ETV Bharat / state

Ganesh Mahotsav 2023: પલસાણામાં ગણેશજીની શોભાયાત્રામાં નાચતા ભક્તો પર ફરી વળ્યો ટેમ્પો, એક મહિલાનું થયું કરૂણ મોત

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 4:07 PM IST

ગણેશ મહોત્સવ દરમિયાન ટેમ્પો ભક્તો પર ફરી વળ્યો
ગણેશ મહોત્સવ દરમિયાન ટેમ્પો ભક્તો પર ફરી વળ્યો

સુરતમાં ગણેશ મહોત્સવ દરમિયાન એક કરૂણાંતિકા બની છે. પલસાણામાં ગણેશજીની પ્રતિમાને સ્થાપના માટે પંડાલ સુધી લઈ જવા શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા દરમિયાન ભકતો પર ટેમ્પો ફરી વળ્યો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું કરુણ મૃત્યુ થયું છે. વાંચો સમગ્ર કરુણાંતિકા વિગતવાર.

સુરતઃ પલસાણામાં ગણેશ મહોત્સવ દરમિયાન કરુણ ઘટના ઘટી છે. જેમાં ગણેશજીની પ્રતિમાને લઈ જતી શોભાયાત્રામાં ટેમ્પો ભક્તો પર ફરી વળ્યો હતો. આ દુર્ઘટનામાં એક મહિલાનું કરૂણ મૃત્યુ થયું છે. આ ઉપરાંત બે બાળકો સહિત કુલ ચાર ભક્તો ઘાયલ થયા છે.

પઠાણ પાર્ક પાસે ઘટી દુર્ઘટનાઃ સોમવારે પલસાણાના પાડા ફળિયાના રહીશો ગણેશ પંડાલ માટે ગણેશજીની પ્રતિમા લેવા ગયા હતા. ગણેશજીની પ્રતિમાને લઈને પરત ફરતી વખતે ગણેશજીની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. સમગ્ર શોભાયાત્રામાં ડીજેના તાલે ભક્તો નાચવામાં વ્યસ્ત હતા.આ શોભાયાત્રા પઠાણ પાર્ક પાસે પહોંચી ત્યારે આ દુર્ઘટના થઈ હતી.

ચાલકે સ્ટિયરિંગ પર ગુમાવ્યો કાબુઃ ગણેશજીની પ્રતિમાને લાવતા ટેમ્પોના ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવી દીધો હતો. ટેમ્પોની આગળ જ ડીજેના તાલે ભક્તો નાચી રહ્યા હતા. આ બેકાબુ ટેમ્પો ભક્તો પર ફરી વળતા ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર વાતાવરણ ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યું હતું. આ ગમખ્યવાર અકસ્માતમાં એક મહિલાનું કરૂણ મૃત્યુ થયું હતું. તેમજ બે બાળકો સહિત ચાર ભકતો ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં રંજનબેન ભાણાભાઈ રાઠોડ (ઉ.વર્ષ 50)ને ગંભીર ઇજા થતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે યાત્રામાં સામેલ આરતીબેન ઉક્કડભાઈ રાઠોડ (ઉ.વર્ષ 19), પિંકુબેન કાળુભાઈ રાઠોડ(ઉ.વર્ષ 30), અંશ નવીનભાઈ હળપતિ(ઉ.વર્ષ 10)અને રાધિકા લાલુભાઈ રાઠોડ (ઉ.વર્ષ 11)ને ઈજા થઈ હતી. ઘાયલોને સારવાર અર્થે પ્રથમ પલસાણા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી આરતીને વધુ ઈજા હોય સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે. જ્યારે પિંકુ તેમજ અંશને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હાલ સમગ્ર મામલે ટેમ્પો ચલાક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તેની ધરપકડ કરી પુછપરછ કરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે...એન.વી. વસાવા(P.I.,પલસાણા પોલીસ સ્ટેશન)

ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયોઃ ઘટનાની જાણ થતાં જ પલસાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે પ્રતીક બચુભાઈ રાઠોડની ફરિયાદના આધારે ટેમ્પો ચાલક સતિશ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

  1. Accident in Surat: સુરતમાં કારની ટક્કરે મોપેડ પર જતી મહિલાનું મોત, કારચાલક અમદાવાદી નીકળી
  2. Surat Accident: સુરતમાં ટેન્કરની ટક્કરે દંપતીનું મોત, જીદ કરીને સાથે આવેલી બાળકીનો બચાવ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.