ETV Bharat / state

રાજ્યના 65 હજાર પ્રાથમિક શિક્ષકોની જીત, સુરતના શિક્ષકોએ માન્યો સરકારનો આભાર

author img

By

Published : Jul 18, 2020, 2:53 AM IST

Updated : Jul 18, 2020, 2:58 AM IST

સુરતના શિક્ષકો
સુરતના શિક્ષકો

પ્રાથમિક શિક્ષણના શિક્ષકોનો ગ્રેડ પે ઘટાડવાનો નિર્ણય કરતો પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના આ નિર્ણય બાદ રાજ્યના 65 હજાર પ્રાથમિક શિક્ષકોની લાંબી લડત બાદ જીત થઈ છે. જે કારણે શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ નિર્ણય બાદ પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ સુરત જિલ્લાના શિક્ષકોએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

સુરત: ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોનો ગ્રેડ પે ઘટાડવાનો પરિપત્ર રાજ્ય સરકારે રદ્દ કર્યો છે. જેના કારણે હવે શિક્ષકો માટે 4200નો ગ્રેડ પે યથાવત રહેશે. સરકાર અને શિક્ષણ સંઘ વચ્ચેની ચોથી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાતના 65 હજારથી વધુ શિક્ષકોના ગ્રેડ પેના વિવાદ મામલે શિક્ષણ પ્રધાન અને શિક્ષણ સંઘ વચ્ચે આ અગાઉ 3 બેઠકો યોજાઇ હતી.

સરકાર દ્વારા 4200નો ગ્રેડ પે ઘટાડી 2800નો કરાતા શિક્ષકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. વર્ષ 2010 બાદ ભરતી થયેલા શિક્ષકોને 9 વર્ષે મળવાપાત્ર રૂપિયા 4200ના ગ્રેડ પેમાં કોઈ અભ્યાસ કે શિક્ષકોના મંતવ્ય લીધા વિના જ ગ્રેડ પે ઘટાડીને 2800 કરવામાં આવ્યો હતો. જો કે, આ નિર્ણય સરકારે ફરી રદ્દ કરતા શિક્ષકોમાં ખુશી છવાઈ ગઈ છે.

સુરતના શિક્ષકોએ માન્યો સરકારનો આભાર

સુરતના પ્રાથમિક શાળાના શિક્ષકોએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ સરકારે દર મહિને શિક્ષકોને થવા જઈ રહેલા 8થી 10 હજાર સુધીના નુકસાનમાંથી બચાવી શિક્ષકો હિતમાં નિર્ણય લીધો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષથી શિક્ષકો આ અંગે લડત ચલાવી રહ્યા છે. જ્યારે કોરોના મહામારી વચ્ચે શિક્ષકોએ ધરણાં પ્રદર્શન યોજવાને બદલે સોશિયલ મીડિયા પર પોતાનું આંદોલન ચાલુ રાખ્યું હતું. લાંબી લડત બાદ આ આંદોલનને સફળતા મળી હતી.

Last Updated :Jul 18, 2020, 2:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.