જર્મનીમાં રહેતા સુરતી યુવાને પોતાના 26માં જન્મદિવસે 26 હજાર યુવાવર્ગને માનસિક તણાવ મુક્ત કરાવવાની પ્રતિજ્ઞા લીધી
જર્મનીમાં રહેતા સુરતી યુવાને પોતાના 26માં જન્મદિવસે 26 હજાર યુવાવર્ગને માનસિક તણાવમાંથી મુક્ત કરાવવાની પ્રતિજ્ઞા લીધી છે. આ માટે જર્મની ખાતે અભિષેકે એક મોક્ષ ફાઉન્ડેશનનું નિર્માણ પણ કર્યું છે. જેના થકી વિશ્વભરમાંથી કોઈ પણ યુવાનને અભિષેક આ ફાઉન્ડેશન થકી ડિપ્રેશન, એન્ઝાઇટી, સ્ટડી અને જોબથી મળતા તણાવને દૂર કરશે.

સુરત : મૂળ સુરતના અભિષેક ભુદેવ હાલ જર્મનીમાં રહે છે. અભિષેકને પોતાના ગુરુ શ્રી વલ્લભરાયજી મહારાજશ્રી સુરત તેમજ શ્રીમદ ભગવતગીતામાંથી પ્રેરણા લઈને મોક્ષ ફાઉન્ડેશનનું નિર્માણ કરવાની પ્રેરણા મળી. સુરત નિવાસી અભિષેક રમેશકુમાર ભુદેવ (હાલ જર્મની યુરોપ) એ દેશસેવામાં હંમેશા આતુરતાથી પોતાનું યોગદાન આપ્યું છે. જેમ કે, યુરોપિયન પાર્લામેન્ટ બેલ્જીયમ, નેશનલ એસેમ્બ્લી પેરિસ, ઇન્ડિયન એમ્બેસી જર્મની તથા યુરોપિયન યુનિયન સ્ટ્રાસબોર્ગ ફ્રાંસમાં યુથ ડેલિગેટ તરીકે ભારતનું નેતૃત્વ કર્યું હતું. તેને પાકિસ્તાની મીડિયાએ પણ કવરેજ કર્યું હતું. તેણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “નવભારત નિર્માણ” ના સપનાને આગળ લઈ જવા માટે પ્રયત્ન કર્યો. તેથી મોક્ષ ફાઉન્ડેશન દ્વારા યુવા પેઢીને “By Youth For Youth” પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

જ્યારે અભિષેક પણ પોતાની બહેનની મદદથી ડિપ્રેશનમાંથી બહાર આવ્યો ત્યારથી તેણે મોક્ષ ફાઉન્ડેશનનું સ્વપ્ન જોયું અને મોક્ષ દ્વારા હજારો યુવાવર્ગને ડિપ્રેશન,ઍન્ઝાયટી તથા ગોલ પ્રોબ્લેમમાંથી બહાર લાવવાનો અને જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાની પ્રતિજ્ઞા લીધી. તેથી તા. 23મી સપ્ટેમ્બર 2020 ના રોજ પોતાના જન્મદિન પર મોક્ષ ફાઉન્ડેશનનો પાયો નાખ્યો. અભિષેકને વડાપ્રધાન મોદીએ ડિજિટલ કાર્ડ થકી જન્મદિનની શુભેક્ષાઓ પાઠવી છે.
અભિષેક જણાવ્યું હતું કે, મોક્ષ ફાઉન્ડેશન એક “નોન પ્રોફિટેબલ વોલેંટિયર ઓર્ગેનાઇઝેશન” છે. જે “By Youth For Youth” દ્વારા ચલાવાઈ રહી છે.જે કોઈપણ ડોનેશન, ફી કે ભેટ વગર કાર્યરત છે. અને મોક્ષ દ્વારા નિસ્વાર્થભાવે સેવા આપવાનો નિર્ધાર છે. “મોક્ષ“ ના સભ્યો રીંકલબેન તથા ચિંતનભાઈ તથા અન્ય સ્વૈચ્છિક સભ્યોએ ફાઉન્ડેશનની વેબસાઈટ “www.mokshafoundation.in” ની રચના કરી. આ વેબસાઈટ યુવાવર્ગને રંગ, રુપ, નાત, જાત કે ધર્મ જોયા વગર નિસ્વાર્થ ભાવે સેવા આપવા તત્પર છે. અહીં પોતાનું નામ જણાવ્યા વગર પણ વાત કરી શકો છો.
તેણે વધુમાં જણાવ્યું હતું કે, આજના સમયમાં લોકો એકબીજાને જજ કરવામાં એક પણ ક્ષણ નથી લેતાં. જેમ કે, કોઈ પણ યુવા-યુવતી ડિપ્રેશનમાં હોય તો તેને અલગ નજરથી જોવામાં આવે છે. આ માનસિકતા દૂર કરવાનો આ અમારો ઐતિહાસિક પ્રયાસ છે. યુવાવર્ગ “મોક્ષ” ની વેબસાઈટના કોન્ટેક્ટમાં જઈને પોતાની વ્યથા પસંદ કરી પોતાના શબ્દો અમને ઇમેઇલ દ્વારા જણાવી શકે છે. તેમજ ટીમ દ્વારા તેઓને ફોન, પર્સનલ કોમ્યુનિકેશન તથા આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વર્ચ્યુઅલ કોમ્યુનિકેશન દ્વારા મદદ કરવામાં આવશે. મોક્ષ દ્વારા યુવાનોને એક નવો મિત્ર, મેંટોર અથવા સલાહકાર મળી શકે છે, જે તેમને જેવા છે તેવા સ્વીકારીને જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરી શકે.


