સુરત : સુરત જિલ્લામાં જેમ જેમ ગુલાબી ઠંડી જામી રહી છે તેમ તેમ તસ્કરો પણ સક્રિય થઈ રહ્યા છે. તસ્કરો એક પછી એક ચોરી,લૂંટ જેવી ઘટનાને અંજામ આપી પોલીસને પણ પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે વધુ એક લૂંટની ઘટના સુરત જિલ્લામાં બની હતી. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામે આવેલ ગણેશ નગરમાં લૂંટની ઘટના બની હતી.પોલીસ લૂંટારુઓને પકડવા ટીમ બનાવીને કામે લાગી છે.
બનાવની જાણ થતાં જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. હાલ ભોગ બનનાર પરિવારના નિવેદન લેવાયા છે. આજુબાજુ વિસ્તારના સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવ્યા છે. નિધિ ઠાકુર (સુરત ગ્રામ્ય ડીવાયએસપી)
કઇ રીતે બની લૂંટની ઘટના : ઘરમાં રહેતો પરિવાર નીચેના માળે ઘરના વૃદ્ધ મહિલાને સુવડાવી ઘરનો દરવાજો બંધ કરી ઉપરના માળે સુવા ગયા હતાં. તે દરમિયાન વહેલી સવારના ચાર વાગ્યાના અરસામાં લૂંટારુઓ ત્રાટક્યાં હતાં. લૂંટારાઓ નીચેના માળના ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ્યા હતાં. તે દરમિયાન ઘરમાં સૂતેલાં વૃદ્ધા જાગી જતાં લૂંટારૂઓએ વૃદ્ધાનું મોઢું બધ કરી દીધું હતું. તીજોરીમાં રહેલ ગોલ્ડ કોઈન, 10થી વધુ ચાંદીના સિક્કા,બે સોનાની ચેઇન અને 50 હજાર રોકડની લૂંટ ચલાવી હતી. લૂંટારાઓએ આટલી લૂંટ ચમાવ્યાં બાદ પણ જતાં જતા વૃદ્ધ મહિલાએ હાથ પહેરેલી સોનાની ચાર બંગડીઓ કાઢી લીધી હતી અને ભાગી ગયા હતાં.
સીસીટીવી ફૂટેજમાં ક્લૂ મળ્યો : સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સુરત ગ્રામ્ય ડીવાસએસપી, જિલ્લા એલસીબી અને કિમ પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. આજુબાજુ સોસાયટીઓમાં તેમજ રસ્તાઓના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા એક શંકાસ્પદ ઇકો કાર નજરે ચડી હતી. હાલ પોલીસે શંકાસ્પદ ઇકો કારના સીસીટીવી ફૂટેજ તેમજ લૂંટની ઘટનાનો ભોગ બનનાર પરિવારના નિવેદન લઈ ફરાર લૂંટારુઓના કોલર સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.