ETV Bharat / state

કૃષિ કાયદાઓ દેશને ફરી ગુલામ બનાવી દેશે: હેમંત શાહ

author img

By

Published : Feb 19, 2021, 8:21 PM IST

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા 3 કૃષિ કાયદાની સાચી સમજ આપવા માટે ખેડૂત સમાજ ગુજરાત અને સુરત જિલ્લા ખેડૂત સમાજ દ્વારા બારડોલી ખાતે કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના અર્થશાસ્ત્રી હેમંત શાહ દ્વારા આ કાયદાથી ખેડૂતોને થનારા નુકસાન અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આ કાયદા ખેડૂતો અને નાગરિકોને ફરી ગુલામ બનાવી દેશે.

ETV BHARAT
કૃષિ કાયદાઓ દેશને ફરી ગુલામ બનાવી દેશે

  • બારડોલી ખાતે યોજાયો કૃષિ પરિસંવાદ
  • ખેડૂતોને કાયદાઓથી થતા નુકસાન અંગે સમજણ આપવામાં આવી
  • ત્રણેય કાયદાઓ ખેડૂતો અને નાગરિકોને ગુલામ બનાવશે

સુરત: બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમનાં બારડોલી અને આસપાસના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલે ઉપસ્થિત ખેડૂત અગેવાનોનું સ્વાગત પ્રવચન કર્યા બાદ અર્થશાસ્ત્રી હેમંત શાહે કાયદા અંગે વિસ્તારથી ઉદાહરણ સહિત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કૃષિ કાયદાઓ દેશને ફરી ગુલામ બનાવી દેશે

જમીન માલિકો ખાનગી કંપનીના ગુલામ બનશે

હેમંત શાહે આ કાયદાઓને કાળા કાયદા ગણાવી જણાવ્યું કે, સરકારની નિયત ખેતીને દેશી-વિદેશી બહુરાષ્ટ્રીય કંપનીઓને હવાલે કરવાની છે અને જમીન માલિક એવા ખેડૂતોને તેમની જ જમીન પર ખાનગી કંપનીઓના મજૂર બનાવી દેવામાં આવશે. આ કાયદાઓ ખેડૂતો અને નાગરિકોને ગુલામ બનાવશે. પહેલાં આપણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ગુલામ હતા હવે 5 હજારથી વધુ ખાનગી કંપનીઓના ગુલામ બનીશું.

આ કાયદા ઘડી રાજ્ય સરકારોની સત્તા આંચકી લીધી

અર્થશાસ્ત્રી શાહે વધુમાં ઉમેર્યું કે, આ ત્રણેય કાયદા રાજ્ય સરકારને પૂછ્યા વિના કે ચર્ચા કર્યા વિના જ કરવામાં આવ્યા છે. ખરેખર તો ખેતી અને ખેતીના માલનું ખરીદ વેચાણ એ બંધારણ અનુસૂચિ -7 મુજબ રાજ્ય સરકારનો વિષય છે. રાજ્ય સરકારે કાયદા ઘડવાના હોવા છતાં પણ કેન્દ્રએ આ કાયદા ઘડીને રાજ્ય સરકારોની સત્તા આંચકી લીધી છે. જેથી દેશના મૂળભૂત રાજકીય અને આર્થિક માળખાને હાની પહોંચાડવામાં આવી રહી છે.

ન્યાય માંગવામાં નાગરિકોના અધિકારનો છેદ ઉડાડી દેવાયો

આ કાયદાઓ લોકશાહીના એક મૂળભૂત સિદ્ધાંતનો ભંગ કરતા હોવાનું જણાવી તેમણે આગળ જણાવ્યું કે, આ કાયદા હેઠળ ખેડૂતો કંપનીએ છેતરપિંડી કરી હોય તો પણ તેની સામે અદાલતમાં કેસ પણ કરી શકશે નહીં. સરકાર ન્યાય માંગવાના નાગરિકોના અધિકારનો છેદ ઉડાડી દેવા માગે છે. આ એક અદ્રશ્ય ગુલામી છે.

ETV BHARAT
કૃષિ કાયદાઓ દેશને ફરી ગુલામ બનાવી દેશે

APMC બંધ કરવાનો કારસો

ત્રણ કાયદાથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC) બંધ કરવાનો કારસો રચવામાં આવ્યો છે. તેમણે આ કાયદાથી APMCને પર પડનારી અસરો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. જેમાં માર્કેટિંગયાર્ડ બહાર વેરા અને ફી નહીં જ્યારે માર્કેટિંગયાર્ડમાં વેરા અને ફી ભરવી પડશે. જેથીથી બહાર વેપાર વધવાથી APMCને બંધ કરવાનો વખત આવશે. આ ઉપરાંત ખાનગી કંપનીઓ ભેગી થઈને ઓછા ભાવે ખરીદશે તો ખેડૂતોને જ નુકસાન વેઠવાનો વારો આવશે.

કરારી ખેતી ખેડૂતો માટે જોખમી

તેમણે કરારી ખેતીને પણ ખેડૂતો માટે જોખમી ગણાવી હતી અને કરારી ખેતીના ખેડૂતોને થનારા ગેરલાભ અને કંપનીને થનારા ફાયદા અંગે પણ માહિતગાર કર્યા હતા.

કંપની સંગ્રહખોરી કરી ખેડૂતો અને ગ્રાહકો બન્નેનું શોષણ કરશે

આવશ્યક ચીજવસ્તુ ધારા કાયદાથી સંગ્રહખોરીને ખુલ્લી છૂટ આપવામાં આવી છે. આ કાયદાથી ખેડૂતો અને ગ્રાહકો બન્નેનો મરો છે. કંપનીઓને સંગ્રહખોરીની છૂટ આપવામાં આવી છે. જેથી કંપની ઈચ્છે ત્યારે ભાવ રમાડી શકશે. ખેડૂતોને ભાવ ઓછા મળે અને ગ્રાહકોને ઊંચા ભાવે વેચાણ કરી કંપની ગ્રાહકો અને ખેડૂત બન્નેનુ શોષણ કરશે.

ખેડૂતોને સાચું માર્ગદર્શન આપવા પરિસંવાદનું આયોજન

આ અંગે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ત્રણ કાયદાઓ અંગે ખેડૂતોને સમજ આપવા માટે મોટાપાયે બેઠકો યોજવામાં આવી રહી છે. ગુજરાતમાં એકાદ બે ખેડૂતો સંગઠનોને બાદ કરતાં તમામ સંગઠનો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. હજી કેટલાક ખેડૂતો કાયદાથી થનારા નુકસાન અંગે વાકેફ નથી. તેમને માર્ગદર્શન આપવા જ આ કિસાન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.