સુરત : ખાખી પાછળ પણ એક ધબકતું હૃદય હોય છે તેનું એક ઉત્તમ ઉદાહરણ સુરત શહેરના સરથાણા પોલીસ મથકમાં જોવા મળ્યું છે. પોલીસ મથકમાં આ પોલીસ કર્મચારીઓ એક છ વર્ષની દીકરીની સંભાળ કરી રહ્યા છે કારણ કે, એક પિતાએ પોતાની દીકરીને સુવડાવી જઈ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બાળકી માતા વિહોણી છે. તેની માતા મૃત્યુ પામી ચૂકી છે ત્યારે આવી સ્થિતિમાં બાળકીની સંભાળ કોણ કરશે એ મોટો પ્રશ્ન હતો. જેથી પોલીસ મથકમાં હાલ પોલીસ કર્મચારીઓ દીકરીની સાર સંભાળ કરી રહ્યા છે.
શું હતો સમગ્ર મામલો : સરથાણા પોલીસને માહિતી મળી હતી કે, પુના સરોલી જંકશન પાસે આવેલા નહેરની નજીક એક વ્યક્તિ ઝાડ સાથે મૃત્યુ પામ્યો છે. આ સમગ્ર ઘટના અંગેની તપાસ સરથાણા પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, 50 વર્ષીય ધર્મેન્દ્ર રાઠોડ મૂળ ભાવનગરના છે અને ડાયમંડ ફેક્ટરીમાં રત્નકલાકાર તરીકે નોકરી કરી રહ્યા હતા. જ્યારે પોલીસે ધર્મેન્દ્રના ઘરે તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે તેમને છ વર્ષની નાની દીકરી છે જેનું નામ નેન્સી છે. નેન્સી સિવાય તેમના ઘરમાં કોઈ નથી.
બાળકી નિરાધાર થઈ ગઈ : વધુ તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, છ વર્ષની દીકરીને તેઓ ઘરે સુવડાવીને માતા પિતાએ આત્મહત્યા કરી લીધી છે. નેન્સીની માતાનું પણ અગાઉ મૃત્યુ થઈ ચૂક્યું છે. નાની બાળકી માતા પિતા સિવાય પરિવારના કોઈપણ સભ્યને ઓળખતી પણ નથી. જેના કારણે બાળકી નિરાધાર થઈ ગઈ હતી. બીજી બાજુ ધર્મેન્દ્રએ શા માટે આત્મહત્યા કરી તે અંગેની તપાસ પોલીસ કરી રહી હતી, પરંતુ બાળકી નિરાધાર થતા તેની કાળજી કોણ લેશે એ પ્રશ્ન પણ પોલીસ સમક્ષ હતો.
બાળકીના પિતાએ આત્મહત્યા કરી લીધા પછી આ બાળકી પોલીસ મથકમાં છે અમે સંબંધીઓ અંગે જાણકારી મેળવી રહ્યા છે અને તમામને અપીલ પણ કરી છે કે જેઓ આ બાળકીને દત્તક લેવા માટે ઈચ્છુક હોય તેઓ પણ સામે આવે.- વિરલ પટેલ (ઇન્સ્પેક્ટર)
મહિલા PSI બાળકીને ઘરે લઈ જાય છે : સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ હાલ બાળકીની કાળજી પરિવારના સભ્યો તરીકે કરી રહ્યા છે. રાત્રે પોલીસ મથકની મહિલા સબ ઇન્સ્પેક્ટર બી.ડી. મારુ તેને પોતાના ઘરે લઈ જાય છે. બીજા દિવસે તેને પોલીસ મથક લઈ આવે છે, હાલ પોલીસકર્મીઓ તેની દીકરીની જેમ સંભાળ કરી રહ્યા છે.