સુરત : શહેરના અમરોલી વિસ્તારમાં મનીષા ગરનાળા નજીક પાછળના ભાગે અચાનક જ દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ઝાડી ઝાંખરીમાં દીપડો દેખાતા સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણકારી આપવામાં આવી હતી. જાણકારી મળતા આજે વન વિભાગના અધિકારીઓ પણ દોડતા થયા હતા. શહેરના સીમાડે દીપડો દેખાતા ભારે કુતૂહલ પણ સર્જાયું છે.
ફૂટ પ્રિન્ટ લેવાયા : સુરત શહેરના અમરોલી વિસ્તાર ખૂબ જ ભરચક વિસ્તાર તરીકે ગણાય છે શહેરના સીમાડે આવેલા આ વિસ્તારમાં દીપડો દેખાતા લોકો દહેશતમાં છે. આવું પ્રથમવાર છે કે આ વિસ્તારમાં દીપડો દેખાયો હોય. સ્થાનિકોએ દીપડાનો વિડીયો પણ ઉતારી આ અંગે વન વિભાગને જાણકારી આપી છે. જાણકારી મળતા જ વન વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. ફૂટ પ્રિન્ટ સહિતની તમામ જાણકારી વન વિભાગના અધિકારીઓએ મેળવી હતી.
દીપડાની સંખ્યા બમણી થઈ ગઇ : દીપડા જ્યારે સુરત શહેરના સીમાડે સ્થાનિકોને દેખાયા છે તેમાં ખાસ કરીને અભવા ગામ નજીક વખત દીપડો દેખાયો હોય તેવી વાત સ્થાનિકોએ વન વિભાગને કરી છે અને હાલ અમરોલી વિસ્તારમાં આવી જ ઘટના બની છે. અમરોલીના મનીષા ગરનાળા નજીક લોકોની અવરજવર વધારે હોય છે. ત્યારે દિવસે દીપડો દેખાતા નજીકની તમામ સોસાયટીના સ્થાનિકોને સાવચેત કરાયા છે. છેલ્લા સાત વર્ષમાં સુરત જિલ્લામાં દીપડાની સંખ્યા બમણી થઈ છે આ જ કારણ છે કે તેઓ શહેર નજીક જોવા મળી રહ્યા છે. દીપડો દેખાયો હોવાની વાત આખા શહેરમાં પસરતા લોકોમાં પણ ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે. સુરત જિલ્લામાં દીપડાની સંખ્યા બમણી એટલે કે 40થી વધીને 105 જેટલી થઇ હોવાનું જણાયું છે.
વન વિભાગ તમામ માહિતી મેળવી રહ્યો છે : વિભાગના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ તેઓએ પ્રાથમિક તબક્કે દીપડો ક્યાં દેખાયો તે અંગેની માહિતી સ્થાનિકો પાસેથી લીધી છે. આ સાથે સ્થાનિકો દ્વારા જે વિડીયો બનાવવામાં આવ્યો છે તે પણ વન વિભાગને સોંપવામાં આવ્યો છે. નજીકમાં જ શેરડીનું ખેતર છે જ્યાં દીપડો ત્યાંથી નીકળી ગયો હોય તેવું અનુમાન છે.
- Kutch News : વન્યપ્રાણીઓની વસ્તી ગણતરી કરવામાં આવી, દીપડાની સંખ્યામાં વધારો, રાજ્ય સરકાર બહાર પાડશે આંકડાઓ
- Surat News : સાત વર્ષ બાદ સુરત જિલ્લામાં દીપડાની વસ્તી ગણતરી શરુ, કેવી રીતે થાય છે કામગીરી જાણો
- Budget Session 2023 : ગુજરાતમાં સિંહ અને દીપડાના હુમલાથી 34નાં મૃત્યુ, પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં 12 પ્રાણીના મૃત્યુ