ETV Bharat / state

Surat Crime : બારડોલીના માણેકપોર નજીક પેટ્રોલપંપ પર પિસ્તોલની અણીએ લૂંટ

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2023, 9:52 PM IST

બારડોલીનાં માણેકપોર ગામની સીમમાં પેટ્રોલપંપ પર ત્રણ લૂંટારુઓએ પિસ્તોલની અણીએ લૂંટ ચલાવી હતી. પેટ્રોલ પંપના કર્મચારીઓને ધમકાવી 9500 રૂપિયા રોકડા અને 15 લિટર પેટ્રોલ મળી કુલ 11000 રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી.

Surat Crime : બારડોલીના માણેકપોર નજીક પેટ્રોલપંપ પર પિસ્તોલની અણીએ લૂંટ
Surat Crime : બારડોલીના માણેકપોર નજીક પેટ્રોલપંપ પર પિસ્તોલની અણીએ લૂંટ

સૂતેલા કર્મચારીઓને ઘેરી લઇ લૂંટ

સુરત : બારડોલી તાલુકાના માણેકપોર ગામે આવેલા એક પેટ્રોલ પંપ પર લૂંટારુ ત્રાટક્યા હતાં. શુક્રવારે મળસ્કે પેટ્રોલ પંપના કર્મચારીઓને પિસ્તોલ બતાવી પેટ્રોલ અને રોકડા રૂપિયા સહિત 11 હજારની લૂંટ કરી ત્રણ ઇસમો મોટર સાઇકલ પર નાસી છૂટ્યા હતાં. પોલીસે આ અંગે લૂંટનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

માણેકપોર ગામે પેટ્રોલપંપ પર બનેલી લૂંટની ઘટનામાં પોલીસે પેટ્રોલપંપ કર્મચારીની ફરિયાદ લીધી છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ અને મોટરસાઇકલના રજિસ્ટ્રેશન નંબરને આધારે તપાસ કરી રહી છે...ડી. આર. વસાવા(પીએસઆઈ,બારડોલી ગ્રામ્ય પોલીસ)

કર્મચારીઓ સૂતાં હતા ત્યારે આજુબાજુ ઉભા રહી ગયા : માણેકપોર ગામે નેશનલ હાઇવે નંબર 53 પર તાપીમૈયા પેટ્રોલપંપના નામે ભારત પેટ્રોલિયમનો પેટ્રોલપંપ આવેલો છે. ગુરુવારે રાત્રિ પાળીમાં આ પંપ પર ત્રણ ફિલર અને એક સિક્યુરિટી ગાર્ડ કામ કરી રહ્યા હતાં. રાત્રિના સમયે ફિલર મિતેશ કિશોર ચૌધરી, પૂર્વીલ મુકેશ ચૌધરી અને આયુષ વિનોદ પરમાર પેટ્રોલ પોઈન્ટ આગળ ખાટલા પર સૂતેલા હતાં. જ્યારે દેખરેખ રાખનાર સુરાભાઈ લાખાભાઈ ચૌહાણ ઓફિસમાં બેઠેલા હતાં. દરમ્યાન મળસ્કે ત્રણ વાગ્યાની આસપાસ એક બજાજ પલ્સર મોટર સાઇકલ નંબર જીજે 19 એઇ 9870 પર બુકાનીધારી અજાણ્યા ત્રણ ઇસમો ધસી આવ્યા હતા અને ત્રણેય જણા ખાટલાની આજુબાજુ ઊભા રહી ગયા હતાં અને પિસ્તોલ બતાવી પંપના કર્મચારીઓને બંધક બનાવી દીધા હતાં.

કુલ 11000 રૂપિયાની લૂંટ
કુલ 11000 રૂપિયાની લૂંટ

એક કર્મચારીને લાફા મારી પૈસા લઈ લીધા : લૂંટારુઓએ ઓફિસના ટેબલનું ખાનુ ખોલી જોતાં અંદરથી કઈ ન મળતા એક શખ્સે આયુષ પરમારને બે લાફા મારી દીધા હતાં અને તુમ્હારે પાસ જીતને પૈસે હૈ વો મુઝે દે દો” એમ કહી તેની પાસેથી 9500 રૂપિયા રોકડા લઈ લીધા હતાં. ત્યારબાદ ત્રણેય કર્મચારીઓને પકડીને ઓફિસમાં લઈ ગયા હતાં. જ્યાં ટેબલના ખાના ખોલાવ્યા હતાં. પરંતુ કઈ મળ્યું ન હતું.

15 લીટર પેટ્રોલ પણ ભરાવી ગયા : ત્યારબાદ મોટર સાઇકલમાં પેટ્રોલ પુરાવા જતાં મીટર ચાલુ થયું ન હતું. આથી કર્મચારી પૂર્વિલને ધમકાવીને લઈ ગયા હતા અંતે તેની પાસેથી મોટરસાઇકલમાં જબરજસ્તી 15 લિટર પેટ્રોલ ભરાવી દીધું હતું. આમ પેટ્રોલ ડીઝલ વેચાણના કુલ 9500 રૂપિયા મળી 11000 રૂપિયાની લૂંટ કરી મોટર સાઇકલ પર બેસી નાસી છૂટ્યા હતા.

બુકાનીધારી શખ્સો : ત્રણેય ઇસમોએ મોઢે બુકાની બાંધી હતી અને હિન્દી ભાષા બોલતા હતા. તેમની ઉંમર આશરે 25 થી 30વર્ષ હોવાનું પોલીસે જણાવ્યુ હતું. હાલ બારડોલી ગ્રામ્ય પોલીસે પેટ્રોલપંપના કર્મચારી મિતેશ કિશોરભાઇ ચૌધરી (રહે સેજવાડ, તા. બારડોલી, જી. સુરત)ની ફરિયાદને આધારે લૂંટનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

  1. Surat Crime: સુરત પોલીસને મળી બેંક ઓફ મહારાષ્ટ્ર લૂંટ કેસમાં સફળતા, 5 માંથી 4 લૂંટારૂઓને UPથી ઝડપ્યા
  2. Surat News: બે ઈસમોએ કરીયાણાની દુકાનમાં ઘુસી ચપ્પુ બતાવી તેલના ડબ્બાની લૂંટ ચલાવી
  3. Surat Bank Robbery : ધોળા દિવસે બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટ, પાંચ મિનિટમાં લુંટારો 14 લાખ લૂંટી ફરાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.