 લાખ ક્યુસેક્સના પુરના પાણી નહેરને પણ વળોટીને ભટાર, ઉધના મગદલ્લા રોડ, ડુમસ, મગદલ્લા, એરપોર્ટથી શરૂ કરીને ડુમસ ચોપાટી સુધીના વિસ્તારોમાં ઘુસી જશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.